Russia Putin Slams Trump: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથે ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે અમેરિકાના ટેરિફ સંબંધિત નિર્ણયો પર કટાક્ષ કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરતાં પુતિને કહ્યું કે, તમામ પ્રતિબંધો અને ટેરિફ લાદ્યા બાદ અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમની ખરીદી કરી રહ્યું છે અને તેનાથી રશિયાને મોટી કમાણી થઈ રહી છે.
અમેરિકાનો બીજો ટોચનો સપ્લાયર રશિયા
પુતિને વલ્દાઈ ડિસ્કશન ક્લબમાં પ્લેનરી સેશન દરમિયાન કહ્યું કે, રશિયા અમેરિકાને યુરેનિયમનો સપ્લાય કરતો બીજો સૌથી મોટો દેશ છે. 2025માં તેનાથી લગભગ 1.2 અબજ ડૉલરની કમાણી થવાની અપેક્ષા છે. અમેરિકાના કુલ ન્યુક્લિયર ફ્યુલનો લગભગ 60 ટકા હિસ્સો એક અમેરિકન-યુરોપિયન કંપની સપ્લાય કરે છે. જ્યારે બાકીનો 25 ટકા હિસ્સો રશિયામાંથી સપ્લાય થાય છે.
અમેરિકાની ખરીદીથી રશિયાને નફો
પુતિને એક રિપોર્ટને ટાંકીને કહ્યું હતું કે, 2024માં રશિયાએ અમેરિકાને યુરેનિયમ વેચી આશરે 80 કરોડ ડૉલરની કમાણી કરી હતી. 2025ના પ્રથમ છ માસમાં આ આંકડો 80 કરોડ ડૉલરે પહોંચ્યો છે. આ વર્ષના અંત સુધીમાં 1.2 અબજ ડૉલરની કમાણી થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ 'ભારતમાંથી આયાત વધારી દો...', અમેરિકાના ટેરિફ વોર વચ્ચે રશિયન પ્રમુખ પુતિનનો આદેશ
ઉલ્લેખનીય છે, પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારા ભારત પર મસમોટો 25 ટકા વધારાનો ટેરિફ લાદ્યો છે. એક બાજુ અમેરિકા અન્ય દેશોને રશિયા સાથે વેપાર કરવાની ના પાડે છે, અને પોતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં યુરેનિયમ ખરીદી રહ્યું છે. પુતિને અમેરિકાના આ ડબલ સ્ટાન્ડર્ડ પર કટાક્ષ કર્યો હતો.
અમેરિકાનું ડબલ સ્ટાન્ડર્ડ
ટ્રમ્પે ઑગસ્ટના અંતમાં ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો. અને બાદમાં ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદી તેને યુક્રેન સામે યુદ્ધ માટે ફંડ પૂરું પાડી રહ્યું હોવાનો આરોપ મૂકી ટેરિફ બમણો કરીને 50% કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણય ભારતને રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ સજા આપવા લેવામાં આવ્યો છે. રશિયાની ક્રૂડ મારફત થતી કમાણીના પૈસા યુક્રેન યુદ્ધમાં વાપરી રહી છે. વાસ્તવમાં, રશિયાનો સૌથી મોટો ક્રૂડ ખરીદનાર ભારત નહીં પણ ચીન છે. જો કે, ચીન પર આ મામલે કોઈ વધારાનો ટેરિફ લાદ્યો નથી. બીજી તરફ અમેરિકા પોતે રશિયા પાસેથી કેમિકલ્સ, યુરેનિયમ અને ફર્ટિલાઇઝર્સ ખરીદી રહી છે.
પશ્ચિમી દેશો રશિયા પાસેથી શું ખરીદી રહ્યા છે?
નોંધનીય છે કે ટ્રમ્પ અને તેમના સાથીઓએ રશિયા-યુક્રેન યુદ્ધમાંથી નવી દિલ્હી નફો કરી રહી હોવાનો આરોપ લગાવ્યા બાદ, ઑગસ્ટમાં ભારતે પશ્ચિમી દેશોના રશિયા સાથે ચાલી રહેલા વેપારની વિગતો જાહેર કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે, યુરોપિયન યુનિયન (EU)નો રશિયા સાથે $68 અબજનો વેપાર હતો. આ ઉપરાંત, અમેરિકાએ તેના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ અને ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે પેલેડિયમની આયાત કરી હતી.


