World

હૂતીઓ સાઉદી અરેબિયા પર હુમલો કરે તો શું કરશે પાકિસ્તાન? ડીલના ચક્કરમાં શાહબાઝ શરીફની મોટી ભૂલ

By GS TEAM
18 Sep 20252 mins read
TukuTouch Logo
સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક મોટો રક્ષા કરાર કર્યો છે, જેમાં નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે, તો તે હુમલો બંને દેશો પર થયેલો ગણાશે. આ ડીલને નાટો (NATO) જેવી માનવામાં આવે છે કારણ કે જો કોઈ બહારનો દેશ સાઉદી કે પાકિસ્તાન પર હુમલો કરશે, તો બંને સાથે મળીને તેનો મુકાબલો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હૂતીઓ સાઉદી અરેબિયા પર હુમલો કરે તો શું કરશે પાકિસ્તાન? ડીલના ચક્કરમાં શાહબાઝ શરીફની મોટી ભૂલ

Saudi Pakistan Defence Pact: સાઉદી અરેબિયા અને પાકિસ્તાને એક મોટો રક્ષા કરાર કર્યો છે, જેમાં નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે, તો તે હુમલો બંને દેશો પર થયેલો ગણાશે. આ ડીલને નાટો (NATO) જેવી માનવામાં આવે છે કારણ કે જો કોઈ બહારનો દેશ સાઉદી કે પાકિસ્તાન પર હુમલો કરશે, તો બંને સાથે મળીને તેનો મુકાબલો કરશે.

આ સમજૂતીનો સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે એવા સમયે થઈ છે જ્યારે એક તરફ કતાર પરના ઇઝરાયલના હુમલાથી ખાડીના મુસ્લિમ દેશો ભયભીત છે અને બીજી તરફ પાકિસ્તાનને મે મહિનામાં ભારતના હવાઈ હુમલા પછી ભારત સાથેના તણાવનો ડર છે.

શાહબાઝ શરીફની મોટી ભૂલ: ભારતનો ભય અને સાઉદીની શરતો

આ કરાર દ્વારા પાકિસ્તાન ભલે એવું માને કે તેને ભવિષ્યમાં ભારતના હુમલાઓ સામે રક્ષણ મળશે, પણ વાસ્તવિકતામાં આ ડીલના ચક્કરમાં શાહબાઝ શરીફ મોટી ભૂલ કરી બેઠા છે, જે દસ્તાવેજ પર પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા છે, તે મુજબ તેણે યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે સાઉદી અરેબિયા માટે લડવું ફરજિયાત બની ગયું છે. આ લડાઈમાં સાઉદી અરેબિયા હજી સુધી સફળ રહ્યું નથી.

પાકિસ્તાન સાઉદીની 'ભાડાની સેના' બનશે?

આ કરારે પાકિસ્તાનને માત્ર સાઉદી અરેબિયાની 'ભાડાની સેના' તરીકે જ પ્રસ્થાપિત કર્યું છે. આ કરાર કઈ નવો નથી. સાઉદી અરેબિયા અને પાકિસ્તાને પહેલાં પણ આવા રક્ષા કરારો પર હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તે હંમેશા સાઉદીની સુરક્ષા માટે જ રહ્યા છે અને પાકિસ્તાનને તેનાથી કોઈ ફાયદો થયો નથી. પાકિસ્તાન ભારત સાથે ત્રણ મોટી લડાઈઓ (1965, 1971 અને 1999) લડી ચૂક્યું છે. તે દરમિયાન રિયાદ (સાઉદી અરેબિયા) એ તેને આર્થિક અને રાજદ્વારી મદદ તો કરી, પણ ક્યારેય પોતાની સેના મોકલી નથી.

આ પણ વાંચો: નેતન્યાહૂનો UN-EUને ઠેંગો, ગાઝાની ચારેય તરફ ટેન્ક-સૈનિકો તહેનાત કરી ઘેરાબંધી કરી

શું પાકિસ્તાન યમનમાં હુથીઓ પર હુમલો કરશે?

એવામાં સવાલ ઊભો થાય છે કે શું આ નવો કરાર ફરી એકવાર પાકિસ્તાનને યમનમાં સાઉદી અરેબિયા માટે ભાડાની સેના તરીકે વાપરવાનો દસ્તાવેજ છે? શું પાકિસ્તાન સાઉદીની અધૂરી લડાઈ લડવા જઈ રહ્યું છે? પાકિસ્તાન માટે આટલું સહેલું નથી. આ પહેલાં, 2015માં પાકિસ્તાને યમનના હુથીઓ સામે યુદ્ધ માટે સાઉદીના નેતૃત્વ હેઠળના લશ્કરી ગઠબંધનમાં જોડાવાનો ઇનકાર કરી દીધો હતો. તે સમયે પાકિસ્તાન લગભગ તૈયાર હતું, પરંતુ તે સમયના વિપક્ષના નેતા અને પીટીઆઈ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનના વિરોધ પછી નવાઝ શરીફ સરકાર પાછી ફરી ગઈ હતી.