રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખતરનાક સ્તરે પહોંચ્યું પ્રદૂષણ, 175 દેશના વાર્ષિક કાર્બન ઉત્સર્જન કરતા પણ વધારે

Russia Ukraine War pollution: દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણની જાળવણી માટે ફટાકડા ન ફોડવા જોઈએ, એવી સલાહ આપનારાનો સોશિયલ મીડિયા પર રાફડો ફાટ્યો છે. સ્થાનિક સ્તરે વધેલા ભયાનક વાયુ પ્રદૂષણના કારણે આ વાત સાચી પણ છે. જો કે, દુનિયાની મહાસત્તાઓ યુદ્ધના કારણે ફેલાતા પ્રદૂષણ વિશે ક્યારેય ગળું ખોંખારીને નથી બોલતા. હકીકત તો એ છે કે, દિવાળીમાં ફેલાતા પ્રદૂષણ કરતાં અનેકગણું વધુ વાયુ પ્રદૂષણ યુદ્ધોને કારણે થાય છે. ફક્ત હવા જ નહીં, યુદ્ધની વિભિશિકા તો જળ અને જમીનને પણ ખરાબ રીતે પ્રદૂષિત કરી નાંખે છે. ચાલો સમજીએ કે યુદ્ધ જેવી માનવનિર્મિત આપત્તિ પર્યાવરણ માટે કેટલી ખતરનાક સાબિત થાય છે.
યુદ્ધ દ્વારા ફેલાતા પ્રદૂષણની કોઈને ચિંતા નથી
બે દેશ વચ્ચે યુદ્ધ થાય ત્યારે થતી જાનહાનિ વિશે વાતો થાય છે, બંને પક્ષે પડેલા આર્થિક ફટકાના આંકડા પણ બહાર પડે છે, પરંતુ પર્યાવરણીય નુકસાનની ખુલ્લેઆમ અવગણના થાય છે. યુદ્ધખોર દેશો ઘણી માહિતી ગુપ્ત રાખે છે, જેના કારણે સંશોધકો યુદ્ધને લીધે પર્યાવરણને થયેલા નુકસાનના સચોટ ડેટા એકત્રિત કરી શકતા નથી. તેઓ ડેટા એકત્રિત કરવા માટે યુદ્ધ પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી પણ કરી શકતા નથી. આમ છતાં ‘ધ ઇનિશિયેટિવ ઓન ગ્રીનહાઉસ ગેસ એકાઉન્ટિંગ ઓફ વોર’ (IGGAW) નામનું સંશોધન જૂથ આ દિશામાં કામ કરે છે.
રશિયા-યુક્રેન યુદ્ધઃ પર્યાવરણ પર કારમો ઘા
IGGAWનો અહેવાલ જણાવે છે કે, રશિયા-યુક્રેન યુદ્ધના પહેલા ત્રણ વર્ષમાં આશરે 237 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન થયું હતું. વૈશ્વિક સ્તરે આશરે 175 નાના અને મધ્યમ કદના દેશો ભેગા મળીને પણ આટલું વાર્ષિક કાર્બન ઉત્સર્જન નથી કરતા! આ આંકડો યુદ્ધનો પર્યાવરણ પર કેવો ભીષણ પ્રહાર થાય છે, એ વાત કરે છે. યુક્રેનના હાઇ-વોલ્ટેજ પાવર નેટવર્ક પર રશિયન હુમલાથી સલ્ફર હેક્સાફ્લોરાઇડ બહાર આવ્યો હતો. આ અત્યંત ઝેરી ગેસની માત્રા આશરે 1 મિલિયન ટન જેટલી હતી.
હવા જ નહીં, જળ અને જમીનનો પણ ખો
રશિયાએ શરૂઆતમાં જ યુક્રેનની પાઇપલાઇનો તોડી પાડી હતી. આ રીતના હુમલાને લીધે સમુદ્રમાં મોટી માત્રામાં મિથેન ગેસ ભળે છે. એ જ રીતે ફેક્ટરીઓ પરના હુમલાના કારણે ઝેરી કેમિકલ જમીનમાં ભળે છે અને દાયકાઓ સુધી જમીનને પ્રદૂષિત કરી મૂકે છે.
યુદ્ધ દરમિયાન કયા કારણસર સૌથી વધુ પ્રદૂષણ થાય છે
રશિયા-યુક્રેન યુદ્ધ જેવો સશસ્ત્ર સંઘર્ષ પર્યાવરણ માટે વિનાશકારી સાબિત થાય છે. આવા યુદ્ધોમાં સૌથી વધુ પ્રદૂષણ નીચેના કારણોથી થાય છે.
ટેન્કો, વિમાનો અને શસ્ત્રોના ભારે ઉપયોગથી મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન થાય છે.
વિસ્ફોટકોને લીધે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં લાગેલી આગ, ઓઈલ ડિપો અને ઇમારતોના નાશથી પણ હવામાં પ્રદૂષકો વધે છે.
સૈનિકો, શરણાર્થીઓ અને વિસ્થાપિત લોકોની અવરજવર માટે વપરાતા વાહનોનો ધુમાડો પણ પ્રદૂષણ ફેલાવે છે.
કાર્બન ફૂટપ્રિન્ટ: પર્યાવરણ પર આપણી છાપ
કાર્બન ફૂટપ્રિન્ટ એ એક માપ છે, જે આપણી દરેક પ્રવૃત્તિ દરમિયાન વાતાવરણમાં છોડાતા ગ્રીનહાઉસ ગેસના પ્રમાણને દર્શાવે છે. જ્યારે આપણે કાર ચલાવીએ છીએ, વીજળીનો ઉપયોગ કરીએ છીએ, કચરો સળગાવીએ છીએ અથવા ફટાકડા ફોડીએ છીએ, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ સહિત વિવિધ હાનિકારક ગેસ વાતાવરણમાં મુક્ત થાય છે. આ તમામ ગેસ સૂર્યની ગરમીને વાતાવરણમાં જ ફસાવી લે છે, જેના કારણે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આ જ પ્રક્રિયાને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે.
દિવાળીમાં વધતું પ્રદૂષણ પણ ચિંતાજનક તો ખરું
દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાની પરંપરાને લીધે PM 2.5 (2.5 માઈક્રોમીટર અને એનાથી નાના) અને PM 10 જેવા સૂક્ષ્મ કણો (પાર્ટિક્યુલેટ મેટર) વાતાવરણમાં ફેલાય છે. આ કણો માનવ શરીરમાં શ્વાસ દ્વારા પ્રવેશીને દમ, ફેફસાંની બિમારી અને હૃદય રોગ જેવી સમસ્યા સર્જે છે. એ પણ હકીકત છે કે, દિવાળીના દિવસોમાં ભારતના ઘણાં શહેરોમાં હવાની ગુણવત્તા 'ખરાબ'માંથી 'ગંભીર' શ્રેણીમાં પહોંચી જાય છે, તેથી પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફટાકડા વગરની ગ્રીન દિવાલી મનાવવાની અપીલ કરવામાં આવે છે.
કોઈ જવાબદારી લેવા તૈયાર નથી
રશિયા-યુક્રેન તો ફક્ત એક ઉદાહરણ થયું, એવા તો કંઈ-કેટલાય યુદ્ધો વર્ષ દરમિયાન છેડાતા રહે છે, જેને લીધે ‘વૉર પોલ્યુશન’નો અંત આવતો જ નથી. વિકસિત દેશો હાનિકારક વાયુઓનું ઉત્સર્જન ઘટાડે એ માટે નિર્ધારિત કરાયેલા ‘ક્યોટો પ્રોટોકોલ’ અને ‘પેરિસ કરાર’ જેવી આંતરરાષ્ટ્રીય સંધિઓ પણ આ બાબતે ખાસ અસરકારક સાબિત નથી થઈ. આ બંને સંધિ દ્વારા વિકસિત દેશોએ એમની લશ્કરી કાર્યવાહીઓ વડે થતાં ઉત્સર્જનના ડેટા શેર કરવાનું કહેવાય છે ખરું, પરંતુ એમ કરવું ફરજિયાત નથી.

