પહલગામ આતંકી હુમલા બાદ જુઓ ભારત- પાકિસ્તાને કેટલાં લોકોને દેશમાંથી કાઢી મૂક્યાં
Image Source: Twitter
Pahalgam Attack: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. હુમલા બાદ પાકિસ્તાનીઓને તાત્કાલિક ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આંકડા પ્રમાણે છેલ્લા 5 દિવસમાં અટારી-વાઘા બોર્ડર પરથી ઓછામાં ઓછા 627 પાકિસ્તાનીઓ ભારત છોડી ચૂક્યા છે. આમાં 9 રાજદ્વારીઓ અને અધિકારીઓ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, સરકારે શોર્ટ ટર્મ વિઝા હોલ્ડર્સની 12 કેટેગરીના લોકોને તાત્કાલિક પાકિસ્તાન પાછા ફરવાનો આદેશ જારી કર્યો હતો. સરકાર દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા રવિવારે જ સમાપ્ત થઈ ગઈ છે.
અમને ગોળી મારી દો
ભારત છોડતી વખતે ઘણા પાકિસ્તાનીઓ ભાવુક થઈ ગયા હતા. ચાર વર્ષની ઉંમરથી બાલાસોર જિલ્લામાં રહેતા 72 વર્ષીય રઝિયા સુલ્તાનાએ કહ્યું કે, 'જો અમે કંઈ ખોટું કર્યું હોય તો અમને ગોળી મારી દો પણ અમને દેશમાંથી બહાર ન ફેંકી દો.' રઝિયા સુલ્તાનાને પણ દેશ છોડવાની નોટિસ મળી છે. રઝિયા કિડનીની સમસ્યાથી પીડાઈ રહી છે અને 10 મેના રોજ ભુવનેશ્વરમાં તેમની મેડિકલ એપોઈન્ટમેન્ટ છે. તેમના પરિવારે સરકારને રાહત આપવા માટે અપીલ કરી છે.
ગુજરાવાલાંના સોની મસીહ સાથે લગ્ન કરનાર મારિયાને પણ દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગત વર્ષે જ તેમના લગ્ન થયા હતા અને મારિયા પ્રેગનન્ટ છે. તેને હજુ સુધી લોન્ગ ટર્મ વિઝા નથી મળ્યા. મારિયાએ કહ્યું કે, હું કોઈપણ કિંમતે મારા પતિને છોડવા નથી માગતી.
આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત
પાકિસ્તાનથી પણ 756 લોકો સરહદ દ્વારા પરત ફર્યા છે. આમાં 14 રાજદ્વારીઓ અને અધિકારીઓ સામેલ છે. પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકો માટે ભારત છોડો નોટિસ જારી કરી દીધી હતી. ત્યારબાદ અટારી-વાઘા બોર્ડર પરથી મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ પરત ફરવા લાગ્યા છે. રવિવારે પણ ઓછામાં ઓછા 237 લોકોએ સરહદ પાર કરી હતી. તેમાંથી 115 લોકો પાકિસ્તાનથી ભારત પરત ફરનારા પણ હતા.
115 ભારતીયોએ પાકિસ્તાન છોડ્યું
ગુરુવારે 115 ભારતીયોએ પાકિસ્તાન છોડી દીધુ છે જ્યારે 28 પાકિસ્તાનીઓ પોતાના દેશમાં પરત ફર્યા છે. 25 એપ્રિલના રોજ 287 પાકિસ્તાનીઓ અને 191 ભારતીયો પોતાના ઘરે પરત ફર્યા છે. શનિવારે 75 પાકિસ્તાનીઓએ સરહદ પાર કરી છે. સાર્ક વિઝા પર ભારતમાં રહેતા લોકોને પરત ફરવા માટે 26 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જેમની પાસે મેડિકલ વિઝા હતા તેમને 29 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
રવિવારે, વિઝા ઓન અરાઈવલ, બિઝનેસ, ફિલ્મ, પત્રકાર, ટ્રાન્ઝિટ, કોન્ફરન્સ, માઉન્ટેનિયરિંગ, સ્ટૂડન્ટ, વિઝિટર, ગ્રુપ ટૂરિસ્ટ, તીર્થયાત્રી કેટેગરીના વિઝા ધરાવતા લોકો માટે પણ દેશ છોડવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ગઈ છે. સેના, નૌકાદળ અને પાકિસ્તાની હાઈ કમિશનમાં વાયુસેનાના સલાહકારોને દેશ છોડવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.