પુતિનને ખુશ કરવા ટ્રમ્પનો નવો ખેલ! યુદ્ધની વચ્ચે ઝેલેન્સ્કીના હાથ બાંધ્યા, યુક્રેનને મોટો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Ukraine War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ પુતિન સાથે અલાસ્કામાં મુલાકાત કરતાં પહેલાં એક એવુ પગલું લીધુ હતું, જેનાથી રશિયાને ખુશખુશહાલ થયુ હતું. આ પગલું યુક્રેનની યુદ્ધની રણનીતિને સીધુ અસર કરનારું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ મુલાકાત પહેલાં અમેરિકાની ડિફેન્સ ઓફિસ પેન્ટાગને યુક્રેન પર અમેરિકામાં નિર્મિત લાંબા અંતરની ATACMS મિસાઈલનો ઉપયોગ રશિયાની અંદર કરવા પર પ્રતિબંધ લાદી દીધો હતો.
અમેરિકાએ આ પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, આ શસ્ત્રોનો ઉપયોગ ફક્ત સંરક્ષણ પૂરતો મર્યાદિત છે, આક્રમક હુમલા માટે નહીં.
ત્રણ વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં શાંતિ કરાર માટેના પ્રયાસો પર અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી. તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે આક્રમકતાનો જવાબ ફક્ત સંરક્ષણ દ્વારા આપી શકાતો નથી. તેમનું આ નિવેદન યુક્રેનને રશિયા પર હુમલો કરવા માટે ગ્રીન સિગ્નલનો સંકેત આપતો હતો. પરંતુ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક પહેલાં આ પ્રતિબંધ લાદતાં યુક્રેનના હાથ બાંધી દીધા હતાં.
પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે બેઠક કરાવી શક્યા નહીં
ટ્રમ્પની યોજના પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે સીધી બેઠકનું આયોજન કરવાની હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં. રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે NBCને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોઈપણ શિખર બેઠકનો એજન્ડા હજુ તૈયાર નથી, તેથી હાલમાં કોઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નથી. અહેવાલમાં ખુલાસો થયો છે કે પેન્ટાગોનની સૂચનાને કારણે યુક્રેન રશિયાની અંદર લાંબા અંતર સુધી હુમલો કરી શકતું નથી. યુએસ સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ પાસે આ લાંબા અંતરની મિસાઇલોના ઉપયોગ અંગે અંતિમ નિર્ણય લેવાનો અધિકાર છે. હાલમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલય કે સંરક્ષણ મંત્રાલયે આ અંગે કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોન તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
રશિયાના યુક્રેન પર હુમલા ચાલુ
23 ઓગસ્ટના રોજ યુક્રેનના ડિનિપ્રોપેટ્રોવસ્ક ઓબ્લાસ્ટ પર રશિયન હુમલાઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને નવ અન્ય ઘાયલ થયા હતા. સત્તાવાર માહિતી અનુસાર, સિનેલનિકોવે જિલ્લામાં સાત ઘરો અને એક બસને નિશાન બનાવવામાં આવ્યું હતું. અહીં રશિયન KAB હવાઈ બોમ્બ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે આગ પણ લાગી હતી. રશિયન દળોએ નિકોપોલ જિલ્લામાં FPV ડ્રોનથી હુમલો કર્યો હતો, જેમાં ગેસ પાઇપલાઇન અને પાવર લાઇનને નુકસાન થયું હતું. રશિયાના નાગરિક માળખા પર નિયમિત હુમલાઓ સમગ્ર યુક્રેનમાં ચાલુ છે. 21 ઓગસ્ટના રોજ, રશિયાએ પશ્ચિમ યુક્રેનના ઘણા શહેરો પર મિસાઇલો અને ડ્રોનથી પણ હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત અને 26 ઘાયલ થયા હતાં.








