Get The App

બાંગ્લાદેશમાં ગાયક જેમ્સનો કાર્યક્રમ રદ કરાયો : ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં ગાયક જેમ્સનો કાર્યક્રમ રદ કરાયો : ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો 1 - image

- કટ્ટરપંથીઓએ 'છાયા-નૌત' સાંસ્કૃતિક કેન્દ્ર સળગાવ્યું

- લેખિકા તસ્લીમા નસરીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું : 'કટ્ટરપંથીઓએ ધર્મ નિરપેક્ષતા અને પ્રગતિશીલ વિચારધારાને જાકારો આપ્યો છે'

ઢાકા : અહીંથી આશરે ૧૨૦ કી.મી. દૂર આવેલા ફરીદપુરમાં લોકપ્રિય ગાયક- સંગીતકાર અને બંદીશકાર જેમ્સનો સંગીત કાર્યક્રમ રદ કરવો પડયો હતો. કારણ કે કટ્ટરપંથી ઈસ્લામિસ્ટે કાર્યક્રમ જ્યાં યોજાયો હતો તે નાટયગૃહ છાયા-નૌત તરફ ધસી જઈ ભારે પથ્થરમારો અને ઈંટ મારો કર્યો હતો. તેથી જેમ્સ અને તેના સાર્જિદાઓ સ્થળ છોડી ચાલ્યા ગયા પછી ટોળાંએ તે સાંસ્કૃતિક કેન્દ્ર 'છાયા-નૌત' પણ સળગાવી દીધું હતું.

ગત શુક્રવારે બનેલી આ ઘટના અંગેની વિગતો તેવી છે કે, ત્યાંની એક શાળાના વાર્ષિકોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. શુક્રવારે રાત્રે નવ કલાકે તે શરૂ થવાનો હતો ત્યારે ઈસ્લામિક કટ્ટરપંથીઓ અંદર ઘૂસી ગયા હતા અને કાર્યક્રમ સ્થળ ઉપર પથ્થરો અને ઈંટો ફેકવી શરૂ કરી. કલાકારોનો સમુહ તુર્તજ ત્યાંથી ચાલ્યા ગયા પછી આતંકીઓએ તે કાર્યક્રમ યોજ્યો હતો, તે 'છાયા-નૌત' ઓડીટોરિયમ પણ સળગાવી દીધું હતું.

આ માહિતી લંડનમાં દેશવટો ભોગવતાં ખ્યાતનામ લેખિકા તસ્લીમા નસરીએ 'ટ' પોસ્ટ પર લખ્યું. 'છાયા-નૌત' સાંસ્કૃતિક કેન્દ્ર ભસ્મીભૂત કરાયું. તે વાસ્તવમાં સંગીત, ગીત, નૃત્ય, નાટક દ્વારા બાંગ્લાદેશની સંસ્કૃતિ તેમજ આદિવાસી સંસ્કૃતિને પુષ્ટિ આપવા રચવામાં આવ્યું હતું. તેને ભસ્મીભૂત કરાયું તે અત્યંત દુ:ખદ છે.

ઉલ્લેખનીય છે કે જેમ્સ એક શ્રેષ્ઠ ગાયક, સંગીતકાર અને બંદીશકાર પણ છે. તેણે બોલીવૂડની હિન્દી ફિલ્મો, ગેંગસ્ટર, લાઇફ ઈન એમેટ્રો, ભીગી-ભીગી અને અલવિદામાં ગીત-સંગીત પણ આપ્યાં છે.

આવા સંગીતકાર, ગીતકાર અને ગાયકના કાર્યક્રમો રક્ષી શકી નથી. બે દિવસ પૂર્વે ઉસ્તાદ રશીદખાનના પુત્ર અરમાનખાને તો ઢાકાનાં આમંત્રણનો પણ સ્વીકાર કર્યો ન હતો.