Get The App

ભયંકર ચક્રવાતી તોફાન 'રાગસા' ઉ. ફીલીપાઈન્સથી આગળ ધસી રહ્યું છે : પાંચ દેશોમાં હાઈ-એલર્ટ જાહેર

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
ભયંકર ચક્રવાતી તોફાન 'રાગસા' ઉ. ફીલીપાઈન્સથી આગળ ધસી રહ્યું છે : પાંચ દેશોમાં હાઈ-એલર્ટ જાહેર 1 - image


- ફલાઈટસ રદ, સ્કૂલ-કોલેજો બંધ સમુદ્ર તટના પ્રદેશો ખાલી કરાયા

- કેટેગરી-5ના 'સુપર-ટાઇફન' રાગસાને લીધે 185 કી.મી. કલાકના ઝડપે ફૂંકાતો પવન વધીને 230 કી.મી. કલાકની ઝડપ સુધી પહોંચવાની ભીતિ

નવી દિલ્હી : પ્રશાંત મહાસાગરમાં જાગેલું ચક્રવાતી તોફાન 'રાગસા' ફીલીપાઇન્સ, તાઇવાન, ચીન તથા હોંગકોંગમાં તબાહી મચાવી દે તેવી શક્યતા છે. આ તોફાન ૧૮ સપ્ટેમ્બરે 'એક્ટિવ' થયું અને ૨૧ સપ્ટે. સુધીમાં તે 'સુપર-ટાઇફન' બની ગયું. આ ટાઇફન કેટેગરી-૫નું ટાઈફન છે. તેથી તે 'સુપર-ટાઇફન' કહેવાયું છે. તેને લીધે કલાકના ૧૮૫ કી.મી.ની ઝડપે પવન ફુંકાવાનો છે. જેની ગતિ વધીને કલાકના ૨૩૦ કી.મી. સુધી પહોંચવાની ભીતિ છે. આથી આ પાંચે દેશોમાં ફલાઇટસ રદ કરવામાં આવી છે. સ્કૂલ-કોલેજો બંધ કરાઈ છે. નાગરિકોને માત્ર અને માત્ર અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર નહીં નીકળવા જણાવી દેવાયું છે અને સમુદ્ર-તટના વિસ્તારો ખાલી કરાયા છે. સમુદ્રમાં પ્રચંડ મોજાં આવવાની ગણતરીએ નાગરિકોને ઉંચાણવાળા વિસ્તારોમાં મોકલી દેવાયા છે.

ફીલીપાઈન્સ-વેધર-એજન્સી અને હોંગ-કોંગ વેધ શાળા જણાવે છે કે, પ્રશાંત મહાસાગરમાં જાગેલું આ તોફાન ગઈકાલે (૨૧ સપ્ટેમ્બરે) ફીલીપાઈન્સના સૌથી મોટા દ્વિપ-બૂઝોનની ઉત્તરે કાગાયાત અને અપરીમાં સમુદ્ર તટ સાથે ટકરાઈ ગયું છે. સાથે ભારે વર્ષા અને તોફાની પવનોને લીધે પામ્પ્લોના શહેર ખાલી કરવું પડયું છે. ૫૦,૦૦૦થી વધુ લોકો બેઘર બની ગયા છે. પાક તદ્દન નાશ પામ્યા છે. આથી ૫૦૦ મિલિયન ડોલરનું નુકસાન થયું હોવાની સંભાવના છે, નુકશાન વધી પણ શકે.

ફીલીપાઇન્સ, હોંગ-કોંગ અને તાઇવાનનાં જોઈન્ટ વોર્નિંગ સેન્ટરે ૫ દિવસનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. તે પ્રમાણે ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થયેલું આ તોફાન ૨૨ સપ્ટેમ્બર સુધીમાં તાઇવાનમાં તબાહી બોલાવી હોંગકોંગ અને થાઈલેન્ડ તરફ આગળ વધશે.

ભારતની વાત લઈએ તો આ તોફાન થાઈલેન્ડ સુધી પહોંચી વિખરાઈ જશે તે ભારત તરફ આવવાની સંભાવના નથી. કદાચ પૂર્વ ઉત્તર ભારત અને આંદામાન નિકોબાર ટાપુઓ ઉપર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે પરંતુ તે નુકસાનકારક નહીં બને.

Tags :