મહાસત્તા રશિયાએ કટ્ટરપંથી તાલિબાન શાસનને માન્યતા આપી. વિશ્વમાં કોઇ દેશ આવું પગલું ભર્યુ નથી

મોસ્કો,૪ જુલાઇ,૨૦૨૫,શુક્રવાર
રશિયાના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને સત્તાવાર રીતે માન્યતા આપી છે. આ સાથે જ રશિયા તાલિબાનની અંતરિમ સરકારને માન્યતા આપનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. રશિયાના વિદેશ મંત્રાલયનું માનવું છે કે આ તાલિબાન શાસનને માન્યતા મળવાથી બંને દેશો વચ્ચે રચનાત્મક સહયોગ અને વિકાસને મહત્વ મળશે. મંત્રાલયે ઉર્જા અને કૃષિ સહિતના આર્થિક સંબંધો તથા આતંકવાદનો સામનો કરવાના ઉપાયોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
૨૦૨૩માં અમેરિકાના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યાર પછી તાલિબાની વિચારસરણી ધરાવતા કટ્ટરપંથીઓનું શાસન ચાલે છે. જો કે તાલિબાન શાસકોને વિશ્વમાં કોઇ પણ દેશે માન્યતા આપી ન હતી. તાલિબાનની અંતરિમ સરકારે મહિલાઓના શિક્ષણ અને રોજગાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે એટલું જ નહી માનવાધિકારોના ઉલંઘનના કારણે અત્યાર સુધી કોઇ પણ દેશ સત્તાવાર રીતે માન્યતા આપવાથી દૂર રહયો હતો.
અમેરિકા સહિતના સમૃધ્ધ દેશો દ્વારા આર્થિક પ્રતિબંધોના પગલે અફઘાનિસ્તાનની નાણાકીય સ્થિતિ ખૂબજ ખરાબ છે આવા સંજોગોમાં રશિયાની તાલિબાન સરકારને સમર્થન આપવાની જાહેરાત ટોનિક સમાન સાબીત થશે. તાલિબાનના વિદેશમંત્રી આમિરખાન મુત્તકીએ એક વીડિયો સંદેશમાં રશિયાના નિર્ણય બદલ આભાર વ્યકત કર્યો હતો. રશિયા અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.








