- ઈમરાનની હત્યાની અફવાએ પાક.માં ચક્રવાત સર્જ્યો
- ખૈબર પખ્તુનવાના મુખ્યમંત્રી અને ઈમરાનની પાર્ટી પીટીઆઈના નેતા ઈમરાનનાં બહેનો તથા વકીલોને પણ જેલમાં જવા દેવાતા નથી
નવી દિલ્હી : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની તંદુરસ્તી વિષે કોઈ આધારભૂત સમાચાર જ પ્રસિદ્ધ થતાં નથી. આ સાથે તેઓની રાવલપિંડી પાસેની કુખ્યાત અડીયાલા જેલમાં જ હત્યા કરાઈ હોવાની અફવાએ જોર પકડયું છે. આ સાથે ઈમરાનની પાર્ટી પીટીઆઈના સભ્યો તેના સમર્થકો અને સામાન્ય નાગરિકો સહિતના હજારો લોકો કલમ ૧૪૪ને પણ અવગણી અડીયાલા જેલ તરફે ધસી જતાં તેમને રોકવા પોલીસને લાઠીચાર્જ કરવો પડયો હતો, તે પછી ટીયર ગેસ પણ નિષ્ફળ જતાં શૂટ-એટ-સાઇટ (દેખો ત્યાં ઠાર કરોનો હુકમ આપવો પડયો છે.)
ઈમરાન ખાનની જેલમાં જ હત્યા કરાઈ હશે તેવી અફવા ત્યારે શરૂ થઈ કે જ્યારે આ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 'પાકિસ્તાન તેહરિક એ ઈન્સાફ' (પીટીઆઈ)ના જ વરિષ્ઠ નેતા અને ખૈબર-પખ્તુનવા પ્રાંતના મુખ્ય મંત્રી તથા ઈમરાન ખાનનાં બહેનોને અને તેઓના વકીલોને કે એક વકીલને પણ તેમને મળવા દેવાનો ઈનકાર કરાય છે.
પાકિસ્તાનની વર્તમાન સરકાર કેટલી હદે નીચે ઉતરી ગઈ છે તે પાકિસ્તાનના કાનૂન મંત્રી આગમ નઝીમ તરારે સમવાઈતંત્રી સંસદમાં આપેલાં વક્તવ્યમાં કહ્યું હતું કે જેલ સત્તાવાળાઓએ હમણાં જ સંદેશો મોકલ્યો છે કે કેદી નંબર ૮૦૪ની તંદુરસ્તી સારી છે.
ખેદની વાત તે છે કે પૂર્વ વડાપ્રધાન માટે પાકિસ્તાનની સમવાયતંત્રી સંસદમાં કેદી નંબર ૮૦૪ તરીકે ઉલ્લેખ કરાયેલ તેઓનું નામ પણ ઉચ્ચાર્યું ન હતું. આ સંયોગોમાં વ્યાપક હિંસા થાય તેમાં આશ્ચર્ય નથી.


