Saudi Arabia vs UAE: પશ્ચિમ એશિયાના બે શક્તિશાળી દેશો યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જેના કારણે અન્ય કેટલાક દેશોની પણ ચિંતા વધી છે. એક સમયે આ બંને દેશો પાક્કા મિત્ર રાષ્ટ્રો ગણાતા. બંનેનું ઓઈલ માર્કેટ પર પણ પ્રભુત્વ છે પરંતુ હવે સંસાધનો પર નિયંત્રણની હરીફાઈમાં બંને સામસામે ઊભા થઈ ગયા છે.
સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે પ્રોક્સી વોર
વર્ષ 2023થી સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જે અંતે યમન અને સુદાનમાં પ્રોક્સી વોરમાં પરિણમી. હાલમાં જ સાઉદી અરેબિયાએ યમનમાં યુએઈના સમર્થનથી ચાલતા જૂથ પર એરસ્ટ્રાઈક કરી હતી. યમન સિવાય સુદાનમાં પણ બંને દેશો પ્રોક્સી વોર કરી રહ્યા છે.
સોનાની ખાણો અને બંદરો પર નજર
સોનું, ઓઈલ, ટાપુઓ તથા બંદરો પર પોતાનું નિયંત્રણ વધારવા માટે બંને દેશો વચ્ચે હોડ જામી છે. ખાસ કરીને લાલ સાગર ( રેડ સી ), હૉર્ન ઓફ આફ્રિકા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર બંનેની નજર છે. રશિયા અને યુક્રેન વચ્ચે થયેલો સંઘર્ષ જોઈ યુએઈને શીખ મળી કે માત્ર ઓઈલ પર નિયંત્રણ પર્યાપ્ત નથી. રાષ્ટ્રની શક્તિ વધારવી હોય તો ખનીજ, પોર્ટ તથા લોજિસ્ટિક હબ પર નિયંત્રણ કરવું પડશે.
બંને દેશો વચ્ચે ક્યાંથી શરૂ થયો વિવાદ?
જ્યારે વર્ષ 2015માં સાઉદી અરેબિયાએ યમનમાં હસ્તક્ષેપ કર્યો ત્યારે તેને યુએઈનો સાથ હતો. બંને દેશો સાથે મળીને હૂથીઓ સામે લડતા રહ્યા. પણ 2023 આવતા આવતા બંને વચ્ચે મતભેદો શરૂ થઈ ગયા. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે યમન અખંડ રહે, તેમાં કોઈ પણ પ્રકારના ભાગલા ન પડે. જોકે યુએઈના વિચાર તદ્દન વિપરીત છે. જએ બાદ યુએઈ યમનમાં અન્ય એક જૂથ ( STC )ને સમર્થન જાહેર કરી દીધું. જે બાદ સાઉદી અરેબિયાએ STC પર હવાઈ હુમલા કરી ગુસ્સો બતાવ્યો.
સુદાનની સોનાની ખાણ પર યુએઈનું 'નિયંત્રણ'
બીજી તરફ સુદાનમાં પણ યુએઈ અને સાઉદી અરેબિયા દુશ્મન બની બેઠા છે. બંને દેશો વચ્ચે ખેંચતાણ ચાલી જ રહી હતી કે 2023માં સુદાનમાં ગૃહયુદ્ધ શરૂ થયું. સુદાનમાં ખનીજનો અખૂટ ભંડાર છે. આફ્રિકામાં સૌથી વધુ સોનું નિર્માણ કરતાં દેશોમાં સુદાનનું પણ નામ છે. આટલું જ નહીં સુદાનમાં લોજિસ્ટિક કોરિડોર પણ છે.
યુએઈ સુદાનમાં રેપિડ સપોર્ટ ફોર્સ સાથે સંબંધ બનાવ્યા. આ જૂથે સુદાનમાં સોનાની ખાણો તથા સરહદી વિસ્તારોમાં પોતાનો કબજો જમાવ્યો છે. બીજી તરફ સાઉદી અરેબિયાએ સુદાનની સેનાનું સમર્થન કર્યું.
મિડલ ઈસ્ટમાં બદલાશે સમીકરણ?
આમ સાઉદી અરેબિયા અને યુએઈના સંબંધોમાં પડેલી તિરાડના કારણે ખાડી દેશોની એકતા જોખમાઈ છે. જેના કારણે અન્ય નાના દેશોની ચિંતા વધી છે. જ્યારે બીજી તરફ ઈરાન, તૂર્કીયે જેવા દેશ હવે આ ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારવાનો મોકો શોધી રહ્યા છે.
ગયા વર્ષે જ સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે એક ડિફેન્સ ડીલ કરી હતી. જેના જવાબમાં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ ઝાયદ અલ નાહ્યાને આ મહિને જ ભારતની ટૂંકી મુલાકાત લીધી. સાઉદી અરેબિયાને ટક્કર આપવા માટે યુએઈ ભારત અને ઈઝરાયલ તરફ જોઈ રહ્યું છે.


