મલેશિયાનું પેસેન્જર વિમાન એમએચ-૧૭ તૂટવા માટે રશિયા જવાબદાર, ૧૦ વર્ષ પહેલા બની હતી ગમખ્વાર ઘટના
બોઇંગ ૭૭૭ કંપનીનું મલેશિયન વિમાન એમએચ૧૭ તુટી પડયું હતું.
2014માં ક્રુ મેમ્બર સહિત ૨૯૮ લોકોના મોત થયા હતા.
મોસ્કો,૧૦ જુલાઇ,૨૦૨૫,ગુરુવાર
૨૦૧૪માં મલેશિયાની પેસેન્જર ફલાઇટ એમએચ૧૭ રહસ્યમય રીતે ગૂમ થયું હતું. ક્રુ મેમ્બર સહિત ૨૯૮ લોકોના મોત થયા હતા. આ વિમાન રડારમાંથી ગાયબ થયા પછી કયાં ગયું ? કયાં સ્થળે અને કેવી રીતે દુર્ઘટનાનો ભોગ બન્યું તે જાણી શકાયું ન હતું. આ ફલાઇટ ક્રેશને એક દાયકો વિત્યા છતાં હજુ સુધી કાટમાળ શોધી શકાયો નથી. મલેશિયાની જ નહી દુનિયા ભરની તપાસ એજન્સીઓએ ખોજ માટે જહેમત ઉઠાવી છતાં સફળતા હાથ લાગી નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર યુરોપીય માનવાધિકાર ન્યાયાલયના ન્યાયાધિશોએ યુક્રેન અને નેધરલેન્ડ તરફથી લાવવામાં આવેલી ચાર અરજીઓના અનુસંધાને આંતરરાષ્ટ્રીય કાનુનના ઉલંઘન માટે રશિયાને જવાબદાર ઠરાવ્યું છે. રશિયા જ એમએચ ૧૭ વિમાનને તોડવા માટે દોષી હોવાનું જણાવવામાં આવ્યું છે. કોર્ટ પ્રેસિડેન્ટ મટિયાસ ગયોમરના જણાવ્યા અનુસાર જુલાઇ ૨૦૧૪માં વિમાન પર ગેર કાયદેસર હુમલો કરવાનું કામ થયું હતું. અનેક પુરાવાઓના આધારે જાણવા મળે છે કે જાણી જોઇને એમએચ ૧૭ ફલાઇટ ઉપર મિસાઇલ છોડવામાં આવી હતી. કદાંય આ સૈન્ય વિમાન હોવાની ગેર સમજણના લીધે આવો હુમલો થયો હશે.
જો કે ગયોમરે એવી સ્પષ્ટતા કરી હતી કે મિસાઇલ કોણે છોડી એ નકકી કરવું જરુરી નથી પરંતુ રશિયન સશસ્ત્ર દળો અથવા તો તેના દ્વારા પોષણ આપવામાં આવેલા અલગાવવાદીઓના હુમલા માટે મોસ્કો જવાબદાર છે.રશિયાએ સૈન્ય લક્ષ્યોની સટીક ઓળખ કરવાનો કોઇ જ પ્રયત્ન કર્યો ન હતો જ સ્પષ્ટ રીતે કાનુનના નિયમોનું ઉલંઘન હતું. યુરોપીય અદાલત આર્થિક વળતરનો પણ ચુકાદો આપી શકે છે. જો કે રશિયાએ આ વળતર ચુકવવા અંગે કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. રશિયાએ કોર્ટના ચુકાદાને સંપૂર્ણ રીતે નજર અંદાજ કર્યો છે. રશિયાએ આ ચુકાદાને પ્રતિકાત્મક ગણીને નકારી દીધો છે જયારે યુક્રેને અદાલતના નિર્ણયને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવ્યો છે.
એમએચ ૧૭માં ૧૭ દેશોના નાગરિકો મુસાફરી કરતા હતા
૧૭ જુલાઇ ૨૦૧૪ના રોજ પૂર્વી યુક્રેનના રશિયા સમર્થક વિદ્રોહીઓના નિયંત્રણવાળા ક્ષેત્રમાંથી મિસાઇલ છોડવામાં આવતા બોઇંગ ૭૭૭ કંપનીનું મલેશિયન વિમાન એમએચ૧૭ તુટી પડયું હતું. આ ઘટનામાં ચાલકદળના સભ્યો સહિત તમામ ૨૯૮ મુસાફરો માર્યા ગયા હતા. એમએચ ૧૭માં ૧૭ દેશોના નાગરિકો મુસાફરી કરતા હતા જેમાં ૧૯૮ નેધરલેન્ડના,૪૩ મલેશિયન,૩૮ ઓસ્ટ્રેલિયાઇ અને ૧૦ બ્રિટિશ નાગરિકોનો સમાવેશ થતો હતો.