Get The App

રશિયાને મોટો ફટકો, બ્લેક સીમાં યુક્રેન ડ્રોન એટેક કરી રશિયન યુધ્ધ જહાજને જળસમાધિ આપી

Updated: Feb 2nd, 2024

GS TEAM


Google News
Google News
રશિયાને મોટો ફટકો, બ્લેક સીમાં યુક્રેન ડ્રોન એટેક કરી રશિયન યુધ્ધ જહાજને જળસમાધિ આપી 1 - image

image : Twitter

કીવ,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને બે વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે પણ આ યુધ્ધનો અંત નજીક દેખાઈ રહ્યો નથી. 

નાટો સંગઠનમાં સામેલ દેશોની સહાયતાના કારણે યુક્રેનની સેના રશિયા સામે ઝીંક ઝીલી રહી છે અને હવે યુક્રેને રશિયાને મોટો ફટકો માર્યો છે. મળતા અહેવાલો પ્રમાણે બ્લેક સીમાં રશિયાની નૌસેનાના એક યુધ્ધ જહાજને યુક્રેને ડ્રોન હુમલો કરીને ડુબાડી દીધુ છે. 

યુક્રેને કહ્યુ હતુ કે, કોર્વેટ પ્રકારના રશિયન યુધ્ધ જહાજને જળસમાધિ આપવા માટે અમારી સેનાએ લડાકુ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. પોતાના દાવાને સાબિત કરવા માટે યુક્રેન દ્વારા એક વિડિયો પણ રિલિઝ કરાયો છે. જેમાં યુક્રેનના ડ્રોન દ્વારા બ્લેક સીમાં તૈનાત એક વિશાળ યુધ્ધ જહાજ પર હુમલો થતો જોઈ શકાય છે. આ હુમલો રાતના સમયે કરવામાં આવ્યો હતો. ફૂટેજમાં જોઈ શકાય છે કે, ડ્રોન ટકરાતાની સાથે જ જહાજ પર વિસ્ફોટ થઈ રહ્યા છે. 

યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધના બે વર્ષ પૂરા થયા છે ત્યારે યુરોપિયન યુનિયને હવે યુક્રેનને 50 અબજ ડોલરની મદદ કરવાનુ એલાન કરતા જ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલન્સ્કીના જીવમાં જીવ આવ્યો છે. આ પહેલા જેલેન્સ્કી સંખ્યાબંધ વખત યુરોપને મદદ કરવા માટે અપીલ કરી ચુકયા હતા. એ પછી અમેરિકા યુક્રેનની મદદ માટે આગળ આવ્યુ હતુ. 

યુક્રેને હવે મદદના એલાન બાદ ફરી પોતાના હુમલા તેજ કર્યા છે. જોકે જહાજ ડુબાડવાના દાવા અંગે રશિયા દ્વારા હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી. આ હુમલામાં જહાજ પર સવાર સૈનિકોની જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની જાણકારી પણ સામે આવી નથી. 

ગત મહિને રશિયન મિલિટરીના એક ટ્રાન્સપોર્ટ પ્લેનને યુક્રેને અમેરિકાની પેટ્રિઓટ મિસાઈલ વડે તોડી પાડ્યુ હોવાનો અને તેમાં બેઠેલા યુક્રેનના બંદી બનાવાયેલા સૈનિકોના મોત થયા હોવાનો દાવો પણ રશિયાએ કર્યો હતો. 

Tags :