Get The App

રશિયા-યુક્રેન પહેલાં કદી ન હતા તેટલા શાંતિ-સમજૂતી નજીક પહોંચ્યા : 20 મુદ્દામાંથી 90 ટકા પર ઝેલેન્સ્કી સહમત

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
રશિયા-યુક્રેન પહેલાં કદી ન હતા તેટલા શાંતિ-સમજૂતી નજીક પહોંચ્યા : 20 મુદ્દામાંથી 90 ટકા પર ઝેલેન્સ્કી સહમત 1 - image

- આ પૂર્વે બે કલાક સુધી પ્રમુખ પુતિન સાથે પણ ટ્રમ્પે વાત કરી

- મંત્રણા પછી ટ્રમ્પે કહ્યું : ''ઝેલેન્સ્કી સાથેની મંત્રણા ગજબની બની રહી, અમે શાંતિ-મંત્રણા ઉપરાંત ઘણી ઘણી બાબતોની પણ ચર્ચા કરી''

માર-એલાગો (ફલોરિડા) : પ્રમુખ ટ્રમ્પે રવિવારે (સ્થાનિક સમય પ્રમાણે) કહ્યું હતું કે, રશિયા અને યુક્રેન પહેલાં કદી ન હતાં તેટલાં શાંતિ-સમજૂતી નજીક પહોંચી ગયા છે. ફલોરિડા સ્થિત પોતાનાં અંગત નિવાસ સ્થાનમાં પ્રમુખ ટ્રમ્પે ઝેલેન્સ્કી સાથે સઘન અને લંબાણપૂર્વક મંત્રણા કરી હતી.

બંને પ્રમુખો વચ્ચેની મંત્રણા પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, યુક્રેની નેતા સાથેની મારી મંત્રણા ગજબની બની રહી હતી. તે દરમિયાન અમે યુક્રેન-યુદ્ધમાં શાંતિ સ્થાપના ઉપરાંત અનેકવિધ પ્રશ્નોની પણ ચર્ચા કરી હતી. આ પૂર્વે મેં પ્રમુખ પુતિન સાથે પણ બે કલાક સુધી ફોન ઉપર વાત કરી હતી તેમજ અન્ય યુરોપીય નેતાઓ સાથે પણ મંત્રણા (ટેલિફોન ઉપર) કરી હતી અને અમે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી થયેલા આ સૌથી વધુ ખતરનાક યુદ્ધનો અંત લાવવા પ્રયત્નો કરી રહ્યા છે.

તમારે પુતિન અને ઝેલેન્સ્કી સાથે ત્રિપક્ષીય મંત્રણા યોજાશે કે કેમ ? તો તેના ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું, યોગ્ય સમયે તે પણ થશે. તેઓએ પુતિનનાં ભૂરપુર વખાણ કરતાં કહ્યું કે, પુતિન પણ આવી ત્રિપક્ષીય મંત્રણા ઈચ્છે છે. તેઓ ઘણા ઉદાર પણ છે. આ મંત્રણા (ઝેલેન્સ્કી સાથેની મંત્રણા) પછી હું પુતિનને બીજો ફોન પણ કરવાનો છું.

આ સાથે પ્રમુખ ટ્રમ્પે ઝેલેન્સ્કીનાં પણ વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે હજી બંને એકબીજા ઉપર બોમ્બમારો કરી રહ્યાં છે. આમ છતાં શાંતિ સમજૂતી અંગેના ૯૦ ટકા જેટલા મુદ્દાઓ ઉપર તેઓ સહમત થયા છે. ૨૦ પોઈન્ટ પ્લાનના ૧૦૦ ટકા મુદ્દાઓની સ્વીકૃતિ હવે બહુ દૂર નથી. યુ.એસ., યુરોપ-યુક્રેનનાં વચ્ચે સલામતી ગેરેન્ટી પણ સાધવામાં આવશે જે અંગે લગભગ સમજૂતી સધાઈ જ ગઈ છે. તે પૈકી સેનાકીય બાંહેધરી અંગે ૧૦૦ ટકા સમજૂતી સધાઈ ગઈ છે. તેમજ યુક્રેનને ફરી સમૃદ્ધ કરવાની યોજના પણ ઘડાઈ રહી છે. અમે યુદ્ધ બંધ થયા પછીના ક્રમશ: પગલાંઓ વિષે પણ ચર્ચા કરી હતી તેમ પણ ઝેલેન્સ્કીએ તે પત્રકાર પરિષદમાં કહ્યું હતું.