Get The App

ભારત પાછા ફર્યા બાદ પુતિનનું યુક્રેન પર આક્રમણ, 653 ડ્રોન, 51 મિસાઈલ સાથે સૈન્યનો હુમલો

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
ભારત પાછા ફર્યા બાદ પુતિનનું યુક્રેન પર આક્રમણ, 653 ડ્રોન, 51 મિસાઈલ સાથે સૈન્યનો હુમલો 1 - image

Russia vs Ukrain War Updates : રશિયા યુક્રેન પર શનિવારે જાણે યુક્રેનનો શનિ વક્રી થયો હોય તેમ તૂટી પડયું હતું. લગભગ 51 મિસાઇલ અને 653  ડ્રોન વડે કરેલા હુમલાના કારણે યુક્રેનને ચોક્કસપણે લાગ્યું હશે કે તેને ખરેખર શનિની પનોતી ચાલી રહી છે. બીજી બાજુ અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ લગભગ ચાર વર્ષથી ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે મંત્રણા કરવા સળંગ ત્રીજો દિવસ મીટિંગ કરવાના છે. 

યુક્રેનના લશ્કરે લગભગ 585 ડ્રોન ખતમ કર્યા હતા અને 30 મિસાઇલ પણ આંતરી હતી, એમ જણાવતા હવાઈદળે ઉમેર્યું હતું કે કુલ 29 સ્થળોએ હુમલા કરવામાં આવ્યાં હતા. યુક્રેનના ગૃહપ્રધાન ઇહોર ક્લિમેન્કોએ જણાવ્યું હતું કે આ હુમલામાં આઠને ઇજા થઈ છે. તેમા કમસેકમ ત્રણ જણાને કીવમાં ઇજા પહોંચી હતી. રશિયાએ યુક્રેનના વિવિધ વિસ્તારોમાં કરેલા હુમલામાં ઘણાને ઇજા થઈ છે.

રશિયાએ યુક્રેન પર કરેલા હુમલામાં મુખ્યત્વે તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કર્યો હતો અને તેમા તેના પાવર સ્ટેશનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.  યુક્રેનના ઝાપોરિઝજિયાનું પરમાણુ મથકે કામચલાઉ ધોરણે આખી રાત વીજળી વગર રહ્યા હોવાનું ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના ડિરેક્ટર જનરલ રફાલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું હતું. 

યુક્રેનના પ્રમુખ વોલોડીમિર ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનના ઉર્જા એકમો રશિયાનું મુખ્ય લક્ષ્યાંક રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે રશિયાના ડ્રોન હુમલામાં ફેસ્ટી શહેરનું ટ્રેન સ્ટેશન સળગ ગયું છે. આ સ્ટેશન કીવ વિસ્તારમાં આવેલું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમના એર ડિફેન્સે 116 યુક્રેનિયન ડ્રોન તોડયા હતા, જે રશિયન પ્રાંતમાં પ્રવેશ્યા હતા. રશિયન ટેલિગ્રામ ન્યૂઝ ચેનલ એસ્ટ્રાએ જણાવ્યું હતુ કે યુક્રેને રશિયાની રિયઝાન ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. તેણે તેની આગના ફૂટેજ શેર કર્યા હતા.