World

આવવા દો તમારી સબમરીનોને અમારી પાસે પરમાણુ સબમરીનો તમારાથી વધુ છે

By GS TEAM
2 Aug 20252 mins read
આવવા દો તમારી સબમરીનોને અમારી પાસે પરમાણુ સબમરીનો તમારાથી વધુ છે

- રશિયાનો અમેરિકાને ખુલ્લો પડકાર

- ટ્રમ્પે રશિયાના સમુદ્રતટ ફરતી પરમાણુ સબમરીનો ગોઠવવાનું કહેતાં, રશિયાના નેતાએ કહ્યું : હવે યુદ્ધથી બચતા રહો તો સારૂં

મોસ્કો : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના સમુદ્ર તટ પ્રદેશથી દૂર રહીને રશિયાને ઘેરવાનો હુકમ કરતાં રશિયાએ ઉગ્ર પ્રતિભાવો આપ્યા છે. રશિયાની સંસદ ડૂમાના એક વરિષ્ઠ સાંસદ વિક્ટર વોડોલાત્સ્કીએ કહ્યું કે, વિશ્વના મહાસાગરોમાં ફરતી રશિયન સબમરીનોની સંખ્યા અમેરિકન સબમરીનોની સંખ્યા કરતાં ઘણી વધારે છે. અને અમેરિકી (ન્યુક્લિયર) સબમરીનો તો પહેલેથી જ રશિયન કંટ્રોલરૂમના રેડારમાં છે.

વોડોલાત્સ્કીએ રશિયન સરકારી સમાચાર સંસ્થા તાસને કહ્યું અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જે સબમરીનોને નિશ્ચિત ક્ષેત્રો તરફ મોકલવવાની વાત કરી છે. તે સબમરીનો પહેલેથી જ અમારાં નિયંત્રણ ક્ષેત્રમાં આવી જ ગઈ છે. આથી રશિયન ફેડરેશન તરફથી કોઈ વિશેષ પ્રતિક્રિયા આપવાની જરૂર જ નથી.

ટ્રમ્પે પોતાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશ્યલ પર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે બે પરમાણુ સબમરીન્સ તે ક્ષેત્ર તરફ મોકલવા આદેશ આપ્યો છે કે જ્યાં ઉત્તેજક ગતિવિધીઓ વધી રહી છે.

ટ્રમ્પે આ નિવેદન રશિયાના પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં સંરક્ષણ પરિષદના ઉપાધ્યક્ષ દીમીત્રી મેદવેદેવનાં કહેવાતાં ભડકાઉ નિવેદન પછી કર્યું હોવાનું કહેવાય છે.

બીજી તરફ વોડોલાત્સ્કીએ પડકાર ફેંકતાં કહ્યું હતું : આવવા દો અમેરિકાની તે બે ન્યુક્લિયર સબમરીનોને તે પહેલેથી જ અમારાં નિશાન પર છે. હવે જરૂર તે છે કે રશિયા અને અમેરિકા વચ્ચે કોઈ મૌલિક સમજણ થઈ જાય જેથી ત્રીજાં વિશ્વયુદ્ધ અંગેની અટકળો સમાપ્ત થઈ જાય.

આ પરિસ્થિતિમાં રશિયા-ઈન-ગ્લોબલ-એફેર્સ નામક પત્રિકાના મુખ્ય સંપાદક ફયોદોર લુક્યાંનોવે ટ્રમ્પનાં તે વિધાનોને ગંભીરતાથી નહીં લેવા સલાહ આપી છે. તેઓએ લખ્યું : ટ્રમ્પ પોતાની ચેનલ ઉપર પોતાની ભાવના અનુસાર પ્રતિક્રિયા આપતા રહે છે. અમેરિકી સશસ્ત્ર સેના અને નૌ સેનાએ તો કદાચ ટ્રમ્પનાં આ કથનોને આશ્ચર્યથી વાંચ્યાં હશે. જો વાક્યુદ્ધ આમ જ ચાલ્યા કરે તો ટ્રમ્પે વાસ્તવમાં કોઈ પગલાં લેવાં પડે. પરંતુ હજી સુધી તો આ યુદ્ધ માત્ર શબ્દો પૂરતું જ સીમિત છે.