Get The App

જાપાનની પ્રથમ મહિલા પીએમ બની રહેલી સનાએ તાકાઇચી, રુઢિવાદ અને આધુનિકતાનો અનોખો સંગમ

તાકાઇચીને કેટલાક જાપાનની આયરન લેડી માને છે

જાપાનને પ્રથમ મહિલા પીએમ મળે તેનો રસ્તો સાફ થઇ ગયો છે

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
જાપાનની પ્રથમ મહિલા પીએમ બની રહેલી  સનાએ  તાકાઇચી, રુઢિવાદ અને આધુનિકતાનો અનોખો સંગમ 1 - image

ટોકયો, 10 ઓકટોબર,2025,ગુરુવાર 

જાપાનની સત્તાધારી પાર્ટીના રુઢિવાદી નેતા સનાએ તાકાઇચીએ પોતાના નવા પ્રમુખ તરીકે ચુંટયા છે. આથી જાપાનને પ્રથમ મહિલા પીએમ મળે તેનો રસ્તો સાફ થઇ ગયો છે. જાપાનના પૂર્વ વડાપ્રધાન અને સત્તાધારી પાર્ટીના પ્રભાવશાળી નેતા,તારો અસોએ સમર્થન આપતા તાકાઇચી માટે વડાપ્રધાન બનવાની ઉજળી તક ઉભી થઇ છે. તાકાઇચી જો વડાપ્રધાન બનશે તો અસોને ઉપ વડાપ્રધાનનું પદ આપી શકે છે. દેશમાં લોકોના સતત ઘટી રહેલા જીવન ધોરણ અને વધતા જતા પ્રવાસનના મુદ્વે તાકાઇચીની પાર્ટી એલડીપી પોતાનો પ્રભાવ ગુમાવી રહી છે. બીજા વિશ્વયુધ્ધ પછી સૌથી વધુ સમય આ પાર્ટીએ જાપાન પર શાસન કર્યુ છે.

આ રાજકીય પક્ષના અનેક મુખ્ય નેતાઓ કૌભાંડમાં ફસાયેલા છે. આ એક મહત્વનું કારણ છે કે જેના લીધે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વર્તમાન પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ સંસદના બંને ગૃહમાં પોતાની બહુમતિ ગુમાવી હતી.આથી પાર્ટીને આશા છે કે સનાઇ તાકાઇચીની અધ્યક્ષતામાં પાર્ટી ઘટતી જતી લોકપ્રિયતાને બચાવી શકશે. તાકાઇચીએ દેશને એકતા ના પંથે લઇ જઇને પાર્ટીને પણ મજબૂત કરવાનું વચન આપ્યું છે. ઔપચારિક રીતે ૧૫ ઓકટોબરના રોજ વડાપ્રધાનની પસંદગી માટે મતદાન કરવામાં આવશે. ૬૪ વર્ષની સનાઇ તાકાઇચી અનેક વાર કેબિનેટ મંત્રી રહી ચુકી છે. તે પોતાને શિંજો આબેની ઉત્તરાધિકારી માને છે. શિંજોના રાષ્ટ્રવાદી અને વિકાસ તરફની નીતિઓને આગળ વધારવાની વાત કરે છે.

જાપાનની પ્રથમ મહિલા પીએમ બની રહેલી  સનાએ  તાકાઇચી, રુઢિવાદ અને આધુનિકતાનો અનોખો સંગમ 2 - image

 તાકાઇચીને  કેટલાક જાપાનની આયરન લેડી માને છે. પોતાને પણ આયરન લેડીની ઓળખ ગમે પણ છે. જો કે તે રુઢિવાદી નીતિઓના કારણે ટીકાનો ભોગ પણ બનતી રહી છે. તેના વિરોધીઓ તાલિબાન તાકાઇચી તરીકે પણ સંબોધે છે. વર્ષ ૨૦૦૪માં તેણે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની ભૂમિકાને યોગ્ય ગણવા પ્રયાસ કર્યો હતો. જાપાની ધ્વજના માન સન્માન માટે કડક નિયમોની પણ પેરવી કરી હતી. શિંજો આબેનો સૂરજ તપતો હતો ત્યારે જાપાનની ગૃહમંત્રી તરીકે અનેક ટીવી ચેનલોને સરકાર કહે એ મુજબ ચાલવાની ધમકી આપી હતી.

સરકારને અનૂકૂળ હોય તેવો એજન્ડા નહી ચલાવો તો લાયસન્સ રદ્ કરી નાખવાની પણ ચેતવણી નો સમાવેશ થતો હતો. તાકાઇચી મહિલાઓ અને લૈગિંક સમાનતાને લઇને જરી પુરાણા વિચારો ધરાવે છે. શાહી પરિવારમાં  તે માત્ર પુરુષોના જ ઉત્તરાધિકારને સમર્થન આપે છે. લાંબા સમયથી ચાલતી વેતન સમાનતાની ચર્ચાને પરંપરાગત પારિવારિક મૂલ્યો માટે ખતરો સમજે છે. તાકાઇચી પોતાની પાર્ટીની લોકપ્રિયતાને જાળવી રાખવા માટે દક્ષિણપંથી મતદાતાઓને આકર્ષવા પ્રયાસ કરી રહી છે. તેમને કેટલીક પ્રાથમિકતા નકકી કરી છે જેમાં પેટ્રોલ ટેકસ હટાવવાનો તથા આર્મીને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે ત્રિપક્ષિય ગઠબંધનની વકાલત કરે છે.

જાપાનની પ્રથમ મહિલા પીએમ બની રહેલી  સનાએ  તાકાઇચી, રુઢિવાદ અને આધુનિકતાનો અનોખો સંગમ 3 - image

વિદેશનીતિ બાબતે ટ્રમ્પ પ્રશાસનના નિવેશ અને ટેરિફ સમજૂતી પર સહમતિના પ્રયાસ કરી રહી છે. તાકાઇચી કટ્ટરપંથી ગણાતી હોવા છતાં તેનું જીવન ફ્રિડમથી ભરપૂર રહયું છે. તે કોલેજમાં હતી ત્યારે ખૂબ શોખીન મોટર સાઇકલ રાઇડર હતી. તે મેનોપોઝના લક્ષણો બાબતે પુરુષોને શિક્ષિત કરવા માટે ભાર મુકતી હતી. તાકાઇચીએ ૪૩ વર્ષની ઉંમરે પાર્ટીના સદસ્ય તાકુ યામામોટો સાથે લગ્ન કર્યા હતા. યામામોટોના ત્રણેય સંતાનનો અપનાવી લીધા છે પરંતુ ખુદનું એક પણ સંતાન નથી.નવાઇની વાત એ છે કે ૨૦૧૭માં પતિ પત્ની એક બીજાથી અલગ થઇ ગયા હતા અને ૨૦૨૧માં બંનેએ ફરીથી લગ્ન કર્યા હતા. પ્રથમ લગ્નમાં પતિની અટક અપનાવી હતી જયારે બીજા લગ્નમાં પતિએ પત્નીની અટક અપનાવી છે.