Explainer: માનવતા પર કલંક ‘સારાયેવો સફારી’, મનોરંજન માટે સામાન્ય માણસોને ગોળીએ વીંધવાનું ટુરિઝમ

Sarajevo Safari: How Foreign Snipers Paid to Kill Civilians for Fun | આધુનિક યુરોપની સૌથી લાંબી ઘેરાબંધીનો સમય એટલે 1992થી 1996. આ ગાળામાં ‘બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના’ દેશની રાજધાની સારાયેવોમાં એક અત્યંત ક્રુર હત્યાકાંડ થયો હતો. આ ઘટના વિશે અત્યાર સુધી દુનિયાને ખાસ જાણ નહોતી. વાત એવી હતી કે આ યુદ્ધગ્રસ્ત શહેરના નાગરિકોને બંદૂકની ગોળીથી વીંધવા માટે દુનિયાભરના અમીરો ત્યાં આવતા. ‘શિકાર’ના આ શોખીનો સારાયેવોની મુલાકાત લેતા, પૈસા ભરીને એક-બે દિવસ માટે સ્નાઇપર બની જતા અને પછી બંદૂકોથી સામાન્ય નાગરિકોનો શિકાર કરતા. એટલે કે રીતસરનો ‘હ્યુમન સફારી પાર્ક’, જ્યાં અમીરો ફક્ત મનોરંજન માટે નિઃશસ્ત્ર નાગરિકોને વીંધવાનો રોમાંચ માણતા. આમ તો નેવુંના દાયકાથી આ હત્યાકાંડ બાબતે આરોપો થતા રહ્યા છે અને નકારાતા પણ રહ્યા છે. પણ, હવે ઈટાલીએ આ ભયાવહ હત્યાકાંડની તપાસ શરુ કરી હોવાથી ઇતિહાસનું આ કાળું પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે.
તો ચાલો જાણીએ, માનવતા પર કલંક સમાન આ સુનિયોજિત હત્યાકાંડની ધ્રુજાવી દેતી વિગતો.
અલગ દેશની રચના અને યાતનામય પ્રકરણના બીજ
આજે જેનું અસ્તિત્વ જ નથી એવા દેશ 'યુગોસ્લાવિયા'ના 1990ના દાયકાની શરુઆતમાં ભાગલા થઈ ગયા. પરિણામે ‘બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના’, ‘ક્રોએશિયા’, ‘મેસેડોનિયા’, ‘મોન્ટેનેગ્રો’, ‘સર્બિયા’ અને ‘સ્લોવેનિયા’ જેવા દેશ બન્યા, પરંતુ એ વિભાજન લોહિયાળ રહ્યું. 1992માં સ્વતંત્રતા માટેના લોકમતને આધારે 'બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના'એ 'યુગોસ્લાવિયા'માંથી આઝાદ થવાની જાહેરાત કરી. આ કારણસર યુગોસ્લાવિયાના સૈન્યદળના 13,000 સૈનિકે સારાયેવો શહેરને ઘેરી લીધું. આ શહેરની આસપાસની પહાડીઓ પર તહેનાત થઈને તેમણે સામાન્ય નાગરિકો પર ગોળીઓ અને બોમ્બ વરસાવવાનું શરુ કર્યું. જો કે, શહેરની અંદર તહેનાત 'બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના'ના સૈનિકોએ પણ જવાબી કાર્યવાહી કરી. ભારે શસ્ત્રો કે બખ્તરબંધ વાહનો વિના તેમણે શહેરીજનોને બચાવ્યા, પરંતુ યુગોસ્લાવિયાના સૈનિકોની ઘેરાબંધી તોડી ના શક્યા.

સૈનિકોની ઘેરાબંધીએ ‘શિકાર’ની તક સર્જી
આમ બંને પક્ષે કોઈ મચક આપવા તૈયાર નહોતું એમાં ‘મરો’ સારાયેવાના નાગરિકોનો થયો. 'યુગોસ્લાવિયા'ના સૈનિકોએ શ્રીમંત વિદેશી 'શિકારીઓ'ને સારાયેવોના નાગરિકોને ગોળીએ દેવાની ‘તક’ આપવા માંડી. માણસના શિકારનો અભૂતપૂર્વ લાભ લેનારા પાસે જંગી નાણાં વસૂલાતા. મુખ્યત્વે અમેરિકા, કેનેડા, રશિયા અને ઇટાલી જેવા દેશોના ધનવાનો આ ‘હ્યુમન હન્ટિંગ ટુરિઝમ’ની મજા માણવા માટે યુગોસ્લાવિયા આવવા લાગ્યા અને મનફાવે એમ સારાયેવોના નાગરિકોને મારવા લાગ્યા. એટલે જ દુનિયાના સૌથી કુખ્યાત વૉર ટુરિઝમના પ્રકરણોમાં આ ઘટના ‘સ્નાઇપર સફારી’, ‘હ્યુમન હન્ટિંગ સફારી’ કે ‘સારાયેવો સફારી’ જેવા નામે જાણીતી છે.

શહેરની ભૂગોળના કારણે નાગરિકો સતત ભય હેઠળ જીવ્યા
સારાયેવો શહેર ચારે તરફથી પહાડીઓથી ઘેરાયેલું હોવાથી એ પહાડીઓ પરથી શહેરીજનો પર હુમલો કરવાની અનુકૂળતા હતી. સૈનિકોએ એ પહાડો પર અડ્ડો જમાવ્યો હતો. વિદેશી સ્નાઇપર્સને પણ એ પહાડોની ટોચ પરથી જ ગોળીઓ વરસાવવાની સુવિધા અપાતી. કોઈ ઘરમાંથી બહાર નીકળતું દેખાય એટલે સ્નાઇપર્સ ગોળીઓ છોડવા માંડતા. શિકાર ભોંયભેગો થાય એટલે શિકારીઓ ચિચિયારી પાડીને એનો આનંદોત્સવ મનાવતા.

સાડા ત્રણ કરતાં વધુ વર્ષ ચાલેલી ‘સારાયેવોની ઘેરાબંધી’ વખતે નાગરિકો સતત મોતના ફફડાટમાં જીવ્યા. ગેસ અને વીજળી જેવી સુવિધાઓ તો નહોતી જ, પણ પીવાના પાણી અને ખોરાક માટે પણ વલખાં મારવા પડતા. ઘેરાબંધી સમયે શહેરમાં જે કંઈ પુરવઠો હતો એટલામાં જ નગરજનોએ ગુજારો કરવાનો હતો, જેને લીધે લોકોને બે ટંક પેટભર ખાવાનું પણ નહોતું મળતું. ઘરની બહાર જઈને કામ કરવું તો સ્વપ્ન સમાન હતું.
જીવ બચાવવા માટે લોકો અવનવી તરકીબો અજમાવતા
ખોરાક-પાણીની વ્યવસ્થા કરવા માટે ઘરની બહાર નીકળવું જ પડે એમ હતું, તેથી એવા સમયે લોકો દોડતા અને ઝિગઝેગ પેટર્નમાં એટલે કે વાંકાચૂંકા થઈને દોડતાં જેથી પહાડીઓ પરથી એમના તરફ ધસી આવતી ગોળીઓથી બચી શકાય. અમુક લોકો હેલ્મેટ પહેરીને બહાર નીકળતા. જેમની પાસે હેલ્મેટ નહોતી એ સ્ટીલના વાસણો વડે માથુ ઢાંકીને બહાર જતાં. જો કે, તેઓ હંમેશાં સફળ નહોતા થતા. ઘર બહાર ગયેલો માણસ સલામત રીતે ઘરે પરત ફરે જ, એની કોઈ ગેરંટી નહોતી.


ભયના ઓથાર વચ્ચે પણ શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું
સારાયેવોમાં પ્રત્યેક ક્ષણે માથે મોત ભમતું હોવા છતાં લોકોએ શાંત ભવિષ્યની આશામાં શક્ય એટલું રોજિંદું જીવન ચાલુ રાખ્યું હતું. લોકો હળીમળીને રહેતા, ખોરાક માટે લૂંટફાટ કરવાને બદલે સૌ જેટલું મળે એમાંથી વહેંચીને ખાતા. અમુક શિક્ષકોએ બાળકોનું ભણતર ન બગડે એ માટે મકાનોના ભોંયરામાં શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું હતું. રાતના અંધકારમાં લોકો સહેજ બહાર નીકળીને રાહતનો શ્વાસ લઈ લેતા. ધુમ્મસ છવાયેલું હોય ત્યારે પણ લોકો ઘરની બહાર નીકળીને પોતાના ખોરાક-પાણીની સગવડ કરી લેતા.

બાળકોને ગોળી મારવા સૌથી વધુ નાણાં વસૂલાતા!
વિકૃતિની હદ એ હતી કે 'સ્નાઇપર સફારી'માં વિવિધ ઉંમરના લોકોને મારવા માટે જુદા જુદા ભાવ વસૂલાતા! બાળકોને મારવા હોય તો સૌથી વધારે નાણાં ચૂકવવા પડતા. બીજા ક્રમે સ્ત્રીઓનો શિકાર હતો. એ પછી પુરુષો અને વૃદ્ધોનો ક્રમ આવતો. માનવ-શિકાર માટે બંદૂકશૂરા વિદેશીઓ પાસેથી આજના ડૉલરના હિસાબે જોઈએ તો લગભગ 92,900 ડૉલર (80 લાખ રુપિયા!) જેવી તોતિંગ રકમ વસૂલાતી. શનિ-રવિમાં તો સૌથી વધુ શિકારીઓ સારાયેવોની પહાડીઓમાં ઉમટી પડતા.

'સ્નાઇપર સફારી' પ્રકરણ કઈ રીતે પ્રકાશમાં આવ્યું?
નવાઈની વાત એ છે કે, ફક્ત 30 વર્ષ જૂના આ સુનિયોજિત હત્યાકાંડ વિશે દુનિયા અંધારામાં હતી. 2022માં ‘મિરાન ઝુપાનિક’ નામના નિર્દેશકે ‘સારાયેવો સફારી’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી, જેમાં ખુલ્લેઆમ આક્ષેપ કરાયો હતો કે દુનિયાના અમીરોએ કેવી રીતે પોતાના મનોરંજન માટે સારાયેવોના નિર્દોષ લોકોની હત્યા કરી હતી. યુરોપના સુધરેલા ગણાતા દેશમાં પણ આવી અમાનવીય બર્બરતા આચરાઈ હતી, અને એય નજીકના ભૂતકાળમાં. એ જાણીને આખી દુનિયામાં હોબાળો મચી ગયો હતો.
છેવટે સારાયેવો સફારીની ન્યાયિક તપાસ શરુ થઈ
હવે 2025માં ઇટાલી સરકારે 'સ્નાઇપર સફારી'ના એ કાળા પ્રકરણની ઊંડી તપાસ હાથ ધરી છે. આ તપાસની શરુઆત ઇટાલિયન પત્રકાર અને લેખક એઝિયો ગાવાઝેનીએ નોંધાવેલી 17 પાના લાંબી ફરિયાદને આધારે થઈ રહી છે. ફરિયાદમાં મહત્ત્વપૂર્ણ સાક્ષીઓ ટાંકવામાં આવી છે, જેમાં બોસ્નિયન લશ્કરી ગુપ્તચર અધિકારી એડિન સુબાસિકની જુબાની પણ સામેલ છે. 'સ્નાઇપર સફારી'માં ભાગ લેનારા લોકોની યાદીમાં ઇટાલીના મિલાન શહેરના એક પ્લાસ્ટિક સર્જરી ક્લિનિકના માલિકનું નામ સામે આવ્યું છે. રશિયન રાષ્ટ્રવાદી લેખક અને રાજકારણી એડ્યુઅર્ડ લિમોનોવ પણ આ હત્યાકાંડની મજા લેવા માટે સારાયેવો ગયા હોવાનો આરોપ લગાવાયો છે.
સત્ય અને ન્યાય માટેની શોધ સફળ લાવશે?
સારાયેવોની ઘેરાબંધીના 1,425 દિવસો દરમિયાન 11,541 લોકો માર્યા ગયા હતા, જેમાં 1,601 બાળકોનો સમાવેશ થાય છે. માનવતા પરના કલંક એવા 'સ્નાઇપર સફારી'ના આ ભયાનક પ્રકરણનું સત્ય દુનિયા સામે આવે અને દોષિતોને સજા થાય એ સમયની માંગ છે.

