EUના પ્રમુખના વિમાનનું GPS જામ, બલ્ગેરિયામાં ઈમરજન્સી લેન્ડિંગ; રશિયાનો હાથ હોવાનો આરોપ
Ursula Von Der Visit Bulgaria : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વૉન ડેર લેયેન વિમાનમાં જઈ રહ્યા હતા, ત્યારે વિમાનમાં અચાનક ખામી સર્જાઈ છે. રિપોર્ટ મુજબ, વિમાનનું જીપીએસ સિસ્ટમ અચાનક બંધ થઈ ગયું હતું, જેના કારણે પાયલટે તાત્કાલીક જૂની પદ્ધતિ અપનાવી એટલે કે કાગળના નકશાની મદદથી ફ્લાઈટને ઈમરજન્સી બલ્ગેરિયામાં લેન્ચ કર્યું છે.
રશિયાએ વિમાનમાં ખામી ઉભી કર્યાનો આક્ષેપ
અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે, રશિયાએ જાણીજોઈને વિમાનમાં ખામી ઉભી કરી હોઈ શકે છે. યુરોપિયન સંઘના પ્રવક્તાએ કહ્યું કે, ફ્લાઈટનું જીપીએસ સિસ્ટમ અચાનક જામ થઈ ગયું હતું. જોકે વિમાનનું બલ્ગેરિયાના પ્લોવદીવ શહેરમાં સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે.
‘કોઈએ જાણીજોઈને ફ્લાઈટમાં ખામી ઉભી કરી’
બલ્ગેરિયાના અધિકારીઓએ તપાસ બાદ કહ્યું કે, ‘વિમાનમાં સર્જાયેલી ખામી સાધારણ ન હતી, કોઈએ જાણીજોઈને ફ્લાઈટમાં ખામી ઉભી કરી હતી. બલ્ગેરિયાની સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે, ફ્લાઈટની જીપીએસ સિસ્ટમ બંધ કરવા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે. મીડિયા અહેવાલોમાં ત્રણ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જીપીએસ વગર જ ફ્લાઈટ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પાયલટે કાગળના નક્શાનો ઉપયોગ કરીને સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. બીજીતરફ મીડિયા અહેવાલોમાં એવું પણ કહેવાયું છે કે, ફ્લાઈટમાં ટેકનિકલ ખામી પાછળ રશિયાનો હાથ હોવાના દાવાના પુષ્ટી થઈ શકી નથી.
આ પણ વાંચો : 'ભારત સાથે રાજકારણ નહીં, વિશ્વાસનો સંબંધ', PM મોદી સાથેની બેઠકમાં પુતિનનું મોટું નિવેદન
ATCના સંપર્કમાં રહેવા માટે GPS ખૂબ જરૂરી
GPS ઉપગ્રહોના સિગ્નલ દ્વારા ફ્લાઇટનું ચોક્કસ સ્થાન નક્કી કરવામાં આવે છે. પાઇલટને સતત ખબર પડે છે કે પ્લેન ક્યાં છે અને તે કયા માર્ગ પર છે. પાઇલટ GPS ડેટાનો ઉપયોગ કરીને ફ્લાઇટના નિર્ધારિત રૂટને ચોક્કસપણે અનુસરી શકે છે. GPS ચોક્કસ સમયની માહિતી પૂરી પાડે છે, જે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેના સંકલન માટે જરૂરી છે. આ ઉપરાંત તેનાથી પ્લેનની ઊંચાઈ વિશે પણ સચોટ માહિતી મળે છે. GPS ફ્લાઇટને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવે છે. તે અકસ્માતનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે પાઇલટને ખરાબ હવામાન કે અન્ય અવરોધોને ટાળવા માટે ચોક્કસ માહિતી મળે છે.