45,000 કિ.મીની ઝડપે પસાર થયેલા લઘુગ્રહની ટક્કરથી પૃથ્વીનો બચાવ

- પૃથ્વીથી લઘુગ્રહનું અંતર ૨,૧૮,૦૦૦ કિલોમીટર હતું
- પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયેલો લઘુગ્રહ સંશોધકો માટે અભ્યાસનો વિષય બન્યો ઃ નાસાએ યુટયૂબમાં લાઈવ પ્રસારણ કર્યું
નાસાના કહેવા પ્રમાણે ૧૪૦ મીટર એટલે ૪૬૦ ફૂટથી નાના લઘુગ્રહો આખી પૃથ્વી માટે ખતરારૂપ હોતા નથી. જો આટલો મોટો લઘુગ્રહ પૃથ્વીના કોઈ ભાગ સાથે ટકરાય તો મોટી ખાનાખરાબી થઈ શકે. એનાથી પૃથ્વીના આખા ખંડને કાયમી નુકસાન થઈ શકે. અથવા રેડિયો નેટવર્ક ક્ષતિગ્રસ્ત બની શકે. પરંતુ જો એનાથી નાના લઘુગ્રહ હોય તો એટલું જોખમ રહેતું નથી. ૨૦૨૫ ક્યૂડી૮ નામનો આ ઉપગ્રહ ઓછા જોખમની શ્રેણીમાં આવતો હતો.
એ ૨૨ મીટર યાને ૭૨ ફૂટનો હતો, પરંતુ એની ઝડપ ૪૫ હજાર કિ.મી. પ્રતિકલાકની હતી. વળી, એ પૃથ્વીથી માત્ર ૨.૧૮ લાખ કિલોમીટર દૂરથી જ પસાર થયો હતો. કિલોમીટરના અંતરની રીતે આ ઘણું કહેવાય, પરંતુ અવકાશી ઘટનાના સંદર્ભમાં આ અંતર ઘણું ઓછું કહેવાય. આ લઘુગ્રહ પૃથ્વી અને ચંદ્ર બંનેની સામેથી પસાર થયો હતો. નીયર અર્થ ઓબ્જેક્ટની કેેટેગરીમાં મૂકાયેલા આ લઘુગ્રહનો સંશોધકોએ નજીકથી અભ્યાસ કર્યો હતો.
નાસાએ તો એનું યુટયૂબ લાઈવ પણ કર્યું હતું. થોડા સમય પહેલાં જ ૨૦૨૫ ક્યુવી૫ નામનો એક ઉપગ્રહ પૃથ્વીથી આઠ લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. જોકે, એ તો આનાથી પણ ઘણો નાનો હતો. એ માત્ર ૩૬ ફૂટનો ઘેરાવો ધરાવતો હતો. નાસાના કહેવા પ્રમાણે આગામી ૧૦૦ વર્ષ સુધી પૃથ્વી સાથે લઘુગ્રહની ટક્કરની શક્યતા નથી, તેમ છતાં નાસાએ એસ્ટ્રોઈડ પર નજર રાખવા અલાયદો વિભાગ બનાવ્યો છે.








