Get The App

140 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જાપાનમાં કોઈ મહિલા વડાપ્રધાન બનશે, સાને તાકાઈચીના નામને મંજૂરી

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
140 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર જાપાનમાં કોઈ મહિલા વડાપ્રધાન બનશે, સાને તાકાઈચીના નામને મંજૂરી 1 - image


Sanae Takaichi Will Become Japan's First  Female PM:  જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીનાને પસંદ કર્યા છે. તાકાઈચીનાએ કૃષિ મંત્રી શિંજિરો કોઈઝુમીને કાંટાની ટક્કરમાં હરાવી દીધા છે. આ જીત સાથે તાકાઈચીનાનો દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. સંસદમાં આગામી અઠવાડિયે થનારા મતદાનમાં LDP-કોમેઈતો ગઠબંધનને બહુમતી મળતાં તેમની નિમણૂક નિશ્ચિત માનવામાં આવી રહી છે.

એલડીપીના કુલ પાંચ ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં

પ્રથમ રાઉન્ડના મતદાનમાં તાકાઈચીનાને 183 અને કોઈઝુમીને 164 મત મળ્યા. પરંતુ કોઈને પણ સંપૂર્ણ બહુમતી ન મળતા તાત્કાલિક બીજા રાઉન્ડના રનઓફનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાકાઈચીનાએ જીત પ્રાપ્ત કરી. આ નિર્ણય એલડીપીના સાંસદો અને લગભગ દસ લાખ નોંધાયેલા સભ્યોના મતોના આધારે થયો. એલડીપીના કુલ પાંચ ઉમેદવારોને આ ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં બે વર્તમાન મંત્રીઓ અને ત્રણ પૂર્વ મંત્રી સામેલ હતા. શરુઆતના રાઉન્ડમાં પ્રમુખ દાવેદારોમાં તાકાઈચીના, કોઈઝુમી અને મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હાયાશીનું નામ સૌથી આગળ માનવામાં આવી રહ્યું હતું. 

જાપાનમાં પહેલીવાર કોઈ મહિલા વડાપ્રધાન બનશે

તાકાઈચીના પાર્ટીના અલ્ટ્રા-રૂઢિચુસ્ત જૂથમાંથી આવે છે. જો તેઓ ઑક્ટોબરના મધ્યમાં સંસદીય મતદાનમાં બહુમતી મેળવે છે, તો તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બની જશે. બીજી તરફ તેમના હરીફ કોઈઝુમી જો ચૂંટાય, તો તેઓ એક સદી કરતાં વધુ સમયમાં જાપાનના સૌથી યુવા વડાપ્રધાન બનશે.

શિગેરુ ઈશિબાનું રાજીનામું

જુલાઈમાં થયેલી સંસદીય ચૂંટણીમાં પાર્ટીની ઐતિહાસિક હારની જવાબદારી લેતા વર્તમાન વડાપ્રધાન શિગેરુ ઈશિબાએ સપ્ટેમ્બરમાં રાજીનામું આપી દીધું હતું. ઈશિબાએ ઑક્ટોબર 2024માં પદ સંભાળ્યું હતું, પરંતુ ઉપલા અને નીચલા ગૃહોમાં ગઠબંધન દ્વારા બહુમતી ગુમાવ્યા પછી પાર્ટીમાં વધતા અસંતોષને કારણે તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું. તાજેતરના સમયમાં LDPને સતત ચૂંટણી હારનો સામનો કરવો પડ્યો છે અને સંસદના બંને ગૃહોમાં લઘુમતીમાં પહોંચી ગઈ છે. હવે પાર્ટી એવા નેતાને સામે લાવવા માગે છે જે જનતાનો વિશ્વાસ પાછો મેળવી શકે અને વિપક્ષના સહયોગથી નીતિઓને લાગુ કરી શકે.

આ પણ વાંચો: પ્રદેશ પ્રમુખ મારી ઓળખ નથી, ભાજપનો કાર્યકર્તા મારી ઓળખ છે: જગદીશ પંચાલ

નિષ્ણાતોનું માનવું છે કે બધા ઉમેદવારોએ જાણી જોઈને વિભાજનકારી સામાજિક મુદ્દાઓ જેમ કે, લિંગ સમાનતા, જાતીય વિવિધતા અને ઐતિહાસિક વિવાદો પર ખુલ્લેઆમ ચર્ચા કરવાનું ટાળ્યું હતું. તેના બદલે તેઓએ ફુગાવાને નિયંત્રિત કરવા, વેતન વધારવા, સંરક્ષણ અને અર્થતંત્રને મજબૂત બનાવવા અને વિદેશી કામદારો પર કડક નિયંત્રણો જેવા મુદ્દાઓ પર પ્રચાર કર્યો હતો.

નવા વડાપ્રધાન સામે આ પડકાર

નવા વડાપ્રધાન સામે તાત્કાલિક પડકાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત શિખર સંમેલન હશે, જેમાં સંરક્ષણ ખર્ચ વધારવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. આ બેઠક ઑક્ટોબરના અંતમાં દક્ષિણ કોરિયામાં એશિયા-પેસિફિક આર્થિક સહકાર (APEC) સમિટ પહેલાં થવાની સંભાવના છે.

કોણ હતા જાપાનના પહેલા વડાપ્રધાન? 

જાપાનમાં પ્રથમ વડાપ્રધાન ઇટો હિરોબુમી હતા, જેઓ 22 ડિસેમ્બર, 1885ના રોજ આ પદ પર નિયુક્ત થયા હતા. તેમની નિયુક્તિ જાપાનના આધુનિક કેબિનેટ પ્રણાલીની શરુઆતને ચિહ્નિત કરે છે, જેને આંતરિક કેબિનેટ સિસ્ટમ (Naikaku) કહેવામાં આવે છે, જે 1885માં સ્થાપિત કરવામાં આવી હતી.

Tags :