- નરેન્દ્ર મોદીએ શોક સંદેશામાં લખ્યું : 'ભારત સરકાર અને ભારતની જનતા વતી પણ સહાનુભૂતિ સ્વીકારશો : તેઓનું દર્શન બંને દેશોની ભાગીદારી વિકસાવવામાં માર્ગદર્શક બનશે'
ઢાકા : બાંગ્લાદેશનાં જન્નત-નશીન પૂર્વ વડાપ્રધાન, ખાલેદા ઝીયાની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આજે (બુધવારે) ઢાકા પહોંચ્યા હતા. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શોક-સંદેશો ખાલેદા ઝિયાના પુત્ર તારિક રહેમાનને આપ્યો હતો.
વડાપ્રધાન મોદીએ તેઓના શોક સંદેશામાં લખ્યું હતું કે, 'ભારત સરકાર અને ભારતની જનતા વતી મારી ખાસ સહાનુભૂતિ સ્વીકારશો. તેઓનું દર્શન અને તેઓનાં મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારી વિકસાવવામાં માર્ગદર્શક બની રહેશે.'
ખાલેદા ઝિયા બાંગ્લાદેશનાં સૌથી પહેલા મહિલા વડાપ્રધાન હતાં. તેઓ ૮૦ વર્ષની વયે લાંબી બિમારી બાદ નિધન પામ્યાં. તેઓને કીડની, ફેફસાં અને હૃદયની તથા આંખોની પણ તકલીફ થઈ ગઈ હતી.
મંગળવારે તેઓનું નિધન થયું ત્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના પુત્ર અને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા તારિક રહેમાનને ફોન કરી પોતાની સહાનુભૂતિ દર્શાવી હતી.
ખાલેદા ઝિયાની અંતિમ વિધિ સમયે હજારો લોકો ઉપસ્થિત હતા. ભારત વતી વિદેશમંત્રી એસ. જયશંકર પણ ઉપસ્થિત હતા. વિદેશી મહાનુભાવોમાં ઢાકા પહોંચનાર તેઓ સૌથી પહેલા હતા.
ઉલ્લેખનીય છે કે, ખાલેદા ઝીયાના શાસનમાં ભારત સાથે બાંગ્લાદેશના સંબંધો બહુ સારા ન હતા. તેમ છતાં તેઓની અંતિમવિધિ સમયે નરેન્દ્ર મોદીએ ભારતના એક વરિષ્ઠ મંત્રીને મોકલી સંબંધો સુધારવા તરફ પગલું ભર્યું છે. જે તેઓની 'એક્ટ-ઇસ્ટ' પોલીસના ભાગરૂપે છે.


