Get The App

'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ...' પુતિનનું મોટું નિવેદન

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
Russia China Visit BRICS Trade


Russia China Visit BRICS Trade: ચાઈના પ્રવાસે રવાના થતા પહેલા પુતિને એક ઈન્ટરવ્યૂ આપ્યું, જેમાં તેમણે કહ્યું કે રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે. તેમણે ચીન સાથેના સહયોગને મજબૂત બનાવવા, આર્થિક સંબંધો સુધારવા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ઇતિહાસની સુરક્ષા કરવા પર ભાર મૂક્યો. પુતિને શી જિનપિંગના નેતૃત્વની પણ પ્રશંસા કરી અને પશ્ચિમી દેશો દ્વારા ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાના પ્રયાસોની નિંદા કરી. તેમજ પુતિન ચીનના તિયાનજિનમાં યોજાનાર શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન અને બેઇજિંગમાં ચીનના વિજય દિવસ સમારોહમાં ભાગ લેશે.

પુતિને ચીનના રાષ્ટ્રપતિની પ્રશંસા કરી અને વેપાર પ્રતિબંધોનો વિરોધ કર્યો

પુતિને જણાવ્યું કે, 'રશિયા અને ચીન ભેદભાવપૂર્ણ વૈશ્વિક વેપાર પ્રતિબંધોનો સખત વિરોધ કરે છે, જે વિશ્વની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. તેમણે શી જિનપિંગની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ દ્રઢ ઇચ્છાશક્તિ, વ્યૂહાત્મક દૃષ્ટિ અને રાષ્ટ્રીય હિતો પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા ધરાવતા એક સાચા નેતા છે, જે આ પડકારજનક સમયમાં ચીનના નેતૃત્વ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.'

રશિયા અને ચીન: BRICS અને વૈશ્વિક આર્થિક સહયોગ

પુતિને વધુમાં જણાવ્યું કે, 'BRICS માળખા હેઠળ રશિયા અને ચીન સતત સાથે મળીને કામ કરી રહ્યા છે અને એવા પ્રસ્તાવોને આગળ ધપાવી રહ્યા છે, જેનાથી સભ્ય દેશો માટે આર્થિક તકો વધે. બંને દેશો વચ્ચેના ગાઢ સહયોગથી G20 અને APEC જેવા મોટા આર્થિક મંચોના કામકાજમાં સકારાત્મક ફેરફારો આવ્યા છે.'

રશિયાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે, 'SCO સમિટ પછી સંગઠનને વધુ વેગ મળશે. તેનાથી વર્તમાન વૈશ્વિક પડકારો અને જોખમોનો વધુ સારી રીતે સામનો કરવાની ક્ષમતા વિકસિત થશે અને યુરેશિયન ક્ષેત્રમાં એકતા મજબૂત થશે.'

રશિયા અને ચીન વચ્ચે નવા સહયોગની સંભાવના

પુતિને એ પણ સંકેત આપ્યો કે, 'ચીન પ્રવાસ દરમિયાન તેઓ બંને દેશો વચ્ચે પરસ્પર સહયોગની નવી તકો અને પહેલ પર વિગતવાર ચર્ચા કરશે. આ પહેલથી રશિયા અને ચીન બંનેના લોકોને ફાયદો થશે.' તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયા અને ચીન પરસ્પર વેપારમાં અવરોધો ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો: અમેરિકાના પૂર્વ NSA ટ્રમ્પ સામે ભડક્યાં, કહ્યું - 'ભારતને તમે મજબૂર કરી રહ્યા છો કે એ...'

ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરનારાઓની નિંદા કરીશું

પુતિને કહ્યું કે, 'રશિયા અને ચીન તેમના પૂર્વજોની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપશે, જેમણે દેશોની સ્વતંત્રતાનું રક્ષણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બંને દેશો બીજા વિશ્વયુદ્ધના ઇતિહાસને વિકૃત કરવાના કોઈપણ પ્રયાસનો સખત વિરોધ કરે છે અને શહીદ થયેલા સૈનિકોની સ્મૃતિનું સન્માન કરવું તેમની ફરજ છે. પુતિને સોવિયત સૈનિકોની યાદ જાળવી રાખવા બદલ ચીનનો આભાર માન્યો.'

રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી દેશોની ટીકા કરી અને કહ્યું કે, 'કેટલાક દેશોમાં બીજા વિશ્વયુદ્ધના પરિણામોની વાસ્તવિકતામાં સમીક્ષા કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઐતિહાસિક સત્યને દબાવવામાં આવી રહ્યું છે જેથી વર્તમાન રાજકીય એજન્ડાને સાધી શકાય. રશિયા અને ચીન આવા પ્રયાસોની સંપૂર્ણ નિંદા કરે છે.'

'BRICS અને વૈશ્વિક વિકાસમાં વેપારના પ્રતિબંધો મોટો અવરોધ...' પુતિનનું મોટું નિવેદન 2 - image

Tags :