- ગાઝા શાંત છતાં મધ્યપૂર્વમાં ફરી પાછો ઉકળતો ચરૂ
- યુએઅઈએ સાઉદીના આક્ષપો ફગાવ્યા અને બંનેમાંથી એકપણ જહાજમાં શસ્ત્રો ન હોવાનો દાવો કર્યો
અબુધાબી : મધ્યપૂર્વમાં એક યુદ્ધ શાંત પડયુ નથી ત્યાં બીજા યુદ્ધના ભણકારા વાગવા માંડયા છે. સાઉદી અરેબિયાએ યમનના પોર્ટસિટી મુકલ્લા ગયેલા યુએઈના બે જહાજ પર એરસ્ટ્રાઇક કરીને તેને ખતમ કર્યા છે અને તેમા હુથી બળવાખારોને આપવા માટેના શસ્ત્રો હોવાનો દાવો કર્યો છે. જ્યારે યુએઈના આ આરોપોને ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણા ગણાવ્યા છે.
સાઉદીના જોડાણના નેતૃત્વનો દાવો છે કે આ હુમલો ત્યાં યમન પહોંચેલા શસ્ત્રોની ખેપ ખતમ કરવા કરવામાં આવ્યો હતો. આ ખેપ યુએઈથી આવી હતી. આ શસ્ત્રો હુથી આતંકવાદીઓને આપવાના હતા. આ હુમલો સાઉદી અરબ અને સાઉથર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ વચ્ચે વધતા તનાવનો સંકેત માનવામાં આવે છે.આ સંગઠન યુએઈ સમર્થિત છે અને યમનના દક્ષિણ હિસ્સામાં સક્રિય છે.
આ ઘટનાક્રમ પછી અબુધાબી અને રિયાધના હિસ્સામાં ખટાશ આવી ગઈ છે. બંને દેશ યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરો સામે જુદાં-જુદા જૂથોનું સમર્થન કરે છે. સાઉદી જોડાણનું કહેવું છે કે મુકલ્લા બંદર પર હુમલો રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ ઉઠાવવામાં આવેલું પગલું હતું. તેમા કોઈનો જીવ ગયાના સમાચાર નથી.
આ હુમલા પછી સાઉદી અરબે પોતાની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને આકરી ચેતવણી જારી કરી છે. યમનની સાઉદી સમર્થિત રાષ્ટ્રપતિ પરિષદના પ્રમુખ યુએઈને ૨૪ કલાકની અંદર તેના લશ્કરી દળો યમનમાંથી હટાવવા જણાવ્યું છે. સાઉદી જોડાણનો દાવો છે કે જે બે જહાજોને નિશાન બનાવવામાં આવ્યા તે યુએઈના ફુજેરાહ બંદર પરથી રવાના થયા હતા.
સાઉદીના હુમલા પછી યમનની હૂથી વિરોધી તાકાતોએ મંગળવારે ઇમરજન્સી જાહેરાત કરી હતી. આ હૂથી વિરોધી પક્ષોએ તેમના વિસ્તારોમાં બધી જ સરહદી ચોકીઓને ૭૨ કલાક માટે બંધ કરવા, એરપોર્ટ અને બંદરો પર પ્રવેશ રોકવાની જાહેરાત કરી હતી. યમનની પ્રેસિડેન્સિયલ લીડરશિપ કાઉન્સિલના પ્રમુખ રશાદ અલ અલીમીએ યુએઈ સાથેની સંરક્ષણ સમજૂતી રદ કરી દીધી. યુએઈના દળોને ૨૪ કલાકમાં યમન છોડવા આદેશ આપ્યો અને ૭૨ કલાકના બ્લોકેડનો આદેશ આપ્યો.
ડિસેમ્બર ૨૦૨૫ના પ્રારંભમાં એસટીસીએ હદરમૌત અને અલ-મહરા પ્રાંતો પર ઝડપથી કબ્જો કર્યો. આ વિસ્તાર તેલ સંસાધનોથી સમૃદ્ધ છે અને સાઉદી અરબ તથા ઓમાનની સરહદ સાથે લાગેલું છે. એસટીસીએ આ ક્ષેત્રમાં સરકારી દળોને પરત ધકેલી દીધું છે. તેનાથી દક્ષિણ યમનના મોટા હિસ્સા પર તેનો અંકુશ સ્થપાઈ ગયો છે. તેમનું લક્ષ્ય ૧૯૬૭થી ૧૯૯૦ સુધી દક્ષિણી યમન સ્વતંત્ર હતુ તેવો સ્વતંત્ર દેશ બનાવવાનું છે. સાઉદીએ યુએઈને ચેતવણી આપી છે કે અલગતાવાદીઓને સમર્થન પ્રાદેશિક સુરક્ષા માટે ભયજનક છે.


