Get The App

કેલિફોર્નિયાનાં સ્ટાર્કટોનમાં એક બાળકની બર્થ ડે પાર્ટીમાં ગોળીબારી : 4નાં મોત, 10 ઘાયલ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
કેલિફોર્નિયાનાં સ્ટાર્કટોનમાં એક બાળકની બર્થ ડે પાર્ટીમાં ગોળીબારી : 4નાં મોત, 10 ઘાયલ 1 - image

એક બૅન્કવેટ હોલમાં તે બાળકનાં કુટુમ્બીજનો તથા અન્યો ભેગાં થયાં હતાં : સૌ આનંદમગ્ન હતાં, ભારે ગોળીબાર થયો ઃ ગોળીબારનો હેતુ અજ્ઞાાત છે

સ્ટોક ટોન (કેલિફોર્નિયા): અહીંના એક બેન્કવેટ હોલમાં એક બાળકની બર્થ ડે પાર્ટી ચાલતી હતી ત્યારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં ૪નાં મોત થયાં હતાં અને 10થી વધુને ઇજાઓ થઇ હતી.

સાન જેકીન કાઉન્ટીમાં બનેલી આ ઘટના અંગે કાઉન્ટી શેરિફ ઓફીસનાં પ્રવક્તા હીથર બ્રેન્ટે જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓ તેમજ ઇજાગ્રસ્તોમાં બાળકો તેમજ યુવક યુવતીઓ વગેરે સમાવિષ્ટ છે. આ ગોળીબાર શા કારણે થયો તેની પાછળનો હેતુ શું હશે તે હજી જાણી શકાયું નથી. તે તો ગોળીબાર કરી નાસી છૂટેલો શખ્સ પકડાશે ત્યારે જાણી શકાશે, પરંતુ જે કૈં બન્યું તે ઘણું જ દુઃખદ છે. માર્યા ગેયલાઓનાં કુટુંબીજનો પ્રત્યે મારી પૂરી સહાનુભૂતી છે.

હીથર બ્રેન્ટે જણાવ્યું હતું કે લ્યુસીલે એવન્યુના બ્લોક નંબર ૧૯૦૦માં થયેલા આ ગોળીબારથી ઇજાગ્રસ્ત થયેલાઓને હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

સ્ટોક ટોનના વાઈસ મેયર જેસન લી એ પણ ફેસબુક ઉપર જણાવ્યું હતું કે આ ઘટના વિષે જાણી મારૂં હૃદય ભરાઈ આવ્યું છે મને ગુસ્સો પણ આવે છે. સાથે માનસિક રીતે હું વ્યગ્ર પણ થઈ ગયો છું.

નિરીક્ષકો કહે છે કે અમેરિકામાં ગન કલ્ચરે દાટ વાળ્યો છે. ત્યાં ૨૪ ઇંચથી મોટી બંદૂક રાખવા ઉપર કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ મુકવાના તમામ પ્રયાસોને ગન ડીલર્સે અવળા પાડી દીધા છે. બીજી બાબત તે પણ છે કે અમેરિકામાં બધું સુંદર નથી ત્યાં બેકારી અને મોંઘવારી મુખ્ય મુદ્દા બની ગયા છે. તેથી બેકાર યુવાનો આવા કોઈપણ આનંદોત્સવને ઝેર ભરી નજરે જ જુએ છે. માટે આવાં દુષ્કૃત્યો કરતા રહે છે.