ભારત અને ચીનના સંબંધોમાં તિરાડ પાડવા પશ્ચિમી દેશોનો પ્રયાસ: રશિયાના વિદેશમંત્રીનો દાવો
India-China ties : વારંવાર પાકિસ્તાનનો સાથ આપનારા ચીન સાથે ભારતના સંબંધો અત્યંત જટિલ રહ્યા છે. ભારત સાથે ચીનનો અબજો રૂપિયાનો વેપાર થાય છે છતાં ચીને પાકિસ્તાનનો સાથ આપવાનું પસંદ કર્યું. એવામાં હવે રશિયાનું માનવું છે કે પશ્ચિમી દેશોના કારણે ભારત અને ચીનના સંબંધો વણસી રહ્યા છે.
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પશ્ચિમી દેશો ભારત અને ચીન વચ્ચે તણાવ પેદા કરવા માટે ષડયંત્ર રચી રહ્યા છે. પશ્ચિમી દેશો 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિના આધારે બંને દેશોના સંબંધોમાં તિરાડ પાડવા માંગે છે. આ નીતિ વિશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ અગાઉ ઉલ્લેખ કર્યો હતો.
લાવરોવે કહ્યું છે, કે પશ્ચિમી દેશોની ચીન વિરોધી નીતિ સ્પષ્ટ થઈ ગઈ છે. અમારા ગાઢ મિત્રો ભારત અને ચીન વચ્ચે તિરાડ પડવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે. પશ્ચિમી દેશો ASEANને નબળું પડવા માંગે છે જેથી સાઉથ-ઈસ્ટ એશિયામાં પોતાનું પ્રભુત્વ વધારી શકે.
શું છે આ ASEAN?
ASEAN એક દેશોનો સમૂહ છે જેમાં ઈન્ડોનેશિયા, થાઇલૅન્ડ, બ્રૂનેઈ, મ્યાનમાર, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, કંબોડિયા, લાઓસ અને વિયેતનામનો સમાવેશ થાય છે. આ સમૂહની સ્થાપના 1967માં થઈ હતી અને તેનું હેડક્વાર્ટર જકાર્તામાં છે.