ટ્રમ્પની યુધ્ધવિરામની ધમકી વચ્ચે રશિયા યુક્રેન પર હુમલા વધાર્યા, ૨૨ના મોત
રશિયાએ યુક્રેનના ૭૩ શહેરો અને કસ્બાઓ પર હુમલો કર્યો હતો.
પુતિને ૧૦ થી ૧૨ દિવસમાં યુધ્ધવિરામ કરવું પડશે- ડોનાલ્ડ ટ્રમ્પ
કિવ,૨૯ જુલાઇ,૨૦૨૫,મંગળવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથે યુધ્ધવિરામ કરો નહિંતર પરીણામો ભોગવવાની ચેતવણી આપી હતી. અમેરિકાની ચેતવણી છતાં રશિયાએ યુક્રેન પર હુમલા ચાલું રાખ્યા છે. સોમવારની રાત્રીએ રશિયાએ યુક્રેનના ઝાપોરિજજિયા વિસ્તારની એક જેલ અને હોસ્પિટલ પર હુમલો કરતા કમસેકમ ૨૨ લોકોના મુત્યુ થયા હતા. જેલ પર ગ્લાઇડ બોંબથી હુમલો કરતા ઓછામાં ઓછા ૧૭ કેદીઓના મોત થયા હતા. હુમલામાં જેલનો ભોજનકક્ષ તબાહ થઇ ગયો હતો.
જો કે જેલની સુરક્ષા દિવાલ સલામત હોવાથી કોઇ કેદી ભાગી ગયા હોવાનું જાણવા મળતું નથી. યુક્રેનની સ્ટેટ ક્રિમિનલ એકજીકયૂટિવ સર્વિસ અનુસાર હુમલામાં કમસેકમ ૪૨ કેદીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત ૪૦ લોકોને નજીવી ઇજ્જા થઇ છે. રશિયાએ હોસ્પિટલ પરના હુમલામાં કમસેકમ ૪ લોકોના મોત થયા હતા. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીના જણાવ્યા અનુસાર રશિયાએ યુક્રેનના ૭૩ શહેરો અને કસ્બાઓ પર હુમલો કર્યો હતો.
સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને આપેલી ૫૦ દિવસની સમય મર્યાદા ખતમ થવાની હોવાથી આગામી ૧૦ થી ૧૨ દિવસમાં વ્લાદિમીર પુતીને યુદ્ધ વિરામ કરવું પડશે એવી ધમકી આપી હતી. તાજેતરમાં સ્કોટલેન્ડની મુલાકાત દરમિયાન ટ્રમ્પે પુતિનથી નારાજ અને નિરાશ હોવાનું નિવેદન આપ્યું હતું
બીજી બાજુ ટ્રમ્પની ડેડલાઇનવાળી કાર્યવાહીને યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ આવકારી હતી.ટ્રમ્પે ૧૪ જુલાઇના રોજ સપ્ટેમ્બરની શરુઆત સુધીમાં શાંતિ સમજુતી નહી થાયતો રશિયા પર વધારાનું ટેરિફ લગાવશે. જો કે ટ્રમ્પે હવે પુતિનને માત્ર ૧૦ થી ૧૨ દિવસનો જ સમય આપ્યો છે. મતલબ કે ૭ થી ૯ ઓગસ્ટ સુધીમાં શાંતિ પ્રયાસોમાં પ્રગતિ થઇ શકે છે.
રશિયાના ડ્રોન સામે યુક્રેનનો માછલીની જાળ બિછાવવાનો જુગાડ
વિરાટ રશિયાની સામે વામન ગણાતા યુક્રેને કોઠાસૂઝથી અનેક ટેકનિકો અપનાવીને રશિયાનો સામનો કર્યો છે તેની વધુ એક સાબીતી ભીષણ યુધ્ધ દરમિયાન મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેની સૈનિકોએ રશિયાના ડ્રોન હુમલાનો મુકાબલો માછલી પકડવાની જાળથી કર્યો હતો. બચાવ માટેની આ ટેકનિક હજારો વર્ષ જુની છે. કોસ્ત્યાન્તિવિવકા જેવા શહેરોમાં રશિયા ઝડપથી ઘેરાબંધી કરી રહયું છે.
આવી સ્થિતિમાં સડક કિનારે ખંભાઓ પર બાંધવામાં આવતી જાળ રશિયાના ડ્રોનને ફસાવવાનું કામ કરે છે. ડ્રોનની ગતિ અને વિસ્ફોટક ક્ષમતા સામે માછલીની જાળ ખાસ કામની નથી તેમ છતાં યુક્રેની સૈનિકોએ પોતાના બચાવ માટેની તરકિબને કોઠાસુઝથી અજમાવતા રહે છે. સ્થાનિક લોકો રસ્તાનું કામ પડે ત્યારે પાથરેલી જાળમાંથી સિફતપૂર્વક પસાર થાય છે. એક વીડિયોમાં યુક્રેની વાહનોને નિશાન બનાવતા ડ્રોન જોઇ શકાય છે.