World

શહબાઝ શરીફ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે, સેના પ્રમુખ અસીમ મુનીર પણ સાથે રહેવાના છે

By GS TEAM
16 Sep 20251 min read
શહબાઝ શરીફ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે, સેના પ્રમુખ અસીમ મુનીર પણ સાથે રહેવાના છે

- ટ્રમ્પે મુનીર સાથે લંચ લીધો હતો

- પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પની સતત ખુશામત કરે છે, મુનીરે તો 'નોબલ શાંતિ પુરસ્કાર' માટે ટ્રમ્પનું નામ સૂચવ્યું છે

ઈસ્લામાબાદ : વડાપ્રધાન શહબાઝ શરીફ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે, તેઓ યુએન મહાસભા સમયે મળશે. તેમની સાથે પાક સેના પ્રમુખ અસીમ મુનીર પણ રહેશે. છેલ્લા કેટલાયે સમયથી મુનીર પાકિસ્તાનમાં અગ્રીમ સ્થાને આવી ગયા છે. ઓપરેશન સિંદૂર પછી તેમનું મહત્વ વધ્યું છે. જોકે ટ્રમ્પ સાથે શી મંત્રણા કરશે તે જાણી શકાતું નથી.

છેલ્લાં કેટલાયે સમયથી પાકિસ્તાન ટ્રમ્પની ખુશામત કરી રહ્યું છે. મુનીરે તો તેઓને 'નોબલ-શાંતિ-પુરસ્કાર' મળવો જોઈએ તેમ કહ્યું છે. ભારત-પાક. યુદ્ધ બંધ કરવાનો યશ તેમને આપે છે. તેથી શાંતિ નોબેલ પ્રાઇઝ તેમને મળવું જોઈએ તેમ મુનીર કહે છે. જોકે તે યુદ્ધ બંધ કરવામાં ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નથી તેમ ભારતનું કહેવું છે, પરંતુ મુનીર ઉપર ટ્રમ્પ ખુશ છે. મુનીર અમેરિકા ગયા ત્યારે વ્હાઇટ હાઉસમાં તેમને ટ્રમ્પે લંચ આપ્યો હતો અને કહ્યું હતું કે તેમને મળીને હું મને સન્માનિત માનું છું.

મુનીરનો પ્રભાવ પાકિસ્તાનમાં એટલો બધો વધ્યો છે કે તાજેતરમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બૈજિંગ શીખર પરિષદમાં શરીફની સાથે મુનીર પણ હાજર રહ્યા હતા.

તે પછી ચીને જાપાન સામે મેળવેલા વિજયની ૮૦મી જયંતિએ યોજાયેલી ભવ્ય પેરેડમાં પણ મુનીર શહબાઝ શરીફ સાથે હાજર રહ્યા હતા.