- રશિયાએ 598 ડ્રોન અને 31 મિસાઇલ છોડી : 48 ઘાયલ
- અમેરિકાના નેતૃત્ત્વમાં શાંતિ પ્રયાસો સફળ ન થવાની વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહોમાં કીવ પર રશિયાનો પ્રથમ મોટો હુમલો
કીવ : રશિયાએ આજે વહેલી સવારે યુક્રેનની રાજધાની કીવ પર ડ્રોન અને મિસાઇલથી મોટો હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયા છે અને અન્ય ૪૮ ઘાયલ થયા છે તેમ સ્થાનિક અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અમેરિકાના નેતૃત્ત્વમાં શાંતિ પ્રયાસો સફળ ન થવાની વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહોમાં આ કીવ પર રશિયાનો પ્રથમ મોટો હુમલો છે. યુક્રેનની વાયુસેના અનુસાર રશિયાએ સમગ્ર દેશમાં ૫૯૮ ડ્રોન અને વિભિન્ન પ્રકારની ૩૧ મિસાઇલ છોડી હતી. જેના કારણે આ હુમલો યુદ્ધના સૌથી મોટા હુમલાઓ પૈકીનો એક બની ગયો હતો. કીવ શહેર વહીવટી તંત્રના પ્રમુખ તૈમુર ત્કાચેંકોએ જણાવ્યું હતું કે મૃતકોમાં બે ૧૪ અને ૧૭ વર્ષની સગીરા પણ સામેલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે કારણકે બચાવ દળ કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યું છે. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ હુમલા પછી જણાવ્યું હતું કે રશિયા મંત્રણાના ટેબલને બદલે બેલેસ્ટિક હથિયારોની પસંદગી કરે છે. અમે વિશ્વના એ તમામ લોકો પાસે પ્રતિક્રિયાની આશા રાખીએ છીએ જેમણે શાંતિની અપીલ કરી હતી. પરંતુ હવે સૈદ્ધાંતિક વલણ અપનાવવાને બદલે મોટે ભાગે ચુપ રહે છે. રશિયના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે સમગ્ર રાત્રિ દરમિયાન યુક્રેનના ૧૦૨ ડ્રોન તોડી પાડયા હતાં. મોટા ભાગના ડ્રોન દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં તોડી પાડવામાં આવ્યા હતાં.
શાંતિ સ્થાપિત કરવાના રાજદ્વારી પ્રયાસો ઠપ
કીવ : પશ્ચિમ નેતાઓએ પુતિન પર શાંતિ પ્રયાસો અંગે ગંભીર ન હોવાનો અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવાથી બચવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ રશિયન સૈનિક યુક્રેનની અંદર સુધી પ્રવેશ કરી રહ્યાં છે.
ચાલુ સપ્તાહે રશિયન સેનાએ સ્વીકાર કર્યો છે કે તે યુક્રેનના આઠમા વિસ્તારમાં ઘુસી ગઇ છે જેથી યુક્રેનનો વધુમાં વધુ વિસ્તાર કબજે કરી શકાય. ઝેલેન્સ્કીને આશા છે કે જો પુતીન યુદ્ધ સમાપ્ત કરવા માટં ગંભીરતા દર્શાવતા નથી તો રશિયન અર્થતંત્રને નબળું બનાવવા માટે અમેરિકા વધુ કડક પ્રતિબંધો લગાવશે.


