Get The App

રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના ડ્રોન હુમલા, ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગથી ભારે નુકસાન

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના ડ્રોન હુમલા, ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગથી ભારે નુકસાન 1 - image

Image: IANS, FILE IMAGE


Ukraine Attack In Russia: યુક્રેને રવિવારે રાત્રે રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં બ્લેક સી પર સ્થિત રશિયન તુઆપ્સે પોર્ટને મોટું નુકસાન થયું છે. આ હુમલો એટલો ભીષણ હતો કે, રશિયન ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરીઓમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાન થયું હતું. રશિયન એર ડિફેન્સ યુનિટે દાવો કર્યો હતો કે, આ હુમલામાં અમે યુક્રેનના 164 ડ્રોન તોડી પાડ્યા હતા. યુક્રેને કરેલા ડ્રોન હુમલામાં રશિયન સેનાને ઓઈલનો પુરવઠો પહોંચાડતી મોસ્કો નજીકની એક મહત્ત્વની પાઈપલાઈનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. 

રશિયાના એક રીજનલ અધિકારીએ જણાવ્યું હતું કે, યુક્રેનના સતત ડ્રોન હુમલાના કારણે બ્લેક સી પર સ્થિત તુઆપ્સે ભીષણ આગની ઝપેટમાં આવ્યું હતું, જેનાથી પોર્ટને ભારે નુકસાન થયું છે. તુઆપ્સેની બહાર સ્થિત સોસ્રોવી ગામમાં ડ્રોનનો કાટમાળ પડતાં એક એપાર્ટમેન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જો કે, જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી.

યુક્રેનનો ટાર્ગેટ ઓઈલ ટર્મિનલ અને રિફાઈનરી

ક્રાસ્રોડારના સત્તાધીશોએ જણાવ્યું કે, ડ્રોનને હવામાં જ નષ્ટ કરાયા હતા, પરંતુ તેનો કાટમાળ જમીન પર પડતાં પોર્ટ પરની માળખાગત સુવિધાઓને પણ નુકસાન થયું છે. તુઆપ્સે ઓઈલ ટર્મિનલ અને રોસનેફ્ટ નિયંત્રિત તુઆપ્સે ઓઈલ રિફાઈનરીને યુક્રેન દ્વારા અવારનવાર ટાર્ગેટ કરાઈ રહી છે કારણ કે, અહીંથી રશિયન સેનાને મહત્ત્વની લોજિસ્ટિક મદદ મળે છે.  

સૈન્ય લોજિસ્ટિક્સને નષ્ટ કરવાનો પ્રયાસ

યુક્રેને ઈલેક્ટ્રિસિટી ગ્રીડ પર હુમલાનો બદલો લેવા રશિયાની ક્રૂડ રિફાઈનરી, ડેપો અને પાઈપલાઈન પર હુમલા વધાર્યા છે. આ હુમલાનો હેતુ રશિયાને ઓઈલ પુરવઠો પૂરો પાડતી પાઈપલાઈનને નુકસાન કરવાનો, રશિયન સેનાનું લોજિસ્ટિક્સ નેટવર્ક ખોરવી નાંખવાનો તેમજ રશિયાનો યુદ્ધ ખર્ચ વધારવાનો છે. 

રશિયાની બદલો લેવાની આક્રમક તૈયારી  

યુક્રેનના આ હુમલાનો રશિયા બદલો લેવાની આક્રમક તૈયારી કરી રહ્યું છે. ક્રાસ્રોડાર વહીવટી તંત્રે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર જણાવ્યું હતું કે, તુઆપ્સેમાં ડ્રોન હુમલાનો જવાબ આપવામાં આવી રહ્યો છે. આ હુમલો સૈન્યની કામગીરીને રોકવાનો એક ભાગ હતો. આ હુમલામાં હાલ કોઈ નુકસાનની માહિતી નથી. હજી સ્પષ્ટ થયું નથી કે, પોર્ટમાં ચોક્કસ કેટલું નુકસાન પહોંચ્યું છે.


રશિયાના તુઆપ્સે પોર્ટ પર યુક્રેનના ડ્રોન હુમલા, ઓઈલ ટર્મિનલ પર ભીષણ આગથી ભારે નુકસાન 2 - image