World

ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો

By GS TEAM
9 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના લાખ પ્રયત્નો છતાં ભારત અને રશિયાની દોસ્તીમાં કોઈ ઓટ આવી નથી. એક તરફ ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું છે, તો બીજી તરફ હવે રશિયા ભારતને એક મોટી 'રિટર્ન ગિફ્ટ' આપવાની તૈયારીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
(IMAGE - IANS)

Russia Labor Crisis: અમેરિકાના લાખ પ્રયત્નો છતાં ભારત અને રશિયાની દોસ્તીમાં કોઈ ઓટ આવી નથી. એક તરફ ભારતને રશિયા પાસેથી સસ્તું તેલ મળી રહ્યું છે, તો બીજી તરફ હવે રશિયા ભારતને એક મોટી 'રિટર્ન ગિફ્ટ' આપવાની તૈયારીમાં છે.

સસ્તા તેલ બાદ હવે હજારો ભારતીયો માટે રશિયામાં મોટી કમાણીની તક

મીડિયા રિપોર્ટ અનુસાર, રશિયા અત્યારે દાયકાઓના સૌથી ભયાનક શ્રમિક સંકટ(લેબર ક્રાઇસિસ)નો સામનો કરી રહ્યું છે. આ અછતને પહોંચી વળવા રશિયા હવે મધ્ય એશિયાના દેશોને છોડીને ભારત તરફ નજર દોડાવી રહ્યું છે. મોસ્કોના રસ્તાઓ પરથી બરફ હટાવવાના કામથી લઈને મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વેલ્ડિંગ સેન્ટરો સુધી હવે ભારતીયોનો દબદબો વધવાનો છે. ડિસેમ્બરમાં પુતિનની ભારત મુલાકાત દરમિયાન થયેલા કરારોએ હજારો ભારતીયો માટે રશિયામાં મોટી કમાણીના દ્વાર ખોલી દીધા છે.

ભારતીયો માટે રોજગારીનો સુવર્ણ અવસર

એક અંદાજ મુજબ, રશિયન અર્થતંત્રને આ દાયકાના અંત સુધીમાં આશરે 1.1 કરોડ વધારાના શ્રમિકોની જરૂર પડશે. આ સંકટને પહોંચી વળવા ભારત અને રશિયા વચ્ચે થયેલા કરાર બાદ ભારતીય શ્રમિકો માટેના વર્ક પરમિટમાં અધધધ વધારો થયો છે; જે આંકડો પહેલા માત્ર 5,000 હતો તે વધીને હવે 56,000ને પાર કરી ગયો છે.

કામદારોની અછત વચ્ચે ભારતીયોની ભારે માંગ

રશિયામાં હાલમાં બેરોજગારીનો દર માત્ર 2% છે, જે દર્શાવે છે કે ત્યાં કામ કરનારા લોકોની ભારે અછત છે. યુક્રેન યુદ્ધને કારણે લાખો રશિયન યુવાનો કાં તો સૈન્યમાં જોડાયા છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે. આ ખાલીપો ભરવા માટે ભારતીય વેલ્ડર્સ, ઈલેક્ટ્રિશિયન અને બાંધકામ ક્ષેત્રના કામદારોની મોટી માંગ નીકળી છે. 

કોન્ટ્રાક્ટ વર્કર્સની વધતી માંગ

મોસ્કો જેવા શહેરોમાં હવે ભારતીય અને દક્ષિણ એશિયાઈ શ્રમિકો રસ્તા પરથી બરફ સાફ કરવાથી લઈને રેસ્ટોરન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કામ કરતાં જોવા મળી રહ્યા છે. રશિયન કંપનીઓ પણ હવે વિઝા વગર આવતા મધ્ય એશિયાના શ્રમિકોને બદલે ભારત જેવા દેશોના શ્રમિકો પર વધુ ભરોસો કરી રહી છે, કારણ કે તેઓ કરારથી બંધાયેલા હોય છે.

આ પણ વાંચો: ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?

રશિયા જતાં પહેલાં શ્રમિકોને અપાશે ખાસ તાલીમ

આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ચેન્નાઈ જેવા શહેરોમાં રશિયન એજન્સીઓએ ટ્રેનિંગ સેન્ટરો પણ શરુ કર્યા છે, જ્યાં કામદારોને રશિયા મોકલતા પહેલા તૈયાર કરવામાં આવે છે. જોકે, આ સંકટ ટૂંકા ગાળાનું નથી. નિષ્ણાતોના મતે રશિયાની વસ્તી સતત ઘરડી થઈ રહી છે, જેના કારણે આગામી દાયકાઓ સુધી રશિયાએ વિદેશી શ્રમિકો પર નિર્ભર રહેવું પડશે. ભારત માટે આ એક મોટી તક છે, કારણ કે રશિયા હવે ભારતીયો માટે રોજગારીના નવા અને મોટા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.