બેશર્મ પાકિસ્તાન ગાઝાના વિનાશમાંથી લાભ ખાટવા માંગે છે : પરંતુ ભારતથી ડરે છે

- અમેરિકા પાસે 'મેજર નોન નાટો એલાઇ'નું પદ મેળવવા મુનિર ગમે તે હદે જશે : અમેરિકા જનરલ મંત્રણા કરશે
નવી દિલ્હી : ગાઝામાં શાંતિ રાખવા માટે રચાનારા 'ઇન્ટરનેશનલ સ્ટેબિલાઇઝેશન ફોર્સ' (આઇ.એસ.એફ.)માં પાકિસ્તાને ૩૫૦૦ સૈનિકો મોકલ્યા. વાસ્તવમાં હમાસે આ આઇેએસએફનો વિરોધ કર્યો હતો. પરંતુ પાકિસ્તાન પાસે 'મેજર-નોન-નાટો એલાઇ'નું પદ મેળવવાની લાલચ હતી તેથી પોતાના ધર્મબંધુઓની પણ વિરૂદ્ધ જઈને મુનીરે અમેરિકાનું શરણું લીધું.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે તો આ યોજના ગુપ્ત રાખી હતી પરંતુ ગમે ત્યાંથી તે બહાર પડી ગઈ. અંગ્રેજી વર્તમાનપત્ર 'ડૉન' દ્વારા જણાવવામાં આવ્યું કે, ઇઝરાયલના પ્રચંડ હુમલા પછી ખેદાન મેદાન થઈ ગયેલું ગાઝા અત્યારે ઘેરાબંધીમાં છે.
તેવામાં આઇએસએફનું નેતૃત્વ પાકિસ્તાનની ટુકડીઓ લે તેવી પણ મુનીરે શર્ત મુકી હતી અને પાકિસ્તાનની સેનાના ઉચ્ચાધિકારીઓ તે આઇએસએફનું નેતૃત્વ લે તેવી શર્ત મુકી જે સ્વીકારાઈ છે પણ ખરી (તેમાં ટ્રમ્પનું શું નુકસાન છે ? નુકસાન તો પાકિસ્તાનની પ્રતિષ્ઠાને થવાનું છે)
નિરીક્ષકો કહે છે કે, એ દેવાળિયા દેશને આઇ.એમ.એફ.ની લોન જોઈતી હતી અમેરિકા કહે તો જ તે લોન મળે તેમ હતું તેથી વડાપ્રધાન શહબાઝ શરીફ અને દેશના સર્વેસર્વા થઈ પડેલા મુનીરને ટ્રમ્પની કદમબોસી કરવી પડે તેમ જ હતું.
પાકિસ્તાને ગાઝામાં ટુ સ્ટેટ ફોર્મ્યુલા અમલી કરવા પણ સંમત થયું છે એટલે કે ગાઝા પટ્ટીનો ઉત્તરનો ભૂમધ્ય સમુદ્રને સ્પર્શીને રહેલો પટ્ટો ઇઝરાયલના હાથમાં રહે, દક્ષિણનો રણનો પટ્ટો હમાસના હાથમાં રહે.
આ વાત મહત્ત્વના ઇસ્લામિક દેશોને ગળે ઉતારવા સઉદી અરબસ્તાન, યુએ, કતાર અને ઇજીપ્તની મુલાકાત પણ પાકિસ્તાનના સર્વેસર્વા મુનીરે લીધી હતી. આ સાથે, તેઓએ પાકિસ્તાન માટે 'આર્થિક સલામતી' (લોનની) પણ રજૂઆત કરી હતી. આમ ગાઝાની ધીકતી ધરા પર મુનીર 'ઢેબરા શેકી' રહ્યા છે.
અમેરિકાએ પાકિસ્તાને પહેલા આપેલું મેજર નોન-નાટો એલાઇ (એમ.એન.એન.એ.) સ્ટેટસ ૨૦૦૪માં પાછુ ખેંચી લીધું હતું તે ફરી મેળવવા અને આઇએમએફ લોન મેળવવા તે ઝાવા નાખે છે તેને સૌથી વધુ ભીતિ ભારતની છે તેથી તે કીધા કરે છે કે, ભારત ઇઝરાયેલ સાથે ભળી ગયું છે આમ, મુસ્લિમ જગતમાં ભારતને બદનામ કરવા પણ તે રમત રમે છે.








