Get The App

રશિયા VS અમેરિકા: યુદ્ધ થાય તો કયો દેશ જીતે? જાણો કોની પાસે કેટલા ઘાતક હથિયાર

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
Nuclear war Russia vs America


What If Russia and America Go to Nuclear War? : છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલું યુક્રેન-રશિયા યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સમજાવટ છતાં રશિયાના પુટિન યુદ્ધનો અંત નથી લાવી રહ્યા. જેને લીધે ટ્રમ્પ રશિયા પર બગડ્યા છે અને જાતભાતના પ્રતિબંધોની ધમકી આપ્યા કરે છે. ન કરે નારાયણને અમેરિકા-રશિયા વચ્ચેનો તણાવ યુદ્ધમાં પરિણમે અને પરમાણુ હુમલા સુધી પહોંચી જાય તો કયો દેશ જીતે? અમેરિકા રશિયા પર ભારે પડે કે રશિયા અમેરિકાનો ઘડો લાડવો કરી નાંખે? પ્રશ્નનો જવાબ મેળવવા માટે બંને દેશ પાસે કેવા અને કેટલા પરમાણુ શસ્ત્રો છે એ જાણવું પડશે. 

પરમાણુ હથિયારોની સંખ્યાને મામલે રશિયાનું પલ્લું ભારે છે

અમેરિકા પાસે અંદાજે 5,428 ન્યુક્લિયર હથિયાર છે, જેમાંથી આશરે 1,644 તૈનાત સ્થિતિમાં છે. રશિયા પાસે અંદાજે 5,580 પરમાણુ હથિયાર છે, જેમાંથી 1,710 જેટલા મિસાઇલ, બોમ્બર્સ જેટ અને સબમરીનમાં હુમલો કરવા માટે તૈયાર રખાયેલા છે. બાકી હથિયારો અનામત અથવા નિવૃત્ત કરાયેલા છે. આમ, તૈનાત પરમાણુ હથિયારોને મામલે રશિયાનું પલ્લું ભારે છે. અલબત્ત, અમેરિકાના શસ્ત્રો રશિયાના શસ્ત્રો કરતાં વધુ આધુનિક છે. 

મિસાઇલ બાબતે શી સ્થિતિ છે?

કોઈપણ પ્રકારના યુદ્ધમાં મિસાઇલની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે. પરમાણુ યુદ્ધમાં તો એનું મહત્ત્વ ઔર વધી જાય છે. બંને દેશોની મિસાઇલ પર નજર કરીએ.

રશિયાની મિસાઇલ સુપર શક્તિશાળી છે

- RS-28 સરમત: 18,000 કિમી સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી આ હાઇપરસોનિક મિસાઇલની ઝડપ 24,500 કિમી/કલાક સુધી જઈ શકે છે. 

- RS-24 યાર્સ: 12,000 કિમી સુધી મારક ક્ષમતા ધરાવતી આ મિસાઇલ આશરે 200 કિલોટનનો વિસ્ફોટ કરવાની ક્ષમતા ધરાવે છે. રશિયા પાસે 63 મોબાઇલ મિસાઇલ લૉન્ચર અને 10 સિલો લૉન્ચરનો જથ્થો છે.

Nuclear war Russia vs America

AI તસવીર : ENVATO

અમેરિકાની મિસાઇલ અત્યાધુનિક છે 

- મિનિટમેન III: 10,000 કિમી સુધીની પહોંચ ધરાવતી આ મિસાઇલ 28,200 કિમી/કલાકની ઝડપ પ્રાપ્ત કરી શકે છે. તેમાં 475 કિલોટન વોરહેડ લગાડી શકાય છે.

- સેન્ટિનેલ ICBM: તાજેતરની પેઢીની આ ઇન્ટરકોન્ટિનેન્ટલ (આંતરખંડીય) મિસાઇલ અંતરિક્ષમાં રહેલા સેટેલાઇટને પણ ભેદી શકે છે.

રશિયાની મિસાઇલ શક્તિશાળી છે, પણ તેની અમુક ટૅક્નોલૉજી હાલના ધોરણો પ્રમાણે થોડી પછાત માનવામાં આવે છે. અમેરિકાની મિસાઇલ વધુ આધુનિક ટૅક્નોલૉજી ધરાવે છે. ચોકસાઈ અને ઉપગ્રહ આધારિત માર્ગદર્શનમાં તે સર્વોપરિ ગણાય છે.

કોની સબમરીન વધુ ઘાતક છે?

બંને દેશ પરમાણુ શક્તિથી સજ્જ સબમરીનો ધરાવે છે. અમેરિકા પાસે ઓહાયો ક્લાસની અને રશિયા પાસે યુરી ડોલ્ગોરુકી જેવી ખતરનાક સબમરીનો છે. સબમરીનને મામલે બંને દેશ બરોબરીયા છે એમ કહી શકાય.

કોનો પરમાણુ બોમ્બ વધારે વિનાશકારી છે?

પરમાણુ બોમ્બની તાકાત મેગાટન (એટલે કે લાખો ટન TNT) એકમમાં માપવામાં આવે છે. વિશ્વના સૌથી વિનાશક પરમાણુ બોમ્બ પર એક નજર નાંખીએ.

- ઝાર બોમ્બ: રશિયાનો આ પરમાણુ બોમ્બ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી તીવ્ર બોમ્બ ગણાય છે. 50 મેગાટનનો આ બોમ્બ હિરોશિમા પર ફેંકાયેલા બોમ્બ કરતાં લગભગ 3300 ગણો શક્તિશાળી છે. જોકે, તેને નિવૃત્ત કરી દેવાયો છે, છતાં તેનો ડર હજુ પણ છે. 

- B-41: 25 મેગાટન શક્તિ ધરાવતો અમેરિકાનો આ હાઇડ્રોજન બોમ્બ 1960ના દાયકામાં વિકસાવવામાં આવ્યો હતો. આજે તેનો ઉપયોગ મિસાઇલ સિસ્ટમમાં સંયોજિત રૂપે થાય છે.

પરમાણુ બોમ્બ તાકાતમાં રશિયા આગળ છે, પણ અમેરિકાના પરમાણુ બોમ્બની ચોકસાઈ અને વ્યવહારિક શક્તિ વધુ ગણાય છે.

પરમાણુ યુદ્ધ થાય તો કોણ જીતે? 

અમેરિકા અને રશિયા બંને બરોબરની પરમાણુ શક્તિ ધરાવતા હોવાથી યુદ્ધ બેમાંથી કોઈના લાભમાં રહે એમ નથી. બંને પૈકી કોઈ નહીં જીતે, બંનેના ફાળે હાર જ આવશે, કેમ કે વિનાશ સર્વવ્યાપી હશે. બે આખલા લડે એમાં ઝાડનો ખો નીકળે એમ બે મહાસત્તાઓ વચ્ચે સળગેલા પરમાણુ યુદ્ધની આગમાં વિશ્વના અન્ય દેશો પણ હોમાઈ જશે. પરમાણુ હુમલો થયો તો એક જ દિવસમાં બંને દેશના 10થી 20 કરોડ લોકો મૃત્યુ પામે એમ બને. બચેલા પૈકીના કરોડો વિકિરણો અને ભૂખથી માર્યા જશે. મહાવિનાશક યુદ્ધને પાપે પૃથ્વીનું વાતાવરણ વર્ષો સુધી પ્રદૂષિત રહેશે જે માનવજાતને પહેલીવાર કાતિલ ‘પરમાણુ શિયાળા’નો અનુભવ કરાવશે. 

Tags :