Get The App

દસ હજાર વર્ષ પૂર્વે નામશેષ થયેલાં સફેદ વરૂને વિજ્ઞાનીઓએ જનીન ઇજનેરી દ્વારા સજીવન કર્યાં

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
દસ હજાર વર્ષ પૂર્વે નામશેષ થયેલાં સફેદ વરૂને વિજ્ઞાનીઓએ જનીન ઇજનેરી દ્વારા સજીવન કર્યાં 1 - image


- કોલોસલ કંપનીએ લાલ વરૂને નામશેષ થતાં અટકાવવા તેમનું ક્લોનિંગ કર્યું 

- આ ત્રણ સફેદ વરૂ દેખાવમાં તેમના પૂર્વજો સમાન પણ તેમની શિકાર કરવાની ક્ષમતા અંગે વિજ્ઞાનીઓમાં શંકા  

વોશિંગ્ટન : આજે જોવા મળતાં ગ્રે વરૂ કરતાં કદમાં ઘણાં મોટાં અને ૧૦,૦૦૦ વર્ષ અગાઉ નામશેષ થઇ ગયેલાં ડિરે વોલ્વ્ઝ યાને સફેદ વરૂને કોલોસલ બાયોસાયન્સીઝ કંપનીના સંશોધકો દ્વારા જનીન ઇજનેરી દ્વારા સજીવન કરવામાં આવ્યા છે. યુએસમાં એક અજ્ઞાત સ્થળે રાખવામાં આવેલાં આ ત્રણ સફેદ વરૂઓ લાંબા સફેદ વાળ ધરાવે છે અને તેમની વય ત્રણથી છ મહિનાની છે. આ વરૂઓનું વજન હાલ આશરે ૮૦ પાઉન્ડ છે જે પુખ્ત વય સુધીમાં વધીને ૧૪૦ પાઉન્ડ થઇ જશે. 

યુએસના વિજ્ઞાનીઓએ આ સિદ્ધિ હાંસલ કરવા માટે નેચરલ હિસ્ટરી મ્યુઝિયમમાંથી ડિરે વોલ્ફના ૧૩,૦૦૦ વર્ષ જૂના દાંત અને ઇડાહોમાંથી મળી આવેલી ૭૨,૦૦૦ વર્ષ જુની ખોપડીના હિસ્સાનો અભ્યાસ કરી તેના ડીએનએ મારફતે આ વરૂની ખાસિયતોનો અભ્યાસ કર્યો હતો. એ પછી વિજ્ઞાનીઓએ જીવતાં ગ્રે વરૂમાંથી રક્તકોષ લઇ સીઆરઆઇએસપીઆર ટેકનોલોજીનો ઉપયોગ કરી વીસ અલગ અલગ સ્થળે તેમાં જનીન ઇજનેરી દ્વારા સુધારાવધારા કર્યા હતા. કોલોસલ કંપનીના મુખ્ય વિજ્ઞાની બેથ શેપિરોએ જણાવ્યું હતું કે એ પછી આ જનીન સામગ્રીને પાળેલી કૂતરીમાંથી મેળવવામાં આવેલાં અંડકોષમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. એ પછી પાળેલી કૂતરીના ગર્ભાશયમાં આ ગર્ભ ટ્રાન્સફર  કરવામાં આવ્યો હતો. ૬૨ દિવસ બાદ તેમાંથી જનીન ઇજનેરીનો ચમત્કાર સમાન આ ત્રણ સફેદ વરૂઓનો જન્મ થયો હતો. 

કોલોસલ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે ચાર લાલ વરૂઓના ક્લોન પણ બનાવ્યા છે. તેના માટે જેનું અસ્તિત્વ જોખમમાં છે તેવા લાલ જંગલી વરૂમાંથી રક્ત મેળવી તેનું ક્લોનિંગ કરવામાં આવ્યું હતું. હાલ સાઉથઇસ્ટર્ન યુએસમાંથી આ જંગલી લાલ વરૂ નામશેષ થઇ રહ્યા છે ત્યારે તેમનું અસ્તિત્વ બચાવવા માટે આ ક્લોનિંગ કરવામાં આવ્યું છે. 

કોલોસલ કંપનીના ચીફ એનિમલ કેર એકસપર્ટ મેટ્ટ જેમ્સે જણાવ્યું હતું કે આ નાનકડાં સફેદ વરૂ દેખાવમાં સમાન છે પણ તેઓ તેમના પૂર્વજોની જેમ મોટાં હરણનો શિકાર નહીં કરી શકે. કેમ કે તે કૌશલ્ય વિકસાવવા માટે તેમના કોઇ માતાપિતાનો સાથ તેમને મળ્યો નથી. આ ટેકનોલોજી દ્વારા અન્ય નામશેષ થઇ ગયેલી પ્રજાતિઓને ફરી સજીવન કરી શકાશે તેવી આશા  આ  સફેદ વરૂઓને જોઇ બંધાઇ છે. 

Tags :