સેક્સકાંડની પીડિતા વર્જિનિયા અને ટ્રમ્પે એપસ્ટેઈનના ઘરે કલાકો વિતાવેલા

- એપસ્ટેઇન ફાઇલમાં સહઆરોપી સાથેની ઇ-મેઇલ વાતચીતમાં દાવો
- ટ્રમ્પ એ કૂતરો છે જેણે આપણી સામે અત્યાર સુધી મોઢું બંધ રાખ્યું છે, ભસ્યો નથી: એપસ્ટેઇનનો ઇ-મેઇલ
- વર્જિનિયા ગિઉફ્રેએનું નામ ટ્રમ્પની સાથે અને બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુયુ બંને સાથના વિવાદમાં જોડાયેલું છે
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ માટે વિવાદો હવે નવાઈ રહ્યા જ નથી. તેમની સાથે સંકળાયેલો કોઈ વિવાદ ન હોય તો આશ્ચર્ય લાગે છે. તેઓ ફરીથી વિવાદમાં સપડાયા છે. તેઓ હવે સેક્સ ટ્રાફિકિંગના ગુનેગાર જેફરી એપ્સ્ટેઇન સાથેના સંબંધોને લઈને ફરીથી વિવાદમાં આવ્યા છે. આ વખતે અમેરિકન ડેમોક્રેટ્સ સાંસદોએ કેટલાક એવા ઇ-મેઇલ જાહેર કર્યા છે, જેનાથી ટ્રમ્પ મુશ્કેલીમાં ફસાઈ શકે છે.
આ ઇ-મેઇલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે જેફ્રીની પીડિતોમાંથી એકની જોડે કલાકોના કલાકો વીતાવ્યા હતા. તેનું નામ વર્જિનિયા ગિઉફ્રે હતુ. ૨૦૧૧માં એપસ્ટઇને મેક્સવેલને મોકલેલા પત્રમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે તેના ઘરે વર્જિનિયા સાથે કલાકો વીતાવ્યા હતા. વ્હાઇટ હાઉસના સેક્રેટરી કેરોલિન લેવિટે ડેમોક્રેટ્સે કરેલા આ ઇ-મેઇલના ખડકલાને ટ્રમ્પ સામે ચલાવવામાં આવેલી રાજકીય અભિયાન ગણાવ્યું છે. તેણે આ સંદર્ભમાં ગિઉફ્રેના જૂના નિવેદનો ટાંક્યા હતા, જેમા તેણે ટ્રમ્પને ક્લિનચિટ આપી હતી. આ જ વર્જિનિયિન બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુય સાથેના પ્રકરણમાં સંડોવાયેલી પણ હતી, જેના કારણે એન્ડ્ર્યુએ રાજવી કુટુંબનો દરજ્જો ગુમાવવો પડયો છે.લેવિટનો દાવો છે કે ડેમોક્રેટ્સ ટ્રમ્પની સામે અભિયાન ચલાવી રહ્યા હોવાથી તેમણે સિલેક્ટેડે ઇ-મેઇલ જ લીક કર્યા છે.
ટ્રમ્પ અંગે જારી કરવામાં આવેલા આ ઇ-મેઇલને લઈને ડેમોક્રેટ્સે દાવો કર્યો છે કે ટ્રમ્પને એપસ્ટેઇનના કાળા કારનામા અંગે ખબર હતી, પરંતુ તેણે ક્યારેય જાણીબૂઝીને મોઢું ખોલ્યું ન હતું. અમેરિકન ડેમોક્રેટ્સ સાંસદોએ મંગળવારે કેટલાક ઇ-મેઇલ બતાવ્યા છે, જેમા ટ્રમ્પ અને જેફ્રી વચ્ચે ક્રિમિનલ સમજૂતીનો દાવો કરવામાં આવ્યો છે.
બીબીસીના રિપોર્ટ મુજબ જેફરી એપસ્ટેઇન, તેની સહયોગી અને રાઇટર દોસ્ત માઇકલ વોલ્ફ વચ્ચે ઇ-મેઇલ દ્વારા વાતચીત થતી હતી. હાઉસ ઓવરસાઇટ કમિટીના સોશ્યલ એકાઉન્ટ પર પ્રકાશિત કરવામાં આવેલા ઇ-મેઇલમાં વારંવાર ટ્રમ્પનું નામ લેવામાં આવ્યું છે. ઇ-મેઇલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ તે બધી છોકરીઓ અંગે જાણતા હતા જે સગીર હતી અને સેક્સ કાંડનો શિકાર થઈ હતી. તેમા એક ખાસ ઇ-મેઇલને લઈને સૌથી વધુ બબાલ થઈ રહી છે તે ૨૦૧૧ના એપ્રિલમાં મોકલાયા હતા.આ મેઇલમાં એપસ્ટેઇને મેક્સવેલને જણાવ્યું હતું કે જે કૂતરાએ હજી સુધી મોઢું ખોલ્યું નથી તેનું નામ ટ્રમ્પ છે. તેના પર મેક્સવેલે જવાબ આપતા જણાવ્યું હતું કે હું પણ કંઇક આવું વિચારતી હતી.
આ ઉપરાંત પકડાયાના કેટલાક મહિના પહેલા વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરી મહિનામાં એપસ્ટેઇને લેખક માઇકલ વોલ્ફને એક મેઇલ મોકલ્યો હતો.તેમા તેણે સ્વીકાર્યુ હતું કે ટ્રમ્પ સગીર પીડિત અંગે બધું જ જાણતા હતા. ડેમોક્રેટ્સ સાંસદ રોબટ ગાર્સિયાએ જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ દ્વારા છૂપાવવામાં આવેલી વાતો હવે દસ્તાવેજો બહાર આવતા જાહેર થઈ છે. એપસ્ટેઇન એસ્ટેટે કુલ ૨૩ હજાર દસ્તાવેજ જારી કર્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. ટ્રમ્પ અને એપસ્ટેઇન બંનેને એકબીજાને ૧૯૮૦થી જાણતા હતા. એક સમયે એવો હતો કે બંને તેમની મિત્રતા જાહેરમાં પ્રદર્શિત કરતા હતા. ઉલ્લેખનીય છે કે સેક્સકાંડની પીડિતા વર્જિનિયા ગિઉફ્રેએ ચાલુ વર્ષે એપ્રિલમાં અને મુખ્ય આરોપી જેફ્રી એપસ્ટેઇને ૨૦૧૯માં આત્મહત્યા કરી લીધી છે.

