- અમેરિકાએ સેટેલાઇટ તસ્વીરોના આધારે દાવો કર્યો
- ઝેલેન્સ્કી-પુતિનની બેઠકના આગલા દિવસે જ રશિયાનો યુક્રેન પર 516 ડ્રોન અને 40 મિસાઇલો સાથે હુમલો
વોશિંગ્ટન : અમેરિકાએ સેટેલાઇટ દ્વારા શોધ્યું છે કે રશિયા બેલારૂસમાં પૂરઝડપે હાઇપરસોનિક મિસાઇલ બેઝ બનાવી રહ્યું છે. રશિયા તેની પરમાણુ ક્ષમતાવાળી હાઇપરસોનિક ઓરેશ્રિક મિસાઇલ બેલારૂસના પૂર્વી હિસ્સામાં જૂના એકબેઝ પર ગોઠવી રહ્યું છે. આ ગોઠવણ ખૂબ જ ઝડપથી થઈ રહી છે. તેના કારણે રશિયાને વ્યૂહાત્મક સરસાઈ મળશે તેમ માનવામાં આવે છે.
આના કારણે જો યુક્રેન યુદ્ધમાં ઝુકાવવા માટે યુરોપ કોઈ નિર્ણય કરતું હોય તો પણ વિચાર કરશે તેમ માનવામાં આવે છે. ઓરેશ્રિક એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે. તેની ઝડપ પ્રતિ કલાક ૧૨,૦૦૦ કિ.મી.ની છે. તેની રેન્જ ૫,૫૦૦ કિ.મી. સુધીની છે. તે પરમાણુ શસ્ત્રથી લઈને સામાન્ય શસ્ત્રો લઈ જઈ શકે છે. રશિયાએ નવેમ્બર ૨૦૨૪માં તેનો ઉપયોગ યુક્રેનમાં કર્યો હતો. પુતિનનો દાવો છે કે આ મિસાઇલને રોકવી અશક્ય છે. તે એકસાથે કેટલાય લક્ષ્યાંક પર હુમલો કરી શકે છે. તેમા ઘણા નવા શસ્ત્ર લગાવી શકાય છે.
યુક્રેનના પ્રમુખ અમેરિકા ટ્રમ્પને મળવા ગયા છે ત્યારે રશિયાએ યુક્રેન પર ૫૧૬ ડ્રોન અને ૪૦ મિસાઇલ સાથે ભીષણ હુમલો કર્યો છે. રશિયાએ કીવ અને તેની આસપાસના વિસ્તારો પર ભીષણ હુમલો કર્યો હતો. તેના કારણે ૧૮ રહેણાક ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ હતી. આ હુમલામાં રશિયાએ કેટલીય કિંઝલ હાઇપરસોનિક મિસાઇલ, ચાર ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલ અને કેટલીક કેલિબ્ર ક્રૂઝ મિસાઇલ ફેંકી. કીવથી ૨૦ કિ.મી. દૂર આવેલા બ્રાવરી શહેરમાં પણ હુમલાના કારણે વીજ પુરવઠાને અસર પહોંચી.તેના લીધે શહેરની આસપાસના વિસ્તારોમાં અંધારુ છવાઈ ગયું. જો કે આ હુમલામાં એકનું જ મોત થયું હતું. છતાં પણ આખી રાજધાની હુમલાથી થથરી ગઈ હતી. સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું.
ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેનના અધિકારીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો ૨૦ પોઇન્ટવાળો પ્રસ્તાવ ૯૦ ટકા સુધી તૈયાર થઈ ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પની સાથેની વાતચીતમાં યુક્રેન માટે દીર્ઘકાલીન સુરક્ષા ગેરંટી અને યુદ્ધ પછી સ્થિરતા સુનિશ્ચિત કરવામાં સહયોગી દેશોની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવશે. રશિયાએ દાવો કર્યો છે કે તેમનું લશ્કર યુક્રેનના દક્ષિણ હિસ્સામાં આગળ વધી રહ્યું છે. રશિયા શાંતિ ન સ્થપાઈ તો યુક્રેનને સમુદ્રથી કાપી નાખવાનું અને તેનું સમુદ્રી જોડાણ કાયમ માટે ખતમ કરવાના આયોજન પર આગળ ધપી રહ્યુ છે. આ જ લક્ષ્યાંકના ભાગરૂપે તેણે યુક્રેનના બંદરોને નિશાન બનાવ્યા છે.


