પુતિને મંત્રીમંડળમાંથી હટાવ્યા બાદ રશિયાના દિગ્ગજ નેતાએ ગોળી મારી જીવન ટૂંકાવ્યું, ભ્રષ્ટાચારનો આરોપ હતો
Russian minister Roman Starovoyt shoots himself: રશિયાના ભૂતપૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આના થોડા કલાકો પહેલા જ તેમને સત્તાવાર રીતે બરતરફ કરી દીધા હતા. રશિયાની તપાસ સમિતિએ પુષ્ટિ કરી છે કે રોમન સ્ટારોવોયટે સોમવારે આત્મહત્યા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટારોવોયટનો મૃતદેહ મોસ્કો નજીકના એક શહેરમાં મળી આવ્યો હતો.
કારમાંથી મળ્યો મૃતદેહ
53 વર્ષીય સ્ટારોવોયટ મે 2024થી રશિયાના પરિવહન મંત્રી તરીકે સેવા આપી રહ્યા હતા. આ પહેલા પુતિને તેમને કુર્સ્ક પ્રદેશના ગવર્નર પણ બનાવ્યા હતા. રશિયાની તપાસ સમિતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આજે પૂર્વ પરિવહન મંત્રી રોમન સ્ટારોવોયટનો મૃતદેહ ઓડિન્સોવો જિલ્લામાં તેમની અંગત કારમાંથી મળી આવ્યો હતો. તેમના શરીર પર ગોળીઓના નિશાન હતા.' નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુનું મુખ્ય કારણ આત્મહત્યા હોવાનું માનવામાં આવે છે.
તેમના મૃત્યુના થોડા કલાકો પહેલા જ પદ છીનવી લેવામાં આવ્યું હતું
સ્ટારોવોયટના મૃત્યુના થોડા કલાકો પહેલા, ક્રેમલિનએ પુતિન દ્વારા હસ્તાક્ષરિત એક આદેશની જાહેરાત કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટારોવોયટને તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમાં કોઈ કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. આદેશમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે, 'રોમન સ્ટારોવોયટને પરિવહન મંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.'
આ પણ વાંચો: અમેરિકામાં વરસાદી આફત: ટેક્સાસમાં 28 બાળકો સહિત 100થી વધુના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
પુતીને શા માટે તેમને બરખાસ્ત કર્યા?
ગયા અઠવાડિયે યુક્રેનિયન ડ્રોન હુમલા બાદ રશિયન એરપોર્ટ પર થયેલી અંધાધૂંધી બાદ સ્ટારોવોયટને બરતરફ કરવામાં આવ્યા હોવાની અટકળો ચાલી રહી છે. રશિયન મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કુર્સ્ક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર સંબંધિત સંભવિત ગુનાહિત કેસોને કારણે પુતિને સ્ટારોવોયટને તેમના પદ પરથી હટાવી દીધા છે. જોકે, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આવી અટકળોને ફગાવી દીધી હતી.