જર્મનીમાં બે વીજમથક ઉડાવવાનો પ્રયત્ન રશિયાએ હાઇબ્રીડ વોર શરૂ કર્યાની શંકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયાની હાઇબ્રિડ વોરની સંભાવનાથી આખા યુરોપમાં હડકંપ
- યુક્રેનને માલસામગ્રી પૂરી પાડતા જર્મન એરપોર્ટ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હોવાનો જર્મનીનો રશિયા પર આક્ષેપ
- બ્રિટન સામે રશિયા મર્યાદિત યુદ્ધ કે હાઇબ્રિડ વોર કરે તેવા અહેવાલ અગાઉ પણ આવી ચૂકેલા છે
બર્લિન : જર્મનીના બ્રાન્ડેનબર્ગ વિસ્તારમાં એક મોટા વીજમથકને ઉડાવી દેવાના પ્રયત્નનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. જેન્શવાલ્ડે બ્રાઉન કોલ પ્લાન્ટના વીજમથક પાસેથી જ કેટલાય વિસ્ફોટક સાધનો જપ્ત કરવામાં આવ્યા. દાવો છે કે હુમલાખોરોએ આ પાવર સ્ટેશન પર વિસ્ફોટોથી ભરેલા રોકેટ ફેંકવા માટે કેટલાય ભયાનક સાધનો તૈયાર કર્યા હતા. પોલીસ-સુરક્ષા દળોએ આ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો.
તપાસકર્તાઓને શક છે કે વીજમથકને નિશાન બનાવીને આખા પ્રાંતમાં વીજળી ગુલ કરવામાં આવનારી હતી. તેથી આ મામલાની ગંભીરતા વધી ગઈ છે. વીજળી ગ્રિડ ઓપરેટર ૫૦ હર્ટ્ઝે જણાવ્યું હતું કે હુમલાખોરોએ કેટલીય ટ્રાન્સમિશન લાઇનોને નુકસાન પહોંચાડયું હતું. તેના લીધે કેટલાય સમય માટે વીજ પુરવઠામાં અવરોધ જોવા મળ્યો હતો. જર્મનીએ આમ પાવર ગ્રિડમાં ભાંગફોડના બે પ્રયત્ન થયાનું સ્વીકાર્યુ છે.એક બર્લિન નજીક બ્રાન્ડનબર્ગ સ્ટેટમાં થયો, બીજો કોલોનના પશ્ચિમે બર્ઘેઇમમાં થયો. જો કે રાહતની વાત એ હતી કે બધી લાઇન ફરીથી ચાલુ કરી દેવાઈ અને સામાન્ય લોકોને પૂરા પાડવામાં આવતા વીજ પુરવઠા પર કોઈ ખાસ અસર ન પડી. જર્મન અધિકારીઓ હવે તે શોધવામાં લાગેલા છે કે આ હુમલા પાછળ કોણ હતુ અને શું તેનો હેતુ જર્મનીના વીજ વિતરણ નેટવર્કને મોટાપાયા પર ઠપ કરવાનો હતો.
જર્મન મીડિયાના રિપોર્ટ મુજબ સરકાર મંગળવારે આ હુમલાના પ્રયત્ન માટે રશિયાની જાસૂસી સંસ્થાને જવાબદાર ઠેરવી શકે છે. જર્મનીના વિદેશમંત્રી યોહાન વાડેફુલ અને ગૃહપ્રધાન એલેકઝાન્ડર ડોબ્રિટ મંગળવારે બપોરે તપાસના પરિણામો અને સરકારની આગામી કાર્યવાહીને લઈને નિવેદન આપી શકે છે. જો આમ થશે તો તેને રશિયાની હાઇબ્રીડ વોર માનવામાં આવશે.
આ મામલાની ગંભીરતા એના પરથી જ લગાવી શકાય છે કે વિદેશ પ્રધાન વાડેફુલે અલ્જીરિયાનો પોતાનો રાજકીય પ્રવાસ વચ્ચે જ રોકી દેવો પડયો અને તે તાત્કાલિક બર્લિન પરત ફર્યા. વાડેફુલે મંગળવારે સવારે જણાવ્યું હતું કે જર્મની આ મામલે ઉતાવળે કોઈ પગલાં નહીં ઉઠાવે, પરંતુ જો તેના પર હુમલો કરવામાં આવ્યો તો તે જવાબ જરૂર ઉઠાવશે.
આ ઘટના જર્મનીએ તાજેતરમાં જ લેઇપઝિગ એરપોર્ટ પર ડ્રોન હુમલાનો પ્રયત્ન થયો તો તેના માટે રશિયાને જવાબદાર ઠેરવ્યુ હતુ તેના પછી બની છે. જો કે જર્મની આ બનાવનું રશિયા સાથે કોઈ જોડાણ પ્રસ્થાપિત કરી શક્યું નથી. આ સ્થળેથી યુક્રેનને જર્મની સહાય પૂરી પાડે છે. પુતિન કહી ચૂક્યા છે કે યુક્રેનને જ્યાં-જ્યાંથી સહાય મળે છે ત્યાં-ત્યાં હુમલા કરવામાં આવશે.
જર્મનીના ઉપરોક્ત આરોપ પછી યુરોપીયન સંઘ (ઇયુ)એ અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો)એ રશિયા પર દબાણ વધારવાનો સંકલ્પ કર્યો છે. બીબીસીના જણાવ્યા મુજબ યુરોપીયન સંઘ અને નાટોના નેતાઓએ રશિયાને સતત બેદરકારીભરી કાર્યવાહી માટે ચેતવણી આપી. તેની સાથે જાહેરાત કરી કે નવી સામાન્ય સ્થિતિ મુજબ જવાબ આપીશું.
યુરોપીયન પંચની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયને જાહેરાત કરી કે લીપઝિગની ઘટના યુરોપની ધરતી પર નવા તનાવના સંકેત છે, જેમા રશિયાને ગુનેગાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યું છે. અમારે અમારી કાર્યવાહી વધુ ઝડપથી કરવી પડશે. તેનો સીધો અર્થ એમ થાય કે રશિયાની મનમાનીનો વધારે ઝડપથી અને અસરકારક રીતે જવાબ આપવા તૈયાર થવું પડશે. નાટોના સચિવ માર્ક રુટે જણાવ્યું હતું કે જર્મનીએ ઉપરોક્ત ઘટનાક્રમમાં મોસ્કો સામેલ હોવાના પુરાવા રજૂ કર્યા છે. તેની સાથે તેમણે રશિયાની સામે બર્લિને ઉઠાવેલા પગલાં માટે લશ્કરી જોડાણનું સમર્થન હોવાનું જણાવ્યું. અમેરિકા પણ તેમની સાથે છે.
ચોથી ઓગસ્ટના રોજ વિસ્ફોટક ભરેલા ડ્રોન દ્વારા જાણીબૂઝીને યુક્રેનના માલવાહક જહાજને નિશાન બનાવવાના આરોપોનું મોસ્કો દ્વારા ખંડન કરવામાં આવતા યુરોપીયન સંઘ અને નાટોએ આ પ્રતિક્રિયા આપી છે. ડ્રોનને લીપઝિગ એરપોર્ટ પર રોબોટ દ્વારા નિષ્ક્રીય કરાયું હતું. જ્યારે બીજું ડ્રોન પરિવહન વિમાન સાથે અથડાયું હોવાના સમાચાર છે. આ ઘટનાના દસ દિવસ પછી લીપઝિગ એરપોર્ટ પર ત્રીજું ડ્રોન દેખાયું હતું. પહેલી સપ્ટેમ્બરે જર્મન સરકારે જાહેરાત કરી હતી કે પોલીસ તપાસ અને જાસૂસી સૂત્રોની તપાસના આધારે તે પરિણામ આવ્યું છે કે આ ઘટનાઓ પાછળ રશિયા હતું. બર્લિને તેની સાથે રશિયન સાંસ્કૃતિક કેન્દ્ર પણ બંધ કરવાની જાહેરાત કરી હતી. રશિયાએ પણ તેના જવાબરૂપે જર્મન સાંસ્કૃતિક કેન્દ્ર તેને ત્યાં બંધ કરવાની જાહેરાત કરી હતી. આમ રશિયા-યુક્રેન યુદ્ધ જાણે હવે યુરોપના આંગણે આવીને ઊભું રહ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત બ્રિટન પણ યુક્રેનને મિસાઇલો તથા લાંબા અંતરના ડ્રોન પૂરુ પાડતુ હોવાથી રશિયા તેના પર પણ અકળાયેલું છે અને રશિયાએ તેની સાથે મર્યાદિત યુદ્ધની સંભાવના પણ નકારી ન હતી. તેમા હાઇબ્રિડ વોરનો પણ સમાવેશ થાય છે.




