Get The App

યુક્રેનને ટૉમ-હૉક મિસાઈલ્સ આપશો તો રશિયા-યુ.એસ. સંબંધો તૂટી જશે : પુતિન

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેનને ટૉમ-હૉક મિસાઈલ્સ આપશો તો રશિયા-યુ.એસ. સંબંધો તૂટી જશે : પુતિન 1 - image

ટૉમ-હૉક મિસાઈલ અમેરિકી સૈનિકોની સહાય સિવાય વાપરી શકાય તેમ નથી

અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન મંત્રણા પછી બે મહીને રશિયાના પ્રમુખે અમેરિકાના પ્રમુખને ધમકી આપી

મોસ્કો: રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને ગર્ભિત ધમકી આપતાં કહ્યું હતું કે જો યુક્રેનને રશિયામાં છેક અંદર સુધી પ્રહારો કરી શકે તેવા પ્રબળ ટૉમ-હૉક મિસાઈલ્સ આપશો તો રશિયા-અમેરિકા સંબંધો તૂટી જશે.

આલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી શાંતિ-મંત્રણાને હજી બે મહિના પણ પૂરા નથી થયા ત્યાં રશિયાના પ્રમુખે એક તરફ ગર્ભિત ધમકી આપી દીધી તો બીજી તરફ રશિયાનાં દળો, યુક્રેનમાં આગળ વધી રહ્યાં છે. રશિયન-ડ્રોન્સ નાટો દેશોની આકાશ સીમામાં ઘૂસી રહ્યાં છે, તો બીજી તરફ પ્રમુખ ટ્રમ્પ વિશ્વની સૌથી પ્રચંડ પરમાણુ સત્તાના પ્રદેશમાં અંદર ઘુસી ઘા કરવામાં સીધા ભાગીદાર થવા તૈયાર થયા છે. બીજી તરફ પ્રમુખ ટ્રમ્પે રશિયાને પેપર-ટાઈગર કહેવા સાથે યુક્રેનને તાબે કરવામાં રશિયાની નિષ્ફળતા અંગે કટાક્ષ કર્યા હતા. આ સામે પુતિને ગત સપ્તાહે વળતા પ્રહારો કરતાં કહ્યું હતું કે, તો પછી (યુક્રેનમાં) રશિયાની અવિરત કૂચ ચાલુ રાખવામાં નિષ્ફળ ગયેલું અમેરિકા અને નાટો પેવર ટાઈગર્સ જ છે.

ગયા મહિને અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે કહ્યું હતું કે મોસ્કો સહિત રશિયામાં ઊંડે સુધી પ્રહાર કરી શકે તેવાં ટૉમ-હૉક મિસાઈલ્સ આપવાની યુક્રેનની માગણી વિષે અમે વિચારીએ છીએ. જો કે હજુ તે સ્પષ્ટ નથી કે અમેરિકા તે મિસાઈલ્સ યુક્રેનને આપશે કે કેમ ? આ પછી પ્રમુખ પુતિને કહ્યું હતું કે ધીમે ધીમે બંને દેશો વચ્ચે રચનાત્મક પ્રહારો શરૂ થયા હતા ત્યાં જ આ પ્રકારનાં વિધાનો અને આ પ્રકારનું વલણ બંને દેશો વચ્ચેના સંબંધો તોડી નાખશે.

વૉલ સ્ટ્રીટ જર્નલે ગત સપ્તાહે જણાવ્યું હતું કે અમેરિકા, યુક્રેનને રશિયાના અંદરના વિસ્તારોમાં રહેલા તેનાં એનર્જી ઈન્ફ્રા સ્ટ્રકચર વિષે માહિતી આપશે. જેથી યુક્રેન તેની ઉપર ધાર્યાં નિશાન લઈ તે તોડી પાડી શકે.

વૉલ સ્ટ્રીટ જર્નલે વધુમાં જણાવ્યું હતું કે આ માહિતી બે ઉચ્ચ અધિકારીઓએ જર્નલ (અમને) આપી હતી.

ટૉમ-હૉક મિસાઈલ્સની રેન્જ ૨૫૦૦ કિ.મી. (૧૫૫૦ માઈલ)ની છે તે દ્વારા યુક્રેન મોસ્કો સહિત સમગ્ર યુરોપીય રશિયામાં ધારે તે સ્થળે અચૂક પ્રહારો કરી શકે તેમ છે. આ અંગે પુતિને કહ્યું હતું કે આ ટૉમ-હૉક મિસાઈલ્સ અમેરિકાના તાલિમબદ્ધ સૈનિકોની સહાય સિવાય વાપરી શકાય તેમ નથી. આથી યુક્રેનને જો તે મિસાઈલ્સ અપાશે તો સંબંધોમાં મૂળભૂત પરિવર્તન આવી જશે. ટૉન-હૉક રશિયાને નુકસાન તો કરી જ શકે. પરંતુ તે પૈકીનાં અનેકને તો માર્ગમાં જ તોડી પાડવામાં આવશે.

બીજી વાત આ સાથે સ્પષ્ટ થાય છે ટૉમ-હૉક મિસાઈલ્સ વાપરવા માટે અમેરિકી સૈનિકો યુક્રેનમાં જાય - જવું જ પડે તો તેનો અર્થ તે થયો કે અમેરિકા યુક્રેન યુદ્ધમાં સીધી રીતે સંડોવાઈ જાય.

રશિયાને વાંધો તે છે કે મૂળભૂત રીતે જે વિસ્તારો રશિયાના સ્ફીયર ઓફ ઈનફયુઇન્સમાં હતા (પૂર્વ યુરોપ) ત્યાં નાટો ઘૂસી ગયું છે. બીજી તરફ પશ્ચિમ યુરોપના દેશોના નેતાઓ રશિયાની ગતિવિધી સંસ્થાવાદી કહી રશિયાને પરાજિત કરવા શપથબદ્ધ છે. તેઓ કહે છે કે રશિયા પછી નાટો સભ્યો ઉપર આક્રમણ કરશે રશિયા આવા આક્ષેપોને નકારી કાઢે છે.