એશિયન દેશોમાં જન આક્રોશની એક સરખી પેટર્ન, ૩ વર્ષમાં ઉથલી ૩ સરકારો

નવી દિલ્હી,૧૧ સપ્ટેમ્બર,૨૦૨૫,ગુરુવાર
શ્રીલંકા,બાંગ્લાદેશ અને નેપાળમાં છેલ્લા ૪ વર્ષમાં સત્તા પલટાઇ છે. પહેલા નેપાળની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર પ્રતિબંધના વિરોધમાં ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ થયેલી હિંસામાં કમસેકમ ૧૯ લોકો માર્યા ગયા હતા.યુવાઓના આંદોલનને જન-ઝેડ કહેવામાં આવ્યું તેની આંધીમાં વડાપ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર ઉથલી હતી. નેપાળના યુવાઓએ સોશિયલ મીડિયાના ઓથા હેઠળ બેરોજગારી,ભ્રષ્ટાચાર અને ભાઇ ભત્રિજાવાદ જેવા મુદ્વે રોષ પ્રગટ કર્યો હતો. લોકોમાં સરકાર વિરોધ જે આક્રોશ જોવા મળતો હતો તેને સોશિયલ મીડિયા પરના પ્રતિબંધના નિર્ણયે ચિનગારીનું કામ કર્યુ હતું.
આ સત્તા પરિવર્તન કોઇ ચુંટણીના પરિણામો નહી પરંતુ જન આક્રોશમાંથી થયું છે. ત્રણેય દેશોમાં સત્તામાં ફેર બદલો થઇ તેની પેટર્ન એક સરખી જોવા મળી છે. લોકોએ ભ્રષ્ટાચાર,મોંઘવારી અને બેરોજગારી વિરુધ મોરચો માંડયો હતો. વર્ષ ૨૦૨૨માં શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે દેશ ભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. મહિન્દ્રા રાજપક્ષે સરકાર વિરોધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન,સંસદભવનનો લોકોના સમૂહોએ કબ્જો કરી લીધો હતો. લોકોએ પીએમ રાનિલ વિક્રમાસિંઘે અને રાષ્ટ્રપતિ ગોટાપાયાને સત્તા છોડાવી એટલું જ નહી તેમના ઘર પણ સલામત રહેવા દીધા ન હતા. રાજપક્ષે સરકારે રાતો રાત બિસ્તર પોટલા ભરીને વિમાન માર્ગે સિંગાપુર નાસી જવું પડયું હતું. રાજપક્ષે પરિવારનો શ્રીલંકાના રાજકારણ પરનો દબદબો હતો.
એલટીટીઇ જેવા ખુંખાર અલગાવવાદી સંગઠનો સફાયો કરીને વર્ષોથી હિંસામાં સળગતા શ્રીલંકાને કપરાકાળમાંથી બહાર કાઢયું હતું. રાજપક્ષેની લોકપ્રિયતા અને રાષ્ટ્રવાદી વિચારો જોતા તેમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે એવું વિચાર્યુ પણ ન હતું. પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસિના બેગમની એક એવી મજબૂત સરકાર જેને લાંબા સમય સુધી રાજકીય સ્થિરતા આપી હતી. આર્થિક સુધારણા કરીને બાંગ્લાદેશની જીડીપીમાં વધારો કર્યો હતો. આર્થિક વિકાસ થયો પરંતુ તેનો લાભ છેવાડાના માનવીને ના મળતા રોષ ભભૂકી ઉઠયો હતો. બાંગ્લાદેશની આઝાદી એટલે કે મુકિત સંગ્રામમાં ભાગ લેનારા પરિવારના સભ્યોને નોકરીઓમાં અનામતનો નિર્ણય તત્કાલિન વડાપ્રધાન બેગમ હસિના માટે બેક ફાયર સાબીત થયો હતો. સ્ટુડન્ટસનું દેશ વ્યાપી આંદોલન વિદ્રોહમાં બદલાઇ ગયું હતું અને શેખ હસિનાએ રાતો રાત દેશ છોડીને ભારતમાં શરણ લેવું પડયું હતું.









