રશિયાએ રાતભરમાં યુક્રેન પર 500થી વધુ ડ્રોન હુમલા કર્યા : ઝેલેનસ્કીએ કહ્યું : 'હું ટ્રમ્પને મળવા જવાનો છું'

- ઝેલેનસ્કી- પુતિન મંત્રણા થવાની શક્યતા નહીવત્
- 'યુક્રેનમાં પશ્ચિમી દેશોની એક પણ ટુકડી આવશે તો તે અસ્વીકાર્ય બનશે : તે ટુકડીઓ પણ અમારા નિશાનનો ભોગ બની રહેશે' : વ્લાદીમીર પુતિન
કીવ : રશિયાએ આજે (શનિવારે) યુક્રેન ઉપર ૪૦ મિસાઇલ્સ અને આશરે ૫૮૦થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા જેમાં ઓછામાં ઓછા ત્રણનાં મૃત્યુ થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. આથી ગુસ્સે થયેલા યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેનસ્કીએ કહ્યું હતું કે, 'તેઓ આગામી સપ્તાહે સંયુક્ત રાષ્ટ્રોની મહાસભા સમયે ન્યૂયોર્ક જવાના છે જે દરમિયાન તેઓ અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને મળશે.'
ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પ છેલ્લા કેટલાયે સમયથી યુક્રેન યુદ્ધ બંધ કરવા પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. બીજી તરફ રશિયાએ હુમલા તેજ કરવા શરૂ કર્યું છે.
ઝેલેનસ્કીએ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથેની ચર્ચા દરમિયાન યુક્રેન માટે સંરક્ષણ ગેરન્ટી અને રશિયા ઉપર વધુ પ્રતિબંધો મૂકવા માટે અનુરોધ કરશે.
દરમ્યાન રશિયાના પ્રમુખ પુતિને ચેતવણી ઉચ્ચારી છે કે, 'યુક્રેનમાં કોઈ પણ પશ્ચિમ દેશની ટુકડી અસ્વીકાર્ય બની રહેશે તેટલું જ નહીં પરંતુ તે પણ અમારા નિશાનનો ભોગ બનશે.'
અત્યારે તો પરિસ્થિતિ તેવી ઉપસ્થિત થઈ છે કે યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે અમેરિકાના નેતૃત્વ નીચે આવતા પ્રયત્નો થંભી ગયા છે. સાથે, પુતિન અને ઝેલનેસ્કી વચ્ચે રૂબરૂ મુલાકાત અને મંત્રણા યોજાવાની સંભાવના નહિવત્ બની રહી છે.
યુક્રેનના પ્રમુખના કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે પુતિન સાથે મંત્રણા કરવા તૈયાર છીએ મેં તે અંગે વાત પણ કરી છે. દ્વિપક્ષીય હોય કે ત્રિપક્ષીય હોય અમે મંત્રણા માટે તૈયાર જ છીએ પરંતુ તેઓ તૈયાર નથી.









