Get The App

સાઉદી ‘વિઝન 2030’ હેઠળ ઊંટોને પણ પાસપોર્ટ આપી રહ્યું છે, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
સાઉદી ‘વિઝન 2030’ હેઠળ ઊંટોને પણ પાસપોર્ટ આપી રહ્યું છે, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ 1 - image

Camel Passport: સાઉદી અરેબિયાએ એક અનોખી અને નવતર યોજના શરુ કરી છે, જેમાં દેશના લાખો ઊંટોને સત્તાવાર પાસપોર્ટ અપાઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ ઊંટોની યોગ્ય ઓળખ, નોંધણી અને સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થા ઊંટોના માલિકો, પશુપાલન ઉદ્યોગ અને પ્રાણીઓના આરોગ્ય સંભાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

પાસપોર્ટમાં ઊંટની વિગતો સંગ્રહિત હશે

પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં લીલા રંગના પાસપોર્ટ ઉપર ઊંટની સોનેરી છાપ દર્શાવાઈ છે. આ પાસપોર્ટમાં દરેક ઊંટ વિશે વિગતવાર માહિતી સંગ્રહિત કરવામાં આવશે. જેમ કે, 

ઊંટની જાતિ, ઊંચાઈ અને માથાથી પૂંછડી સુધીની લંબાઈ, ઉંમર, વજન, શારીરિક ઓળખના ચિહ્નો, આરોગ્ય સંબંધિત વિગતો, માલિકનું નામ, સરનામું અને ફોન નંબર તેમજ ઊંટની અવરજવરની માહિતી. 

આમ, ઊંટના પાસપોર્ટને આધારે એના વિશેની તમામ માહિતી જાણી શકાય, એવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. આમ કરવાથી ઊંટની તસ્કરી અને ગેરકાયદે વેચાણ રોકી શકાશે. 

સાઉદી અર્થતંત્ર સાથે ઊંટનો અતૂટ સંબંધ

સાઉદી અરેબિયામાં ઊંટ માત્ર પરંપરાગત પ્રાણી નથી; ઊંટો દેશની અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન પણ આપે છે. સરકારી અંદાજ મુજબ દેશમાં લગભગ 22 લાખ ઊંટ છે, જે દર વર્ષે બે અબજ રિયાલથી વધુ આવક ઊભી કરે છે.

સાઉદી સંસ્કૃતિમાં ઊંટનું ઊંચું સ્થાન

ઊંટ સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય પ્રતીકોમાં સ્થાન ધરાવે છે. દેશભરમાં ઊંટની સૌંદર્ય સ્પર્ધા, દોડ સ્પર્ધા અને પ્રદર્શનોનું આયોજન થાય છે, જેમાં શ્રેષ્ઠ ઊંટોને લાખો રૂપિયાનું ઇનામ અપાય છે. રાષ્ટ્રીય ઉત્સવો, ધાર્મિક કાર્યક્રમો અને ઐતિહાસિક ઉજવણીઓ ઊંટ વિના અધૂરી ગણાય છે. ઊંટો અરબી સમાજના ગૌરવ અને પરંપરાનો ભાગ છે. સદીઓથી તેઓ જીવન, વેપાર અને મુસાફરી માટે અત્યંત મહત્ત્વના રહ્યા છે.

ઊંટની વૈશ્વિક વસ્તીમાંથી અડધાથી વધુ આરબ દેશોમાં

વૈશ્વિક સ્તરે ઊંટોની સંખ્યા લગભગ 3.5 કરોડ જેટલી માનવામાં આવે છે, જેમાંથી અડધાથી વધુ ઊંટ આરબ દેશોમાં જોવા મળે છે. સૌથી વધુ ઊંટ સોમાલિયામાં છે. ત્યારબાદ સુદાન, મૌરિટાનિયા, સાઉદી અરેબિયા અને યમન આવે છે. આરબ દેશોમાં ઊંટ-ઉદ્યોગોમાં દૂધ, માંસ, ઊન, ચામડી અને રમતગમત જેવા ક્ષેત્રો સામેલ છે. ઊંટોના વેપાર અને પ્રજનન ઉદ્યોગ પણ ઝડપથી વિકસી રહ્યો છે.

પ્રાચીન સમયથી ઊંટનો ઉપયોગ

ઊંટો હંમેશથી રણમાં મુસાફરી માટે સૌથી વિશ્વસનીય વાહન રહ્યા છે. વાહનો અને પરિવહનના આધુનિક સાધનોના વિકાસ પહેલાં ઊંટો વેપાર અને સંચારના મુખ્ય સાધન હતા. મક્કા અને મદીનાની યાત્રા માટે વિવિધ દેશોના યાત્રાળુઓ ઊંટ પર લાંબી મુસાફરી કરીને સાઉદી અરેબિયા પહોંચતા હતા. મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને દૂર પૂર્વથી આવેલા વેપારીઓ પણ ઊંટના કાફલા દ્વારા વેપાર કરતા હતા.

પ્રાચીન શિલ્પો અને ઊંટનો પુરાતત્ત્વીય ઇતિહાસ

2018માં સાઉદી અરેબિયામાં પથ્થર પર ઊંટના ભીંત ચિત્રો અને શિલ્પો કંડારાયેલા મળી આવ્યા હતા, જે વિશ્વના સૌથી જૂના પ્રાણી ચિત્રો માનવામાં આવે છે. શરુઆતમાં સંશોધકો માનતા હતા કે આ કોતરણી લગભગ બે હજાર વર્ષ જૂની છે, પરંતુ નવા સંશોધન મુજબ તે સાતથી આઠ હજાર વર્ષ જૂની હોઈ શકે છે. આ શિલ્પો પથ્થર યુગના હોવાની સંભાવના છે અને કદાચ ગિઝાના પિરામિડ કરતાં પણ જૂના હોઈ શકે છે. તે સમયે સાઉદી પ્રદેશ આજની જેમ રણપ્રદેશ નહોતો, પરંતુ લીલોતરી અને તળાવો ધરાવતો વિસ્તાર હતો. સંશોધકો માને છે કે આ શિલ્પો સંભવતઃ જુદી જુદી જાતિઓના મિલન સ્થળ તરીકે બનાવવામાં આવ્યા હશે.

અરબી સમાજમાં ઊંટનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ

ઊંટો અરબી જીવનનો અગત્યનો ભાગ રહ્યા છે. ઇસ્લામનો ઉદય થયો એ અગાઉના સમયના કવિઓએ પણ તેમની કવિતાઓમાં ઊંટોની પ્રશંસા કરી છે. મોહમ્મદ પયગંબર પાસે ‘કસવા’ નામનો ઊંટ હતો, જે આ પ્રાણીનું મહત્ત્વ દર્શાવે છે. આધુનિક સાઉદી શાસકો પણ ઊંટો પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. રાજા અબ્દુલ અઝીઝથી લઈને હાલના રાજા સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સુધી અનેકોના શાસનમાં ઊંટો રાજકીય અને સાંસ્કૃતિક પરંપરાનો ભાગ રહ્યા છે.

ઊંટની વિશેષતાઓ અને ઉપયોગ

ઊંટને ‘રણના જહાજ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે ભારે વજન વહન કરી શકે છે અને લાંબા સમય સુધી પાણી વગર જીવી શકે છે. તે 400 કિલોગ્રામ સુધીનું વજન ઊંચકી શકે છે. ઊંટોને રંગ અને જાતિના આધારે અલગ વર્ગોમાં વહેંચવામાં આવે છે. કેટલાક દેશોના ઊંટ દોડ માટે જાણીતા છે, જ્યારે કેટલાક દૂધ માટે પ્રસિદ્ધ છે. ખાસ કરીને સાઉદી દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંટના દૂધનું ઉત્પાદન ખૂબ મહત્ત્વ ધરાવે છે.

ઊંટ આધારિત ઉદ્યોગનો વિકાસ

તાજેતરના વર્ષોમાં સાઉદી અરેબિયા ઊંટ આધારિત ઉદ્યોગને મજબૂત બનાવવા માટે મોટું રોકાણ કરી રહ્યું છે. ઊંટના દૂધ, પાવડર, આઈસ્ક્રીમ અને અન્ય ઉત્પાદનો વૈશ્વિક બજારમાં લોકપ્રિય બની રહ્યા છે. કેટલાક બ્રાન્ડ ઊંટના ઊન અને ચામડામાંથી કપડાં, બેગ અને જૂતા બનાવે છે, જે અત્યંત ટકાઉ ગણાય છે.

વિઝન 2030 અને ઊંટ ઉદ્યોગનું ભવિષ્ય

‘વિઝન 2030’ યોજના હેઠળ સાઉદી અરેબિયા ખનિજ તેલ પરની નિર્ભરતા ઘટાડીને અન્ય ઉદ્યોગો વિકસાવવા માંગે છે. તેમાં ઊંટ આધારિત ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે ઊંટ ઉદ્યોગ ભવિષ્યમાં દેશ માટે આવકનો મોટો સ્ત્રોત બની શકે છે.

આ પણ વાંચો: તાનાશાહની 'લાડલી' હવે બનશે બોસ! કિમ જોંગ ઉને 13 વર્ષની પુત્રીને બનાવી ઉત્તરાધિકારી

પરંપરા અને આધુનિકતાનો સંતુલિત મેળ

ઊંટોને પાસપોર્ટ આપવાની યોજના માત્ર વ્યવસ્થાપન માટે નથી, પરંતુ તે દેશના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો પ્રયાસ પણ છે. આ પહેલ દ્વારા સાઉદી અરેબિયા પોતાની પરંપરા અને આધુનિક ટૅક્નોલૉજી વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.