- ઇરાન અમારી સાથે રમત રમશે તો ભારે પડી જશેઃ અમેરિકા
- હુમલા બંધ ન થયાં તો શાંતિ મંત્રણા ખોરવી નાખવાની ઇરાનની ધમકી અને ટ્રમ્પના ફોન છતાં ઇઝરાયેલના લેબનોન પર હુમલામાં 11નાં મોત
તહેરાન : ઇરાને જણાવ્યું હતું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજોએ ટ્રાન્ઝિટ ફી ઇરાનીયન ચલણ રિયાલમાં ચૂકવવી પડશે. આ માટે ઇરાનની સંસદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ હોર્મુઝની ખાડી પર ઇરાનનું નિયંત્રણ વધુ મજબૂત કરવાના પ્રયત્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. હોર્મુઝની રક્ષા અને વિકાસ માટે વ્યૂહાત્મક એકશન પ્લાનમાં ઇરાન સરકાર જરૂર પડે ઓમાન સાથે સમજૂતી કરી શકે છે.
ઇરાનના મુંબઈ સ્થિતિ દૂતાવાસે જણાવ્યું હતું કે હોર્મુઝ પર અંકુશ વધારવા માટે ઇરાનની સંસદમાં નવ પોઇન્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. તેનો એક પોઇન્ટ એ છે કે ઇરાન હોર્મુઝમાંથી જહાજોને પસાર થવા દેવા માટે સુરક્ષિત રસ્તો આપશે, પરંતુ તેના માટે જહાજોએ ટ્રાન્ઝિટ ફી ચૂકવવી પડશે. જહાજ માલિકોએ જણાવવું પડશે કે તેમના જહાજમાં શું લદાયેલું છે. તેમણે પેમેન્ટ માટે ઇરાનની બેન્કમાં ખાતુ ખોલાવવું પડશે.
ઇરાન હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પાસેથી ફી ન લેઃ ટ્રમ્પ
આ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને ચેતવણી આપી છે કે તે હોર્મુઝમાંથી પસાર થનારા ટેન્કરો પર ફી વસૂલવાનું બંધ કરી દે. યુદ્ધવિરામની શરતો હેઠળ હોર્મુઝ ખોલવાની વાત થઈ હતી, પરંતુ ઇરાન તેમાં અવરોધ સર્જી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ઇરાન આ રીતે પગલાં ભરીને તેણે જ નક્કી કરેલી યુદ્ધવિરામની શરતોનો ભંગ કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પોતે પણ ઇરાન સાથેની શાંતિ મંત્રણાની સફળતા અંગે શંકાશીલ છે.
વેન્સની આગેવાનીમાં અમેરિકન પ્રતિનિધિમંડળ રવાના
અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સની આગેવાની હેઠળનું અમેરિકન પ્રતિનિધિમંડળ પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ જવા રવાના થઈ ચૂક્યું છે. તેમણે ઇસ્લામાબાદ જતાં પહેલા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મંત્રણાને લઈને આશા રાખીએ છીએ કે તે સારી રહેશે. ઇરાન ખરેખર સત્ય અને પ્રામાણિકતાથી વાત કરવા માંગે છે તો અમેરિકા પણ ખુલ્લા દિલથી વાત કરવા તૈયાર છે. તેની સાથે તેમણે ઇરાનને ચેતવણી આપી હતી કે જો ઇરાને અમેરિકા સાથે રમત રમવાનો પ્રયત્ન કર્યો કે વાતચીતમાં છેતરપિંડી કરવાનો પ્રયત્ન કર્યો કે કંઈ ટાળવાનો અભિગમ અપનાવ્યો તો અમેરિકન ટીમ જરા પણ નરમાઈ નહી બતાવે.
ટ્રમ્પના ફોન છતાં ઇઝરાયેલનો લેબનોન પર હુમલો- 11નાં મોત
આ સિવાય યુદ્ધવિરામ છતા અને અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ફોન કર્યા પછી પણ ઇઝરાયેલે લેબનોન પર હુમલા કર્યા હતા અને તેમા ૧૧ના મોત નીપજયા હતા. લેબનોનની સરકારી કચેરીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના સરકારી બિલ્ડિંગ પર હુમલામાં ૧૦ સિક્યોરિટી મેનના મોત થયા હતા. જો કે મૃતદેહોની તપાસ હજી પણ જારી હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઇરાનની લેબનોનન પર હુમલા ચાલુ રહ્યા તો યુદ્ધવિરામ ખોરવી નાખવાની ધમકી વચ્ચે પણ ઇઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયેલના દળોએ રહેણાક વિસ્તારોમાં હુમલા કર્યા હતા. લેબનીઝ ગુ્રપ હીઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયેલમાં રોકેટમારો ચલાવ્યો હતો. તેમા કિર્યાત શમોના, મેટુલા અને મિસ્ગેવ એમ જેવા શહેરોનો સમાવેશ થાય છે. હીઝબુલ્લાહે જણાવ્યું હતું કે તેણે ઇઝરાયેલના એશડોડ નેવલબેઝને પણ મિસાઇલ વડે લક્ષ્યાંક બનાવ્યો છે. ઇઝરાયેલના અગાઉના હુમલામાં મૃત્યુઆંક ૩૦૦ને વટાવી ગયો છે.જો કે આગામી સપ્તાહે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં મંત્રણા થવાની છે.
યુદ્ધવિરામમાં લેબનોન સામેલ હતુ, અમેરિકા ખોટું બોલે છેઃ પાક.
પાકિસ્તાનો દાવો કર્યો છે કે યુદ્ધવિરામ થયો ત્યારે તેની શરતોમાં લેબનોનનો પણ સમાવેશ કરાયો હતો, તેને બહાર રાખવાની કોઈ વાત જ ન હતી. અમેરિકા જે વાત કરે છે તે તદ્દન ખોટી છે. અમેરિકાએ પોતે જ યુદ્ધવિરામમાં રસ બતાવીને આ વાત કરી હતી. પણ ઇઝરાયેલ માન્યું ન હોવાના કારણે અમેરિકા આજે તે વાત પરથી પલ્ટી ગયું છે.
હોર્મુઝની ખાડી વિવાદમાં સૌથી મહત્ત્વનો મુદ્દો
હોર્મુઝની ખાડી ઇરાન માટે જાણે વ્યૂહાત્મક અને રાજકીય બંને રીતે મોટો ફાયદો બનીને આવી છે. ખાડી ખુલ્લી હતી ત્યારે ત્યાંથી રોજના ૧૦૦થી વધુ જહાજ પસાર થતાં હતા. આરબ અમીરાતની અગ્રણી કંપનીના વડા સુલ્તાન અલ જબેરે જણાવ્યું હતું કે કેટલાક ૨૩૦ શિપ્સ લોડેડ ઓઇલ સાથે તૈયાર છે અને પસાર થવાની રાહ જોઈ રહ્યા છે. તેથી મંત્રણામાં હોર્મુઝની ખાડી, પરમાણુ બોમ્બ અને મિસાઇલ ત્રણ સૌથી મુખ્ય મુદ્દા રહેવાના છે.આ ઉપરાંત ઇરાને સંવર્ધિત કરેલા પરમાણુ ઇંધણનું શું કરવું તે સૌથી વિવાદાસ્પદ મુદ્દો છે. ઇરાનની પરમાણુ એજન્સીના વડાએ તો જણાવ્યું છે કે આ અધિકાર ઇરાન પાસે રહેવો જોઈએ. હવે ઇરાન તેમાં કેટલી બાંધછોડ કરે છે તે જોવાનું રહ્યું. બીજી બાજુએ ઇઝરાયેલે લેબનોન પર હુમલા ચાલુ રાખતા ઇરાન પણ ગીન્નાયુ છે અને તેના પગલે તેણે શુક્રવારે શરૂ થનારી વાટાઘાટો શનિવાર પર ઠેલી છે.
ઇરાનના સમર્થિત આતંકી જૂથોનો અમારા પર હુમલોઃ કુવૈત
કુવૈતે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ છતાં પણ તેના પર ઇરાનીયન દ્રોન ત્રાટક્યા છે. જો કે ઇરાને કોઈપણ પ્રકારના દ્રોન છોડયાનો ઇન્કાર કર્યો હતો. તેના પગલે આ દ્રોન ઇરાનના સમર્થક આતંકવાદી જૂથોએ તેના પર છોડયા હોવાનું માનવામાં આવે છે.


