H1B વિઝા અને ટેરિફ વિવાદ વચ્ચે જયશંકર અને રૂબિયોની બેઠક, ભારત-અમેરિકા સંબંધો પર વાતચીત
અમેરિકાના H1B વિઝા ફીમાં મોટો વધારો અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રૂબિયો સાથે આજે(22 સપ્ટેમ્બર) મુલાકાત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)ની 80મી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બંનેએ ન્યૂયોર્ક પેલેસ હોટલમાં સોમવાર રાત્રે (ભારતીય સમય અનુસાર) મુલાકાત કરી હતી.
આ બેઠકને ભારત અને અમેરિકાના સંબંધોમાં નવેસરથી વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને વેપાર તણાવ ઘટાડવા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા અનેક મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ મજબૂત કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે.
જુલાઈ પછીની પહેલી બેઠક
આ બેઠક પહેલા જયશંકર અને રુબિયો છેલ્લે જુલાઈમાં વોશિંગ્ટન ડીસીમાં મળ્યા હતા. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની આ બેઠક દરમિયાન પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા માટે એક ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. જયશંકર રવિવારે ન્યૂયોર્ક પહોંચ્યા. તેઓ અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. 27 સપ્ટેમ્બરે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્લેટફોર્મ પરથી ભારત વતી ભાષણ પણ આપશે.
બંને દેશો વચ્ચે આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા
ન્યૂયોર્કમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટો અંગે બંને પક્ષો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 28 ઓગસ્ટથી રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો હતો. આનાથી ભારત પર કુલ ટેરિફ 50% થયો છે. આ નિર્ણય બાદ બંને વિદેશ મંત્રીઓ પ્રથમવાર સામ-સામે મુલાકાત માટે મળ્યા હતા. ટ્રમ્પની ટેરિફ નીતિઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં તણાવ વધાર્યો હતો. તેથી, એવું માનવામાં આવે છે કે ટેરિફનો મુદ્દો પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચાનો એક મહત્ત્વપૂર્ણ વિષય રહેશે.