Inside Bangladesh’s Three-Decade Begums’ War : બાંગ્લાદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી બે બેગમ વચ્ચે લોહિયાળ યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના મુખ્ય પાત્રો છે બે શક્તિશાળી મહિલા નેતા: શેખ હસીના વાજેદ (અવામી લીગ) અને બેગમ ખાલિદા ઝિયા (બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી-BNP). એક સમયે બંને સામૂહિક રીતે સરમુખત્યારશાહી સામે લડી હતી, પણ સત્તાની લાલચમાં બંને એકબીજાની દુશ્મન બની બેઠી. આ લડાઈ એટલી તીવ્ર બની કે એનાથી બાંગ્લાદેશની લોકશાહી હંમેશા માટે કલંકિત થઈ ગઈ.
ચાલો જાણીએ કે શેખ હસીના અને ખાલિદા ઝિયા વચ્ચેની દુશ્મની કેવી રીતે આગળ વધી અને તે બંને કેવી રીતે એકબીજાને રાજકીય અખાડામાં ધોબીપછાડ આપી રહી છે.
'બેગમ' શબ્દનો અર્થ શું?
'બેગમ' એ એક સન્માનસૂચક શબ્દ છે, જેનું મૂળ તૂર્કી ભાષામાં છે. આ શબ્દનો ઉપયોગ મધ્ય એશિયા અને દક્ષિણ એશિયાના દેશોમાં ઉચ્ચ કુલીન અથવા રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ મુસ્લિમ મહિલાઓ માટે થાય છે. 'બેગ' (પુરુષ)નું સ્ત્રીલિંગ રૂપ 'બેગમ' એ 'નેતૃત્વ' અથવા 'મુખ્ય'નો ભાવ રજૂ કરે છે. ભારતના ઇતિહાસમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અંગ્રેજો સામે લડનારા ‘બેગમ હઝરત મહેલ’ સૌથી પ્રસિદ્ધ બેગમોમાંના એક છે. બાંગ્લાદેશમાં આ શબ્દ શેખ હસીના અને ખાલિદા ઝિયા સાથે જોડાઈ ગયો છે, જેમણે પોતાના પિતા અને પતિના રાજકીય વારસાને આગળ વધાર્યો છે.
યુદ્ધના મૂળમાં છે, બે ઘાતક હત્યા
બંને બેગમો વચ્ચેની રાજકીય દુશ્મનાવટના મૂળ બાંગ્લાદેશના ઇતિહાસની બે ભીષણ હત્યામાં રહેલા છે.
1. શેખ મુજીબુર રહેમાનની હત્યા (1975): શેખ હસીના વાજેદના પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના સ્થાપક હતા. 15 ઑગસ્ટ 1975ના રોજ લશ્કરી બળવાખોરોએ મુજીબુર રહેમાનની તેમના જ ઘરમાં હત્યા કરી દીધી. એટલું જ નહીં, તેમના પરિવારના ત્યાં હાજર તમામ સભ્યોને પણ મારી નાખ્યા. હસીના અને તેમના બહેન શેખ રેહાના, એ વખતે બર્લિનમાં હોવાથી બચી ગયા. તેમણે ભારતમાં શરણ લીધી. છ વર્ષ સુધી ભારતમાં જ રહીને તેમણે પિતાની પાર્ટી ‘અવામી લીગ’નું નેતૃત્વ સંભાળ્યું. તેમના પરિજનોની હત્યાઓ પાછળ તત્કાલીન સેના પ્રમુખ જનરલ ઝિયાઉર રહેમાનનો હાથ હોવાનો આરોપ લાગ્યો. ઝિયાઉર રહેમાને જ હત્યારાઓને માફી આપતો વિવાદાસ્પદ કાયદો પસાર કર્યો હતો.
2. ઝિયાઉર રહેમાનની હત્યા (1981): છ વર્ષ પછી, 30 મે, 1981ના રોજ, પૂર્વ રાષ્ટ્રપતિ અને ખાલિદા ઝિયાના પતિ, જનરલ ઝિયાઉર રહેમાનની પણ ચિત્તગોંગમાં લશ્કરી બળવાખોરોએ હત્યા કરી દીધી. એ સમયે ખાલિદા ઝિયા ગૃહિણી હતા. પતિના અવસાન પછી તેમણે પતિએ સ્થાપેલી પાર્ટી BNPનું સુકાન સંભાળ્યું અને રાજકારણમાં પગ મૂક્યો.
આ બે ઘટનાથી બંને બેગમ વચ્ચે ખતરનાક દુશ્મનાવટના બીજ રોપાયા. ત્યાર પછી તેઓ એકબીજા પર પ્રિયજનની હત્યાનો દોષ મૂકતા રહ્યા. આ સ્થિતિમાં બંનેનું વ્યક્તિગત દુઃખ રાજકીય દુશ્મનાવટમાં ફેરવાઈ ગયું.

સરમુખત્યારને હરાવવા એકજૂથ થયા
વર્ષ 1978માં જનરલ ઝિયાઉર રહેમાન દ્વારા બાંગ્લાદેશ સેનાના પ્રમુખ બનાવાયેલા હુસૈન મુહમ્મદ ઇર્શાદને ઝિયાઉર રહેમાનની હત્યા બાદ સત્તાલાલસા જાગી. તેમણે 1982માં સૈન્ય તખ્તાપલટ કરીને તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ સત્તારની સરકાર ગબડાવી દીધી અને પોતે રાષ્ટ્રપતિ બનીને સંપૂર્ણ અધિકારો હાંસલ કરી લીધા. માર્શલ લૉ લાદીને તેમણે રાજકીય પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો, રાજકીય પક્ષો ભંગ કર્યા અને વિરોધી નેતાઓને જેલમાં ધકેલી દીધા. પોતાની સરમુખત્યારશાહી પર ઢાંકપિછોડો કરવા તેમણે 1983માં 'જાતીય પક્ષ' નામની પાર્ટીની સ્થાપના કરી. ઇર્શાદને સત્તા પરથી હટાવવા માટે શેખ હસીના વાજેદ અને ખાલિદા ઝિયા એક થયા. 1987માં શરુ થયેલા આ આંદોલનને વ્યાપક લોકસમર્થન મળ્યું. આખરે 4 ડિસેમ્બર 1990ના રોજ ઇર્શાદે રાષ્ટ્રપતિપદેથી રાજીનામું આપવું પડ્યું. 1991માં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ.
સત્તા માટે કબર-ખોદ લડાઈની શરુઆત
ઇર્શાદના પતન પછી બંને બેગમો વચ્ચે સત્તા માટે સીધી હરીફાઈ શરુ થઈ, જેમાં બંનેએ વારાફરતી સત્તા મેળવી.
- 1991માં ખાલિદા ઝિયા (BNP) બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
- 1996માં શેખ હસીના (અવામી લીગ) પહેલીવાર બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા.
- ખાલિદા ઝિયા 2001થી 2006 સુધી ફરી સત્તામાં રહ્યા.
- શેખ હસીનાએ 2009થી 2024 સુધી સતત 15 વર્ષ સુધી સત્તા ભોગવી. તેઓ 2009, 2014 અને 2018માં સતત ત્રણ ચૂંટણી જીત્યા હતા.
ખાલિદા ઝિયાના પુત્ર ‘ડાર્ક પ્રિન્સ’ લંડન ભાગી ગયા
વર્ષ 1991થી 2024ના દરમિયાન બંને બેગમોના પક્ષની દુશ્મનાવટ ઉગ્ર બની. બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચાર, આપખુદ શાસન અને હિંસા ફેલાવવાના આરોપ મૂક્યા. 2004માં શેખ હસીના પર ગ્રેનેડ હુમલો થયો, જેમાં 24 લોકો માર્યા ગયા. હસીનાએ આ હુમલા માટે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને દોષી ઠેરવ્યા. હસીના સરકાર જેલમાં નાંખી દેશે એવા ડરથી તારિક 2008માં લંડન ભાગી ગયા. 2018માં હસીના સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ખાલિદા ઝિયાને જેલમાં ધકેલી દીધા.
2024ના વિદ્યાર્થી આંદોલને કર્યું હસીનાના શાસનનું પતન
2024ના ઉનાળામાં સરકારી નોકરીઓમાં જૂની 'ક્વોટા સિસ્ટમ' બંધ કરવા માટે શાંતિપૂર્ણ વિદ્યાર્થી આંદોલન શરુ થયું, જે પછીથી શેખ હસીના સરકાર સામે વ્યાપક વિરોધ બની ગયું. આંદોલનકારીઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે સરકાર પર લોકશાહીનું દમન, મીડિયા દમન અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ મૂક્યા. જુલાઈ-ઑગસ્ટમાં થયેલી હિંસક ઘટનાઓમાં સેંકડો લોકો માર્યા ગયા. દબાણ વધતું જતાં 5 ઑગસ્ટ 2024ના રોજ શેખ હસીનાએ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દીધું. જીવ પર ખતરો લાગતા તેમણે ભારતમાં શરણ લીધી.
પતન બાદ બાંગ્લાદેશમાં આવેલા રાજકીય પરિવર્તનો
- ખાલિદા ઝિયાને જેલમાંથી મુક્ત કરાયા.
- નોબેલ વિજેતા ડૉ. મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના વડા બનાવાયા.
- અવામી લીગ પર પ્રતિબંધ મૂકાયો. હસીના પર માનવતા વિરુદ્ધના ગુના માટે કેસ ચાલ્યો.
- નવેમ્બર 2025માં ટ્રિબ્યુનલે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં જ મૃત્યુદંડની સજા ફટકારી.
- શેખ હસીના હજુ પણ ભારતમાં છે. તેમના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ સરકારની માંગણીનો ભારતે હજુ સુધી સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
શું 'બેગમોનું યુદ્ધ' અંતિમ ઘડીઓ ગણી રહ્યું છે?
ડિસેમ્બર 2025 સુધીમાં ઘણે અંશે સ્થિતિ નાટકીય રીતે બદલાઈ ગઈ:
- 78 વર્ષના શેખ હસીના ભારતમાં છે અને તેઓ સક્રિય રાજકારણથી દૂર છે.
- 80 વર્ષના ખાલિદા ઝિયા ગંભીર રીતે બીમાર છે. તેઓ હૉસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે અને રાજકારણમાં આવી શકે તેમ નથી.
બાંગ્લાદેશનો નવો નેતા કોણ અને હવે ચૂંટણી ક્યારે?
ખાલિદા ઝિયાના પુત્ર અને BNPના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાન 17 વર્ષના નિર્વાસન પછી 25 ડિસેમ્બર, 2025ના રોજ લંડનથી ઢાકા પરત ફર્યા છે. તેઓ આગામી ચૂંટણીમાં પાર્ટીનો મુખ્ય ચહેરો બનવાના દાવેદાર છે. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ નવી સંસદીય ચૂંટણી યોજાશે. BNP અને જમાત-એ-ઇસ્લામી જેવી ધાર્મિક પાર્ટીઓ મજબૂત દાવેદાર તરીકે ઊભરી આવી છે. અવામી લીગ પર પ્રતિબંધ ચાલુ છે.
બેગમોની લડાઈમાં કોણ જીત્યું?
સમયાંતરે બંને બેગમે જીત અને હારનો સ્વાદ ચાખ્યો. તેમણે પોતપોતાની નીતિઓથી દેશને આગળ તો વધાર્યો, પણ તેમના વ્યક્તિગત વેરને લીધે બાંગ્લાદેશની લોકશાહી નબળી પડી. હવે બંને બેગમો રાજકીય મેદાનમાં સક્રિય ન હોવાથી 'બેગમોનું યુદ્ધ' તેના પરંપરાગત સ્વરૂપમાં સમાપ્ત થઈ ગયું હોવાનું લાગે છે. આમ છતાં, તેમની વારસાગત કડવાશ બાંગ્લાદેશના રાજકારણને અભડાવતી રહે એવી શક્યતા ખરી. નવા નેતાઓ જૂના વેરને જીવંત રાખશે કે બધું ભૂલીને આગળ વધશે એ તો સમય જ કહેશે.


