નાઇજીરિયામાં અનેક લોકોને રૂમમાં પુરી સળગાવ્યા, ગોળીબાર : 100નાં મોત

આફ્રિકન દેશમાં જમીન-પાણીની લડાઇ ઉગ્ર બની
મુસ્લિમ અને ખ્રિસ્તી વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલા બેન્યૂ રાજ્યમાં આ વર્ષનો સૌથી મોટો હુમલો, અનેક ઘાયલ
નાઇજીરિયાના બેન્યૂ રાજ્યના ઉત્તરનો વિસ્તાર મુસ્લિમ બહુમત જ્યારે દક્ષિણનો વિસ્તાર ખ્રિસ્તી બહુમતી ધરાવે છે. આ વિસ્તારમાં ઢોર પાળનારાઓ અને ખેડૂતો વચ્ચે લાંબા સમયથી લોહીયાળ જંગ ચાલી રહી છે. તાજેતરમાં થયેલા હુમલામાં અનેક નાગરિકો ગૂમ છે. જ્યારે ૧૦૦થી વધુ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. અનેક લોકો ઘાયલ થયા છે જેમને યોગ્ય સારવાર માટે આ વિસ્તારમાં પુરતી સુવિધા પણ નથી જેને પગલે મૃત્યુઆંક વધી શકે છે. બંદુકધારીઓએ કરેલા આ હુમલાની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. બેન્યૂ રાજ્ય પોલીસ વિભાગના પ્રવક્તા ઉદેમ ઇદતે કહ્યું હતું કે હાલમાં અમે સ્થિતિને કાબુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, હુમલો કોણે કર્યો તેની પણ તપાસ ચાલી રહી છે. જોકે આ વિસ્તારમાં જમીન અને પાણીને લઇને વર્ષોથી સામસામે જુથો દ્વારા હુમલા થતા રહ્યા છે. તેથી આ હુમલો સ્થાનિક જુથ દ્વારા કરાયો હોવાની શક્યતાઓ છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં ફુલાની નામનું સંગઠન છે જે આ રીતે હથિયારો દ્વારા હુમલા કરતુ આવ્યું છે. આ સંગઠન ખેડૂતોના પાકનો નાશ કરવો, તેમના પર હુમલો કરવો વગેરે ઘટનાને અંજામ આપે છે. આ જ વિસ્તારમાં આ વર્ષે મે મહિનામાં પણ આ જ પ્રકારનો હુમલો થયો હતો જેમાં ૨૦ લોકો માર્યા ગયા હતા.








