ભારત પરનો વધારાનો 25 ટકા ટેરિફ હટાવવા સંકેત
- ટ્રમ્પ નરમ પડયા
- મુખ્ય આર્થિક સલાહકાર નાગેશ્વરનનો દાવો
- ભારત પર નાખેલા ટેરિફના વિવાદનો આગામી 8થી 10 સપ્તાહમાં જ ઉકેલ આવી જાય તેવી સંભાવના
નવી દિલ્હી : રશિયા પર તેલ આયાત કરવા માટે ભારત પર બીજા ૨૫ ટકા સાથે કુલ ૫૦ ટેરિફ લગાવનારા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું વલણ નરમ પડયું હોવાની અટકળો છે. ટ્રમ્પ ભારત પર લગાવેલા ૫૦ ટકા ટેરિફમાંથી ૨૫ ટકા ટેરિફને હટાવી દે તેવી અટકળો છે. તે નવેમ્બર પછી ભારત પર લગાવવામાં આવેલો ૨૫ ટકાનો વધારાનો વેરો હટાવી શકે છે. આ વધારાનો વેરો ૨૭ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો.
દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને આશા વ્યક્ત કરી હતી કે ૩૦ નવેમ્બર પછી કેટલીક આયાત પર લગાવવામાં આવેલો ૨૫ ટકાનો દંડાત્મક વેરો પરત લેવામાં આવશે.
કોલકાતામાં મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા નાગેશ્વરને જણાવ્યું હતું કે અમે પહેલાથી જ તેના પર કામ કરી રહ્યા છીએ. ટેરિફની વાત કરું તો તેમા થોડો સમય લાગશે. અમને ૨૫ ટકા મૂળભૂત ટેરિફ અને ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ બંનેમાંથી એકેયની કલ્પના ન હતી. મારું માનવું છે કે ભૂરાજકીય સ્થિતિઓના લીધે બીજી ટેરિફ લગાવવામાં આવ્યો હશે, પરંતુ છેલ્લા કેટલાક ઘટનાક્રમો જોતાં મારું માનવું છે કે ૩૦ નવેમ્બર પછી દંડાત્મક ટેરિફ નહીં લગાવી શકાય.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યંત હતું કે મને વિશ્વાસ છે કે આગામી કેટલાક મહિનામાં દંડાત્મક ટેરિફ અને રેસિપ્રોકલ ટેરિફનું કોઈ સમાધાન નીકળશે.
તેમણે એ વાત પર ભાર મૂક્યો કે ભારતની નિકાસ હાલમાં ૮૫૦ અબજ ડોલર છે અને હવે તેને એક હજાર અબજ ડોલર એટલે કે એક ટ્રિલિયન ડોલર કરવાનું લક્ષ્યાંક છે.
આ નિકાસ જીડીપીમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. આ પરિબળ એક સ્વસ્થ અને ખુલ્લા અર્થતંત્રનો સંકેત છે.
વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેની વેપાર મંત્રણા યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.
અમેરિકાના દક્ષિણઅને મધ્ય એશિયાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચ દિલ્હીમાં ૧૬મી સપ્ટેમ્બરના રોજ આવ્યા હતા અને હાલમાં આ મંત્રણા જારી છે. ભારત અને અમેરિકા કુદરતી ભાગીદારો છે. મંત્રણામાં ખાસ્સી પ્રગતિ સધાઈ છે. તેમણે જણાવ્યું હતું કે વાટાઘાટો જારી છે અને હાલમાં કોઈ કચવાટ નથી. અમેરિકા અમારું વિશ્વસનીય ભાગીદાર છે.
વાણિજ્ય મંત્રાલયે પણ જણાવ્યું હતું કે ભારત આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળ સાથે આખો દિવસ ચાલેલી મંત્રણા એકદમ હકારાત્મક રહી હતી. બંને પક્ષકારો ટ્રેડ ડીલ પારસ્પરિક ધોરણે ફાયદાકારક હોય તેવું ટ્રેડ ડીલ વહેલુ કરવા માટે સંમત થયા છે.
આ મંત્રણાનું મહત્ત્વ એટલા માટે છે કેમકે અમેરિકાએ ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખ્યો છે.
ભારતનો 55 ટકા સામાન ઊંચા ટેરિફનો ભોગ બન્યો
નવી દિલ્હી : ભારતનો લગભગ ૫૫ ટકા નિકાસ થતો સામાન ટ્રમ્પના ઊંચા ટેરિફનો ભોગ બન્યો છે. તેના પછી સૌથી વધુ અસર પામેલા સેક્ટરોની વાત કરીએ તો કપડા, કેમિકલ, મરીન ફૂડ, હીરાઝવેરાત જેવા ઉદ્યોગ હાઈ ટેરિફનો ભોગ બન્યા છે. આ સેક્ટરો ભારતની શ્રમપ્રધાન આયોતનો મુખ્ય હિસ્સો છે.
ટેરિફના લીધે અમેરિકામાં ભારતની નિકાસ ઘટીને ૬.૮૭ અબજ ડોલર થઈ ગઈ છે જે દસ મહિનાનું નીચલું સ્તર છે.