રશિયાએ યુક્રેનને કેમિકલ વેપન અને 550 ડ્રોનના ભીષણ હુમલાથી ધમરોળ્યું
- યુક્રેને રશિયાના મોટાભાગના ડ્રોન મારી હટાવ્યા
- ડચ અને જર્મન ઇન્ટેલિજન્સનો દાવો: રશિયા યુક્રેન સામેના યુદ્ધમાં કેમિકલ વેપન એટેક વધારી રહ્યું છે
કીવ : રશિયાએ યુક્રેન યુદ્ધમાં કેમિકલ વેપનનો ઉપયોગ કરવા માંડયો હોવાનો હોલેન્ડે ચોંકાવનારો દાવો કર્યો છે. તે સતત કેમિકલ વેપનનો ઉપયોગ વધારી રહ્યું છે. આ સાથે રશિયાએ યુક્રેન પર એક સાથે ૫૫૦ ડ્રોન અને ૧૧ મિસાઇલો સાથે ભીષણ હુમલો કર્યો હતો. રશિયાએ કીવ સાથે આખા યુક્રેનને ધમરોળી નાખવા માંગતા હોય તે પ્રકારનો હુમલો કરતા રશિયાએ આખી રાત હુમલો ચાલું રાખ્યો હતો.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કેમિકલ વેપનના ઉપયોગનો દાવો આ પ્રકારે પહેલી જ વખત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડચ અને જર્મન બંને દેશની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ આ વાતને સમર્થન આપ્યું છે. તેમા સૈનિકોને ખાડીમાંથી બહાર કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ચોકિંગ એજન્ટનો સમાવેશ થાય છે. આમ રશિયા કેમિકલ વેપનનો ઉપયોગ સતત વધારી રહ્યુ છે અને સંભવત: પરમાણુ શસ્ત્રોના વિકલ્પ તરીકે તેનો ઉપયોગ કરે છે. આના પગલે બંને દેશોની સરકારોએ રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની ભલામણ કરી છે.
યુક્રેન સાથેની એક હજાર કિ.મી.ની ફ્રન્ટ લાઇન પર દુશ્મન દળો પર દબાણ લાવવાના હેતુથી રશિયાએ આ હુમલો કર્યો હતો. જો કે રશિયાના મોટાભાગના ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા અને ૧૧માંથી નવ મિસાઇલ યુક્રેનમાં ત્રાટકવામાં સફળ રહી હતી.
રશિયાએ યુક્રેનના દનિપ્રોપેટ્રોવ્સ્ક, સુમી, ખાર્કિવ, ચેર્નિવ, કીવમાં હુમલો કરીને ત્યાં નુકસાન પહોંચાડવામાં સફળતા મેળવી હતી. ઇમરજન્સી સર્વિસિઝે રાજધાનીના દસમાંથી પાંચ જિલ્લામાં નુકસાન થયાનું જણાવ્યું હતું. આ હુમલામાં યુક્રેનમાં ૨૩ જણને ઇજા થઈ હતી.
યુક્રેનના એર ડિફેન્સે ૨૭૦ ટાર્ગેટ શૂટ કર્યા હતા. તેમા બે ક્રુઝ મિસાઇલનો સમાવેશ થાય છે. જ્યારે બીજા ૨૦૮ ટાર્ગેટ રાડારથી ગુમ થઈ ગયા હતા. તેને જામ કરી દેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આમ છતા રશિયાના નવ મિસાઇલ અને ૬૩ ડ્રોન યુક્રેન પર ત્રાટકવામાં સફળ રહ્યા હતા. આંતરી લેવામાં આવેલા ડ્રોનનો કાટમાળ ૩૩ સ્થળોએ પડેલો મળી આવ્યો હતો. આ ઉપરાંત ૧૪ માળના રહેણાક બિલ્ડિંગ પર મિસાઇલ ત્રાટકતા તે આગમાં લપેટાઈ ગયું હતું.
ટ્રમ્પનો ફોન આવતા પુતિન કાર્યક્રમ છોડી અધવચ્ચે રવાના થયા
મોસ્કો : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ. આ વખતે જ્યારે ટ્રમ્પનો ફોન આવ્યો તે સમયે પુતિન એક મહત્ત્વના જાહેર કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે તેમણે આ કાર્યક્રમ અધવચ્ચે રોક્યો અને મંચ પરથી વિદાય લીધી. પુતિને હળવા અંદાજમાં જણાવ્યું હતું કે ટ્રમ્પને રાહ જોવડાવવી યોગ્ય નથી. શું ખબર અમેરિકન પ્રમુખ નારાજ થઈ જાય. પુતિને કાર્યક્રમની વચ્ચે જણાવ્યું મહેરબાની કરીને નારાજ ન થાવ, અમે હજી પણ વાત કરી શકીએ છીએ. પરંતુ ટ્રમ્પને રાહ જોવડાવવી થોડું વિચિત્ર લાગે છે, તે નારાજ થઈ શકે છે. પુતિનની આ વાત પછી ત્યાં ઉપસ્થિત લોકોમાં હાસ્યની છોળો ઉડી અને લોકો તાળીઓ વગાડવા લાગ્યા. આ ઘટના મોસ્કોમાં આયોજિત સ્ટ્રોંગ આઇડિયાઝ ફોર ન્યુ ટાઇમ દરમિયાન થઈ. પુતિન ત્યાં એક પેનલ ચર્ચામાં હિસ્સો લઈ રહ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમા પુતિન પ્રેક્ષકોની માફી માંગતા ટ્રમ્પના કોલ માટે જવાની વાત કહેતા જણાય છે.
ટ્રમ્પે ઘણું સમજાવ્યા, પરંતુ પુતિન ટસના મસ ન થયા
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ પુતિન વચ્ચે ફોન પર વાતચીત થઈ. ટ્રમ્પે તેના અંગે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધ રોકવા મુદ્દે વાત આગળ વધી નથી. તેમણે જણાવ્યું હતું કે અમે વાતચીત કરી અને તે ઘણી લાંબી વાતચીત હતી. અમે ઇરાન સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી. અમે યુક્રેન યુદ્ધ અંગે પણ વાત કરી. હું રશિયા-યુક્રેન યુદ્ધ ન રોકાવવાથી ખુશ નથી. પુતિનના સહયોગી યૂરી ઉશાકોવે જણાવ્યું હતું કે બંને નેતાઓએ ખુલીને ઠોસ વાતચીત કરી. આમ ટ્રમ્પે પુતિનને યુદ્ધવિરામ માટે મનાવવા ઘણો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પુતિન માન્યા ન હતા. પુતિન અને ટ્રમ્પ વચ્ચે આ પહેલા છેલ્લી વાતચીત ગયા મહિને થઈ હતી.