- અમેરિકામાં નવા વર્ષનો સૂરજ લોહી નીતરતો ઉગ્યો છે
- આ ગોળીબારમાં 11 લોકોનાં તો સ્થળ પર જ મૃત્યુ થયાં, ત્રણને ગંભીર ઇજાઓ અન્ય કેટલાયને ઇજાઓ : ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા
ન્યુયોર્ક : અમેરિકામાં નવા વર્ષનો સૂરજ લોહી નીતરતો ઊગ્યો છે. ત્યાં મધરાતથી જ અંધાધૂંધ ગોળીબાર અને કાર વિસ્ફોટો થયા છ. અનેકના જાન ગયા છે. અનેક ઇજાગ્રસ્ત થયા છે. ગલ્ફ ઓફ મેક્ષિકોના તટે રહેલા લુઇઝિયાનાં ન્યૂઓર્લિયન્સમાં એક આતંકી શમ્સુદ્દી જબ્બરે નવા વર્ષને વધાવી રહેલા સમુહ ઉપર ટ્રક ચલાવી ૧૫ને કચડી નાખ્યા. ત્યાં લા વેગાસ સ્થિત ટ્રમ્પ સેન્ટર પાસે ઉભેલી એલન-મસ્કની કંપનીની બનાવટની ટેસ્લા કારમાં વિસ્ફોટ થયો તે સળગી ઊઠી. તે બે ઘટનાઓ વચ્ચે સંબંધ શોધવા પોલીસ તથા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ - આંતરિક જાસૂસી સંસ્થા) હજી તપાસ શરૂ કરે ત્યાં ન્યૂયોર્કની કવીન્સ નાઇટ કલબમાં રાત્રીના ૧૨ના ટકોરા પછી શરૂ થતાં નવા વર્ષને વધાવવા એકત્રિત થયેલા લોકો ઉપર અચાનક જ બહારથી આવી કોઈ આતંકીઓએ અંધાધૂંધ ગોળીબારી શરૂ કરતા ૧૧નાં તો સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા. જયારે અનેકને ઇજાઓ થઇ હતી જે પૈકી ત્રણને ગંભીર ઇજાઓ થઇ હતી. જેઓને થોડી ઇજાઓ થઇ હતી તેઓને તત્કાલ સારવાર આપી મુકત કરાયા હતા. જયારે વધુ ઇજા પામેલાઓને લાંબો સમય સારવારમાં રાખવા પડયા હતા.
આમ ઉપરા ઉપરી એક જ રાતમાં બનેલી ત્રણ દુર્ઘટનાઓ ઉપરથી વિશ્લેષકો તારણ આપે છે કે, ટ્રમ્પે સત્તા પર આવતાં ઇઝરાયલને જબ્બર શસ્ત્ર અને આર્થિક સહાય આપવાનું જાહેર જ કરી દીધું હોવાથી તેઓ સત્તા પર આવે તે પૂર્વે ઘણું ઘણું કામ તમામ કરવા આતંકીઓ ઉધામા કરી રહ્યા છે. ટ્રમ્પ સત્તાના સૂત્રો સંભાળશે પછી શું થશે તે કહી શકાય તેમ જ નથી.


