તાત્કાલિક કિવ શહેર ખાલી કરો! વિદેશી નાગરિકોને રશિયાનું અલ્ટિમેટમ, ભયાનક હુમલાની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Threatens Systematic Kyiv Strikes : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાડા ચાર વર્ષથી ચાલી રહેલું લોહિયાળ યુદ્ધ હવે અત્યંત ભયાનક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેનના પાટનર્ગર કિવ પર યુદ્ધની શરૂઆત પછીના સૌથી મોટા હવાઈ હુમલા કર્યા બાદ, હવે રશિયાએ સત્તાવાર રીતે કિવ પર ક્રમબદ્ધ હુમલા કરવાની ખુલ્લી ધમકી આપી છે. રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને તમામ વિદેશી નાગરિકો અને ડિપ્લોમેટ્સને કિવ શહેર વહેલી તકે છોડી દેવા અલ્ટીમેટમ આપી દીધું છે.
રશિયાએ ચેતવણી આપી છે કે હવે પછીના હુમલાઓ યુક્રેનના મુખ્ય 'ડિસિઝન-મેકિંગ સેન્ટર્સ' એટલે કે સરકારી કચેરીઓ અને કમાન્ડ પોસ્ટ્સ પર કરવામાં આવશે, તેથી સામાન્ય નાગરિકો વહીવટી અને સૈન્ય ઈમારતોથી દૂર રહે.
યુક્રેન પર રશિયાએ હાયપરસોનિક મિસાઈલથી હુમલો કર્યો હતો
શનિવાર અને રવિવારની આખી રાત રશિયાએ કિવ અને તેની આસપાસના વિસ્તારો પર સેંકડો ડ્રોન, બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલથી હુમલા કર્યા હતા. આ હુમલામાં રશિયાએ કિવથી માત્ર 90 કિલોમીટર દૂર આવેલા બિલા ત્સેર્કવા (Bila Tserkva) વિસ્તાર પર પોતાની અત્યંત ઘાતક હાયપરસોનિક 'ઓરેશ્નિક' મિસાઇલ પણ છોડી હતી. આ હુમલામાં કિવનું પ્રખ્યાત ચેર્નોબિલ મ્યુઝિયમ, નેશનલ આર્ટ મ્યુઝિયમ અને ઘણા રહેણાંક વિસ્તારો કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ઝેલેન્સ્કીના મતે આ હુમલામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
ભારત આવેલા રૂબિયો અને રશિયાના વિદેશમંત્રીની ફોન પર વાતચીત
આ તણાવ વચ્ચે સોમવારે સાંજે રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોને સીધો ફોન કરીને કિવની સ્થિતિ અંગે વાત કરી હતી. લાવરોવે માર્કો રુબિયોને સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા પોતાના તમામ રાજદ્વારીઓ અને સ્ટાફને વહેલી તકે કિવમાંથી બહાર કરી લે, કારણ કે આગામી હુમલાઓ બહુ ભયાનક હશે. ફોન કોલ બાદ માર્કો રુબિયોએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમેરિકા આ યુદ્ધનો અંત લાવવા માટે જે પણ મદદની જરૂર પડશે તે કરવા તૈયાર છે.









