ફ્લોરિડા યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 2ના મોત, 5 ઈજાગ્રસ્ત, 20 વર્ષીય હુમલાખોરની ધરપકડ
Florida State University Shooting: ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગુરુવારે (18મી એપ્રિલ) એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી (FSU)માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. 20 વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુવા સલાહકાર પરિષદનો સભ્ય છે.
અહેવાલો અનુસાર, ફીનિક્સ ઈકનરે ગોળીબાર માટે તેની માતાની બંદૂકનો ઉપયોગ કર્યો હતો. પોલીસે યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા કેમ્પસમાં ગુનાના સ્થળેથી ગોળીબારમાં વપરાયેલ હથિયાર જપ્ત કર્યું છે. આ ઘટના બાદ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ ઈમારતોને ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. આ ઉપરાંત આસપાસના વ્યવસાયો અને સ્કૂલોને બંધ કરાવવામાં આવી છે. ગોળીબારથી ઈજાગ્રસ્ત 5 લોકોની સારવાર તલ્હાસી મેમોરિયલ હેલ્થકેર હોસ્પિટલમાં ચાલી રહી છે. જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના દુઃખદ છે: ટ્રમ્પ
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અંગેની જાણકારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આપવામાં આવી હતી. જેના પછીના એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'યુનિવર્સિટીમાં ગોળીબારની ઘટના અને જાનહાનિ દુઃખદ છે. આનો અર્થ એ નથી કે ગન કલ્ચર અંગે કોઈ નવા કાયદા માટે હું હિમાયત કરીશ, કેમકે, મારા મતે ગન ગોળીબાર કરતી નથી પણ લોકો ગોળીબાર કરતા હોય છે.'